ભારતમાં ઘણા લોકો પોપટને પોતાના ઘરમાં રાખે છે. લોકોના મતે તેઓ પાળતુ પક્ષા છે, પરંતુ શું તમે જાણો છો કે તમે અજાણતા ગુનો કરી રહ્યા છો અને તેના માટે વર્ષો સુધી જેલ થઈ શકે છે.ભારતના ઘણા ઘરોમાં પોપટ પાળવામાં આવે છે. લોકો એક નાનો પોપટ ઘરે લાવે છે અને તેને બોલતા શીખવે છે. પોપટ પણ નાનપણથી જ તેના માલિકના ઘરે શબ્દો બોલાતા શીખે છે અને દિવસભર તેને યાદ રાખે છે. તમે ઘણા પોપટને મિઠ્ઠું, સીતા રામ વગેરે કહેતા જોયા હશે. ઘણી વખત તો પોપટ પણ ઘરે બોલાતા ગાળો (અપશબ્દો) શીખે છે અને પછી તેને યાદ રાખી લે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો તમને છ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
ભારતમાં ઘણા પોપટ પાળવા પર પ્રતિબંધ છે. વન વિભાગના મતે આ ગેરકાયદેસર છે. જો તમે પકડાઈ જાઓ છો, તો તમને ત્રણથી છ વર્ષની જેલની સજા થઈ શકે છે. એટલું જ નહીં, તમારે 25000 રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે. વન વિભાગે અત્યાર સુધીમાં અનેક પોપટનું રેસ્ક્યૂ કરી લીધું છે. જેમાં કેટલાક ઘરમાંથી અને કેટલાક દાણચોરો પાસેથી પોપટ પકડાયા છે. ચાલો તમને જણાવીએ કે, કયા પોપટ તમને જેલમાં મોકલી શકે છે?
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ભારતીય રિંગનેક મોટાભાગના ઘરોમાં ઉછેરવામાં આવે છે. તેઓ નકલ કરવામાં માહેર હોય છે અને ઘરમાં ઘણું બધું બોલે છે. આ પોપટ ભારતમાં ઘણા ઘરોમાં જોવા મળે છે.પરંતુ તમને જણાવી દઈએ કે તેને રાખવા પર પ્રતિબંધ છે. જો યોગ્ય પગલાં લેવામાં આવે તો કદાચ ભારતમાં ઘણા પરિવારોના લોકો જેલમાં હશે. આ સિવાય એલેકઝાન્ડર પોપટ, રેડ બ્રેસ્ટેડ પોપટ વગેરે પર પણ પ્રતિબંધ છે. તેમને વેચવા અને ખરીદવા બંને પર પ્રતિબંધ છે.
ભારતીય વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં અનેક પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે. અગાઉ તેને બજારોમાં પાંજરામાં વેચવામાં આવતા હતા, પરંતુ જ્યારથી કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારથી છુપાઈને તેનું વેચાણ થઈ રહ્યું છે. જે પોપટ કે પક્ષીઓને બચાવી લેવામાં આવે છે તેને બાદમાં ખુલ્લી હવામાં છોડી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં, કોઈપણ પક્ષીને પાલતુ બનાવતા પહેલા પ્રતિબંધ સૂચિ તપાસી લેવી જોઈએ.