સુરત : સૌથી વધુ 182 કેસ સાથે શહેર હોટસ્પોટ બન્યું, પોઝિટિવનો આંકડો 4078 પર પહોંચ્યો , 6 મોત સાથે મૃત્યુઆંક 153 થયો

0
9

સુરત. કોરોના કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરત પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા મુજબ નવા 182 કેસ નોંધાયા છે. જેમાં શહેરમાંથી 155 અને જિલ્લામાંથી 27 કેસ નોંધાયા છે. આજે કુલ 6 મોત થયા છે. જેમાં શેહરમાંથી પાંચ અને જિલ્લામાંથી એક મળી કુલ 153 દર્દીઓના મોત થયા છે. આજે શહેરમાંથી કુલ 43 અને જિલ્લામાંથી 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા 2555 થઈ છે. જેમાં જિલ્લામાંથી 225 લોકો પણ સાજા થઈને ઘરે પહોંચ્યા છે. આજે કોરોના તપાસ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં લાઈનો લાગી હતી. કતારગામમાં આજે સૌથી વધુ 61 કેસ નોંધાતા તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે.

સિવિલ-સ્મીમેરના 2 અને 4 ખાનગી સહિત 6 તબીબ એક નર્સ સંક્રમિત

વરાછા વિસ્તારમાં રહેતા અને સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ, વરાછા વિસ્તારમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ, વરાછા વિસ્તારમાં જ રહેતા અને સદવિચાર હોસ્પિટલના તબીબ, વરાછા વિસ્તારમાં રહેતા યુનિટી હોસ્પિટલના તબીબ, રાંદેર વિસ્તારમાં રહેતા અને યુનિક હોસ્પિટલના તબીબ તેમજ કતારગામ વિસ્તારમાં રહેતા અને અનુભવ હોસ્પિટલના તબીબને કોરોનાના લક્ષણો બાદ સેમ્પલ લેવાયા હતા. જેમાં તેઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેવી જ રીતે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતી એક નર્સનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા લેબ ટેક્નિશિયન, લિંબાયત વિસ્તારમાં રહેતા આશાવર્કર, તેમજ કતારગામ વિસ્તારમાં રહેતા ફાર્માસીસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ટોરન્ટ પાવરના મેનેજર, પિપલ્સ બેંકના મેનેજર, પાલિકાના આસી.ઈજનેર સંક્રમિત

રાંદેર વિસ્તારમાં રહેતા અને ટોરેન્ટ પાવરના મેનેજર પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે રાંદેર વિસ્તારમાં જ રહેતા અને પિપલ્સ બેંકની ભાગળ શાખાના મેનેજર પણ સંક્રમિત થયા છે. જ્યારે રાંદેર વિસ્તારમાં રહેતા અને પાલિકાના લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા આસી.ઈજનેરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. મંગળવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

જ્વેલર્સ અને ટેક્સ કન્સલટન્ટ અને કાર શોરૂમના સેલ્સમેનને પણ ચેપ લાગ્યો

વરાછા વિસ્તારમાં રહેતા અને મહિધરપુરા ખાતે જ્વેલર્સ શોપ ધરાવતા જ્વેલર્સ પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે વરાછા વિસ્તારમાં જ રહેતા એક ટેક્સ કન્સલટન્ટ પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા અને નાણાવટી રિનોલ્ટના સેલ્સમેનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

RO રિપેરર, વોશીંગ મશીન ટેક્નિશ્યન સહિતના સુપરસ્પ્રેડર સંક્રમિત

વરાછા વિસ્તારમાં RO ફિલ્ટર રિપેર કરનાર સંક્રમિત થયો છે. તેવી જ રીતે રાંદેર વિસ્તારમાં મીનરલ વોટરની ડીલીવરી કરનારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે લિંબાયત વિસ્તારમાં રહેતા અને વોશીંગ મશીન રિપેર કરનાર પણ સંક્રમિત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here