‘બેન્ડિટ ક્વીન’ ફૅમ એક્ટર અનુપમ શ્યામ ICUમાં દાખલ, ભાઈએ કહ્યું- કિડનીની બીમારી પણ સારવાર કરાવાના પૈસા નથી, સેલેબ્સ પાસે મદદ માગી

0
3

મુંબઈ. ટીવી સિરિયલ ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’માં ઠાકુર સજ્જન સિંહનો રોલ પ્લે કરીને લોકપ્રિય થનાર એક્ટર અનુપમ શ્યામ મુંબઈની ગોરેગાંવ સ્થિત લાઈફલાઈન કૅર હોસ્પિટલમાં દાખલ છે. 27 જુલાઈના રોજ તેમની તબિયત ખરાબ થઈ હતી અને તેમને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ICUમાં છે અને સારવાર માટે બોલિવૂડ એક્ટર્સ આમિર ખાન તથા સોનુ સૂદ પાસે મદદ માગી છે.

આર્થિક તંગીને કારણે ડાયલિસિસ કરાવવાનું બંધ કરાવ્યું હતુ

નાના ભાઈ અનુરાગે કહ્યું હતું કે અનુપમ શ્યામને છેલ્લાં એક વર્ષથી કિડનીની બીમારી છે. અનુરાગે કહ્યું હતું, ‘છેલ્લાં ઘણાં વર્ષોથી તેમના ભાઈ મુંબઈમાં છે પરંતુ તેમની પાસે કોઈ બચત નથી. છેલ્લાં બે-ત્રણ વર્ષથી તેમને કામ પણ મળતું નથી. તેઓ કામ કરવા માગે છે પરંતુ તેમને કામ મળતું નથી. આ દરમિયાન તેમને કિડનીની બીમારી થઈ હતી. એક વર્ષ પહેલા તેમની કિડની ખરાબ થઈ ગઈ હોવાની જાણ થઈ હતી અને ડાયાલિસિસ કરાવાનું શરૂ કર્યું હતું. જોકે, આર્થિક તંગીને કારણે તેમણે ડાયાલિસિસ બંધ કરી દીધું હતું. ડૉક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવાની વાત કરી હતી પરંતુ ભાઈ પાસે પૈસા ના હોવાથી તે ટ્રાન્સપ્લાન્ટ કરાવી શક્યા નહીં.’

કામ બહુ જ કર્યું પરંતુ બચત ના થઈ

વધુમાં અનુરાગે કહ્યું હતું, ‘એક્ટિંગ કરિયર માટે ભાઈ વર્ષો પહેલાં ઉત્તર પ્રદેશથી મુંબઈ આવ્યા હતા. તેમણે બહુ જ કામ કર્યું પરંતુ બચત થઈ શકી નહીં. મુંબઈમાં તેમનું પોતાનું ઘર નથી. તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. હું અને મારો પરિવાર (પત્ની અને છ વર્ષનો દીકરો) તેમની સાથે રહીએ છીએ. થોડાં વર્ષો મેં પણ થિયેટરમાં કામ કર્યું હતું પરંતુ તેમાં પૈસા બહુ મળતા નહોતા અને તેથી જ મેં હોટલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં અમારી આર્થિક સ્થિતિ સારી નથી અને આથી જ અમે મદદ માગી છે.’

મનોજ વાજપેયીએ એક લાખ રૂપિયાની મદદ કરી

મનોજ વાજપેયીને જ્યારે અનુપમ શ્યામની તબિયત અંગે ખબર પડી તો તે મદદ માટે આગળ આવ્યો હતો. આ અંગે અનુરાગે કહ્યું હતું, ‘મનોજ વાજપેયીએ અમારો સંપર્ક કર્યો અને તરત જ એક લાખ રૂપિયાની મદદ કરી હતી અને અમે એ પૈસા હોસ્પિટલમાં જમા કરાવી દીધા હતા. મનોજ વાજપેયી સિવાય કોઈએ હજી સુધી મદદ કરી નથી. કોવિડ 19ને કારણે હોસ્પિટલ કોઈને જલદી એડમિટ પણ કરતું નથી. અમે નથી ઈચ્છતા કે પૈસાના અભાવમાં ભાઈની સારવાર અધવચ્ચે અટકાવી પડે. આશા છે કે હજી વધુ લોકો અમારી મદદ કરશે. અમને સારવાર માટે વધુ ત્રણ લાખ રૂપિયાની જરૂર છે.’

આ પહેલા પત્રકારે ટ્વીટ કરી હતી

ગોરેગાંવની હોસ્પિટલમાં અનુપમ શ્યામ એડમિટ હોવાની વાત પત્રકાર તથા ફિલ્મ મેકર એસ રામચંદ્રને ટ્વીટ કરીને આપી હતી. પત્રકારે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, અભિનેતા અનુપમ શ્યામ ICUમાં દાખલ છે. તેમણે વ્હોટ્સ એપ ગ્રુપમાં મદદ માગી છે. આ ટ્વીટ પર મનોજ વાજપેયીએ મદદ કરવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે અનુપમ શ્યામ તથા મનોજે ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’, ‘દસ્તક’ તથા ‘સંશોધન’માં સાથે કામ કર્યું હતું.

અણ્ણા હઝારે આંદોલનના સમર્થક

અનુપમ શ્યામ લખનઉની ભારતેંદુ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ્સના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. અહીંયા તેમણે 1983-85 સુધી એક્ટિંગ ટ્રેનિંગ લીધી હતી. વર્ષ 2011માં તેઓ અણ્ણા હઝારે આંદોલનનું સમર્થન પણ કર્યું હતું. અનુપમ શ્યામે લગ્ન કર્યાં નથી અને નાના ભાઈ સાથે મુંબઈમાં જ રહે છે. અનુપમે ‘સરદારી બેગમ’, ‘દુશ્મન’, ‘કચ્ચે ધાગે’, ‘પરઝાનિયા’, ‘ગોલમાલ’, ‘સ્લમડોગ મિલિયોનર’, ‘મુન્ના માઈકલ’, ‘લજ્જા’, ‘નાયક’, ‘શક્તિઃ ધ પાવર’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. ટીવી પર તેઓ છેલ્લે સિરિયલ ‘કૃષ્ણા ચલી લંડન’માં જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here