‘બપ્પીદાને છેલ્લાં એક વર્ષથી ફેફસાંની બીમારી, પરંતુ હવે હોસ્પિટલમાં તબિયત સુધારા પર છે’

0
5

બોલિવૂડ સિંગર તથા કમ્પોઝર બપ્પી લહરીનો હાલમાં જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ICU વોર્ડમાં ભરતી છે. બપ્પીદાને છેલ્લાં એક વર્ષથી ફેફસાંની બીમારી છે અને તેઓ તેની સારવાર કરાવે છે. જોકે, હાલમાં બપ્પીદાની તબિયત સુધારા પર છે. બપ્પીદાના દીકરા બાપ્પાએ પિતાની તબિયત પર વાત કરી હતી.

શું કહ્યું દીકરાએ?

બપ્પી લહરીના દીકરા બાપ્પાએ કહ્યું હતું, ‘આજ સવારે જ તેમણે ચા પીધી. અમે સતત ફોનથી તેમના સંપર્કમાં છીએ. તેમને શરૂઆતમાં શરદી થઈ હતી અને સાવચેતીના ભાગરૂપે અમે ટેસ્ટ કરાવ્યો હતો. જોકે, અમારી ચિંતાની વચ્ચે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, મમ્મી તથા બીજા બધાનો રિપોર્ટ નેગેટિવ આવતા અમે રાહતનો શ્વાસ લીધો હતો.’

બાપ્પા હાલમાં જ અમેરિકાથી ભારત આવ્યો

બાપ્પા ભારત આવતા એવી ચર્ચા થવા લાગી કે બપ્પી લહરીને તબિયત સારી ના હોવાથી તે ભારત આવ્યો છે. આ અંગે ચોખવટ કરતાં બાપ્પાએ કહ્યું હતું, ‘આ માત્ર સંયોગ છે. હું મુંબઈમાં લેન્ડ થયો અને પપ્પાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હું જ્યારે અમેરિકાથી ફ્લાઈટમાં બેઠો ત્યારે મને આ અંગે કંઈ જ ખબર નહોતી. ખરી રીતે તો હું મુંબઈમાં હોટલમાં રહેવાનો હતો, જેથી મારા પેરેન્ટ્સને કોઈ ચેપ ના લાગે. હું ટ્રાવેલ કરીને આવ્યો હોવાથી મેં થોડાં દિવસ પેરેન્ટ્સથી દૂર રહેવાનો વિચાર કર્યો હતો. જ્યારે હું હોટલમાં પ્રવેશ્યો ત્યારે મને ખબર પડી કે પપ્પાનો રિપોર્ટ પોઝિટિવ છે.’

વારંવાર શરદી થાય છે

બાપ્પાએ કહ્યું હતું કે બપ્પીદાને છેલ્લાં એક વર્ષખી ફેફસાંની સમસ્યા છે. આ જ કારણે તેમનો અવાજ પણ બદલાઈ ગયો છે. તેમને આ જ કારણે વારંવાર શરદી થાય છે.

તબિયત સુધારા પર

પિતાની તબિયત અંગે વાત કરતાં બાપ્પાએ કહ્યું હતું, ‘બપ્પીદા વીડિયો કોલ કરીને પરિવારના સભ્યો સાથે વાત કરે છે. આજે તેમને ફોન પર સંગીત પણ સાંભળવું હતું. સૌથી સારા સમાચાર એ છે કે બપ્પીદાની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જે ડૉક્ટર સારવાર કરે છે તે સૌથી બેસ્ટ પલ્મોનરી સ્પેશિયાલિસ્ટ છે. ડૉ. ફારુખ ઉદવાડિયા બેસ્ટ છે. કોવિડ તથા પલ્મોનરીની સારવાર એક જ ડૉક્ટર કરી રહ્યા છે.’ ઉલ્લેખનીય છે કે લહરી પરિવાર પહેલાં બપ્પીદાને લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવા માગતા હતા, પરંતુ ત્યાં બેડ ખાલી નહોતા. આથી તેમણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કર્યા.

સ્પોકપર્સને કોવિડ 19 પોઝિટિવ હોવાની વાત કરી હતી​​​​​​​

બપ્પી લહરીના સ્પોકપર્સને કહ્યું હતું, ‘સાવચેતી રાખવા છતાંય બપ્પી લહરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છે. બપ્પીદાએ વિનંતી કરી છે કે છેલ્લાં થોડાં સમયમાં તેમના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિઓ ટેસ્ટ કરાવી લે અને જરૂરી ગાઈડલાઈનનું પાલન કરે.’

માર્ચ મહિનામાં વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું

માર્ચ મહિનાની શરૂઆતમાં બપ્પી લહરીએ કોવિડ 19ની વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે, હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે તેમણે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો કે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here