રાજકોટ : બોર્ડની પરીક્ષા પહેલા ધોરણ-12 ની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું.

0
2

રાજકોટ શહેરમાં વધુ એક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. હાલ યુવતીએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોલ્ડન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતી નેન્સી સચીનભાઈ સોલંકી નામની 18 વર્ષીય યુવતીએ મંગળવારના રોજ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

આપઘાત વેળાએ નેન્સીના માતા દુકાને હતા, જ્યારે પિતા કોઈ કામ અર્થે જૂનાગઢ ગયા હોવાથી ઘરે એકલી હતી ત્યારે નેન્સીએ આપઘાતનું પગલું ભરી લીધું હતું.

કોરોના કહેરના કારણે થોડાક સમય પહેલાં જ ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ થઇ છે. ત્યારબાદ ધોરણ 9 અને 11ની શાળાઓ શરૂ કરવામાં આવી હતી. તાજેતરમાં જ ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજ્ય સરકારનું શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા લેવામાં આવનાર છે.

આ સમયે નેન્સી ડિપ્રેશનમાં આવી ગઈ હોવાથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here