દુઃખદ : વેટરન ફિલ્મમેકર બાસુ ચેટર્જીનું 90 વર્ષની ઉંમરમાં નિધન

0
8

મુંબઈ. વેટરન ફિલ્મડિરેક્ટર તથા રાઈટર બાસુ ચેટર્જીનું 90 વર્ષની ઉંમરમાં મુંબઈમાં નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે (ચાર જૂન) બપોરે બે વાગે સાંતાક્રૂઝ સ્મશાનમાં કરવામાં આવશે.

10 જાન્યુઆરી, 1930માં રાજસ્થાનના અજમેરમાં જન્મેલા બાસુ ચેટર્જીએ પોતાની કરિયરની શરૂઆત બ્લિટ્ઝ મેગેઝિનમાં કાર્ટૂનિસ્ટથી કરી હતી. અહીંયા તેમણે 18 વર્ષ સુધી કામ કર્યું હતું. ત્યારબાદ 1966માં તેમણે ફિલ્મ ‘તિસરી કસમ’માં બાસુ  ભટ્ટાચાર્યના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મને બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ 1969માં બાસુ ચેટર્જીએ ‘સારા આકાશ’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું.આ ફિલ્મને બેસ્ટ સ્ક્રીનપ્લે ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો.

તેમણે પહેલી ફિલ્મ બાદ ‘પિયા કા ઘર’, ‘ઉસ પાસ’, ‘રજનીગંધા’, ‘છોટી સી બાત’, ‘ચિતચોર’, ‘સ્વામી’, ‘ખટ્ટા મીઠ્ઠા’, ‘પ્રિયાત્મા’, ‘ચક્રવ્યૂહ’, ‘જીના યહાં’, ‘બાતો બાતો મૈં’, ‘અપને પરાયે’, ‘શૌકીન’ તથા ‘એક રૂકા હુઆ ફૈસલા’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ઉપરાંત તેમની ઓછી જાણી ફિલ્મ ‘રત્નાદીપ’, ‘સફેદ જૂઠ’, ‘મનપસંદ’, ‘હમારી બહુ અલકા’, ‘કમલા કી મૌત’ છે.

બાસુ ચેટર્જી બિગ સ્ટાર્સને પોતાની સિમ્પલ ફિલ્મમાં તદ્દન અલગ જ અંદાજમાં રજૂ કરવા માટે જાણીતા હતાં. તેમણે ‘શૌકીન’માં મિથુન ચક્રવર્તીને રતિ અગ્નિહોત્રી સાથે ડિરેક્ટ કર્યાં હતાં. ફિલ્મ ‘મંઝિલ’માં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. જોકે, અમિતાભ સાથેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નહોતી. આ ઉપરાંત રાજેશ ખન્ના સાથેની ‘ચક્રવ્યૂહ’ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. બાસુ ચેટર્જી કલ્ટ ક્લાસિક ફિલ્મ માટે જાણીતા હતાં.

બાસુ ચેટર્જીએ માત્ર હિંદી જ નહીં પરંતુ બંગાળી ફિલ્મ્સ પણ ડિરેક્ટ કરી છે. આ ઉપરાંત દૂરદર્શનની જાણીતી સિરિયલ ‘બ્યોમકેશ બક્ષી’, ‘રજની’ પણ બાસુ ચેટર્જીએ જ ડિરેક્ટ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here