આણંદ જિલ્લાના વાસદ, વહેરાખાડી, ખાનપુર સહિતના મહિ કાંઠાના વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી ખનન માફીયાઓ દ્વારા જેસીબી મશીન મુકી ઉંડા ખાડા કરી રેતી ચોરી કરવામાં આવતા નદીના પટમાં ઉંડા ખાડા પડી ગયેલ હોઈ અવારનવાર ડૂબી જવાના બનાવો બની રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા ખંભોળજ તથા વાસદ પોલીસને નદીના પટમાં પોઈન્ટ મુકી યોગ્ય તકેદારી રાખવા સાથે નદીના ઉંડા પાણીમાં ન્હાવા માટે જતા રોકવાનો નિર્ણય લેવાતા પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાયો છે.
વાસદ નજીક આવેલ વહેરાખાડી સંગમ તીર્થની આસપાસ પણ અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. વહેરાખાડી સંગમતીર્થ હોઈ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ધાર્મિક ક્રિયાઓ માટે આવતા હોય છે. ધાર્મિક ક્રિયા પતાવ્યા બાદ નદીમાં ડૂબકી લગાવતા હોય છે. જો કે વહેરાખાડીથી ખાનપુર સુધીના નદીના પટમાં છેલ્લા ઘણાં સમયથી રેતી ખનન માફિયાઓ દ્વારા નાવડીઓ અને હિટાચી મશીન મુકી નદીમાંથી મોટા પ્રમાણમાં રેતી કાઢવામાં આવતા મસમોટા ખાડા પડી ગયા છે. જેને લઈ આવા ખાડા શ્રધ્ધાળુઓ માટે મોતના કુવા સમાન સાબિત થતા હોય છે. તાજેતરમાં ખાનપુર ખાતે બનેલ બે ઘટના બાદ વહેરાખાડી ગ્રામ પંચાયત દ્વારા વહેરાખાડી ખાતે નદીના ઉંડા પટમાં ન્હાવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે સાથે ઉમરેઠ તાલુકાના લાલપુરા ગામ નજીકથી પસાર થતી મહિસાગર નદી ખાતે ન્હાવા આવતા સહેલાણીઓ માટે પણ નો એન્ટ્રીના બોર્ડ મુકવામાં આવ્યા છે અને આજે નદીના પટ સુધી જતા કાચાં માર્ગો પોલીસ તથા પંચાયત તંત્ર દ્વારા જેસીબી મશીન વડે ખોદી નાંખવામાં આવ્યા હતા.આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરી દ્વારા ખંભોળજ તથા વાસદ પોલીસને મહિ કાંઠે પોલીસ પોઈન્ટ મુકવા અથવા તો બંદોબસ્ત તૈનાત કરવા અને પાણીમાં ડૂબી જવાના બનાવોનું પુનરાવર્તન ન થાય તે અંગે તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત વાસદ પોલીસ દ્વારા વહેરાખાડી સંગમતીર્થ ખાતે જાહેર ચેતવણી દર્શાવતું સૂચક બોર્ડ પણ મુકવામાં આવ્યું છે અને નહાવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે નદીના પટમાંથી રેતી ચોરી કરતા તત્ત્વો સામે લાલ આંખ કરવાને બદલે તંત્ર દ્વારા માત્ર શ્રધ્ધાળુઓના સ્નાન ઉપર પ્રતિબંધ ફરમાવતા અનેક તર્ક વિતર્કો ઉઠયા છે. તંત્ર દ્વારા ખનન માફીયાઓ સામે લાલ આંખ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.