નીતિ આયોગ ની ટીમે પાલનપુર ખાતે કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજી, ખેડૂતો ના ખેતરો, દાંતીવાડા અને સરોત્રા ડેમની મુલાકાત લીધી

0
59
ડીસ્ટ્રીકટ ઇરીગેશન પ્‍લાનના અમલીકરણ અને સુધારા અંગેના સુચનો માટે નીતિ આયોગ નવી દિલ્હીની ટીમ આજથી બે દિવસ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી છે. ભારત સરકારશ્રીના નીતિ આયોગના અધિકારી અને સાઇન્ટીસ્ટશ્રી ગોપાલ શરણ તથા સેન્ટ્રલ વોટર કમિશનના નિયામકશ્રી (મોનીટરીંગ ડિરેક્ટરેટ) શ્રી કુશાગ્ર શર્માએ પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એ.શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.વી.વાળા અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં સિંચાઇ ક્ષેત્રે થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી.
       નીતિ આયોગના સભ્યશ્રીએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનામાં બનાસકાંઠા જિલ્લામાં થયેલ કામગીરીની સરહાના કરતાં કહ્યું કે સૌથી વધુ વિસ્તારમાં સૂક્ષ્‍મ પિયત પધ્ધતિ અપનાવી આ જિલ્લાએ પ્રેરણાદાયી કાર્ય કર્યુ છે જે અભિનંદનને પાત્ર છે. નીતિ આયોગના સભ્યશ્રીઓએ દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામના ખેડૂતશ્રી ઉકાજી સોનાજી માળીના ખેતરની મુલાકાત લઇ સૂક્ષ્‍મ પિયત પધ્ધતિથી કરવામાં આવતી ખેતી અને દાંતીવાડા તથા સરોત્રા ડેમની મુલાકાત લઇ જિલ્લામાં સિંચાઇની વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.
નીતિ આયોગની ટીમ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતેઃ 
કૃષિ સિંચાઇમાં થયેલ કામગીરીની સરાહના કરતું નીતિ આયોગ
        બેઠકમાં કલેકટરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનામાં બનાસકાંઠા જિલ્લાને વર્ષ-૨૦૧૭માં સિંચાઇ ક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી માટે એવોર્ડ એનાયત થયો હતો. તેમણે કહ્યું કે, નીતિ આયોગની ટીમે બનાસકાંઠામાં આવી આપણને ખુબ સરસ માર્ગદર્શન આપ્‍યું છે. નીતિ આયોગના માર્ગદર્શન પ્રમાણે જિલ્લામાં સિંચાઇ ક્ષેત્રે નવા આયામો સર કરીએ. બેઠકમાં સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી આર.એન.નિનામાએ ડિસ્ટ્રીક્ટ પ્રોફાઇલ રજૂ કરી વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે, સૂક્ષ્‍મ પિયત પધ્ધતિ અપનાવવામાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. તેમણે કહ્યું કે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જિલ્લાના પશ્વિમ વિસ્તારમાં ખેડૂતોના ખેતરો સુધી નર્મદાના નીર પહોંચાડવાથી તે વિસ્તારમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આત્મા દ્વારા ખેડૂતોને તાલીમ અને ખેતીની યોજનાઓની જાણકારી આપવામાં આવે છે. શ્રી નિનામાએ કહ્યું કે, સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન દરમ્યાન જિલ્લામાં ૫૮૧ વોટર રિચાર્જના સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અત્યારે ચાલી રહેલા જળ શક્તિ અભિયાનમાં રાજયના ૫ જિલ્લાઓ પૈકી બનાસકાંઠાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પી. કે. પટેલે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં ખેતીના વાવતેર વિસ્તારમાં ૪૦,૬૭૯ હેકટરનો વધારો થયો છે તેવી જ રીતે બાગાયતી પાકોના વાવતેરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
આ પ્રસંગે આત્માના પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી તેજલ શેઠ, નાયબ બાગાયત નિયામકશ્રી જે.બી.સુથાર, નાયબ ખેતી નિયામકશ્રી ભરતભાઇ પટેલ, નર્મદાના કાર્યપાલક ઇજનેરશ્રી વાગડીયા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરશ્રી ગુપ્‍તા સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here