અમદાવાદ : બાપુનગર પોલીસ સ્ટેશનના PI ગરીબોની વહારે,

0
0

અમદાવાદ. લોકડાઉનના કારણે અનેક લોકોના રોજગાર ધંધા બંધ થઈ જતા ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને ગરીબ ઘરના લોકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવા ગરીબ પરિવારની મદદે પોલીસ આવી છે. ડીસીપી ઝોન 5 રવિ તેજાના માર્ગદર્શન હેઠળ બાપુનગર પોલીસ સ્ટેશનના PI એન.કે. વ્યાસે તેમના વિસ્તારમાં સુખી સંપન્ન પરિવારો અને સમૃધ્ધ લોકો પાસેથી અનાજ, કરીયાણું એકઠું કરી અને રાશનકીટ ગરીબ પરિવાર સુધી પહોંચાડી રહ્યા છે. હજી 10 દિવસ ઘરમાં જો કઈ ન લાવી શકે તેટલું અનાજ કરીયાણું આપી મદદરૂપ બની રહ્યા છે. અત્યાર સુધીમાં 100 પરિવારને કીટ પહોંચાડી ચૂક્યા છે.

બાપુનગરમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ગરીબ વસ્તી રહે છે. ઉપરાંત રોજ કમાઈ અને રોજ ખાનારા લોકો રહે છે. લોકડાઉન 2 સુધી અનેક NGO અને સંસ્થાઓ લોકોને મદદ કરતી હતી. પરંતુ ત્યારબાદ મદદ બંધ થઈ જતા બાપુનગર પોલીસ આવા ગરીબ પરિવારોની મદદે આવી હતી. બાપુનગર PI એન.કે વ્યાસે  જણાવ્યું હતું કે ગરીબ પરિવારોને મદદરૂપ થાય તેના માટે અમે સમૃધ્ધ લોકોને અપીલ કરીએ છીએ કે તમારી પાસે જો અનાજ કરીયાણું હોય તો તમે પોલીસ સ્ટેશનમાં આપી શકો છો જે અમે ગરીબો સુધી પહોંચાડીશું. પોલીસ સ્ટેશનમાં આવક અને જાવકના રજિસ્ટર બનાવ્યા છે. જે લોકો અનાજ આપી જાય છે તેમની આવકમાં નોંધ થાય છે અને જે ગરીબ પરિવારને રાશન કીટ આપીએ છીએ તેમની જાવકમાં નોંધ કરીએ છીએ.

PI એન.કે વ્યાસે કહ્યું કે, બાપુનગર વિસ્તારમાં જે પણ ગરીબ લોકોને અનાજ-કરીયાણું જોઈએ તેઓ અમારા વોલેન્ટીયર, પોલીસકર્મીઓ,પોલીસ સ્ટેશનમાં ફોન કરીને અથવા મને જાણ કરશે તો અમે તે પરિવારના ઘરે વોલેન્ટીયરને મોકલી ઘરમાં અનાજ અને કરીયાણા પૂરતા છે કે નહીં અને સંગ્રહ નથી કરતાને તે તપાસ કરી અને તેમને રાશન કીટ આપીએ છીએ. રાશન કીટમાં ચણાદાળ, ચોખા, ઘઉં અને શાકભાજી સહિતની કુલ 12 કિલો જેટલી થાય તેટલી વસ્તુઓ આપીએ છીએ. આ વસ્તુઓ 14 દિવસ ચાલી શકે તેટલી આપીએ છીએ. જે ગરીબ પરિવારને જરૂર હોય તેઓ પોલીસ સ્ટેશનમાં આવી કીટ લઈ જઈ શકે છે. પોલીસ સ્ટેશનમાં જ બે રૂમ અનાજ માટે ફાળવ્યા છે જ્યાં આ કીટ તૈયાર થાય છે.

અમદાવાદમાં માત્ર બાપુનગર જ નહીં અનેક વિસ્તારોમાં આવા ગરીબ લોકોના ઘરમાં અનાજ નથી. શહેરમાં પોલીસ દ્વારા આ રીતે સમૃદ્ધ પરિવાર અને લોકોની મદદથી અનાજ અને કરીયાણાની જેટલી મદદ થાય તેટલી કરી અને એક કીટ તૈયાર કરી જેને ખરેખર જરૂર છે તેવા પરિવારને મદદ કરે તો કોઈ ગરીબ ભૂખ્યો નહિ રહી શકે અને પોલીસની કડકાઈ નહિ પરંતુ માનવતાનું સ્વરૂપ લોકો જોઈ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here