આશા ભોસલેનો જન્મદિવસ : પિતાના મૃત્યુ પછી ઘણી નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું, 16 વર્ષની ઉંમરે 31 વર્ષના વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં

0
8

ફેમસ સિંગર અને લોકો વચ્ચે આશા તાઈ નામથી ફેમસ આશા ભોસલે મંગળવારે 87 વર્ષના થયા. તેમનો જન્મ 8 સપ્ટેમ્બરે, 1993ના સાંગલી, મહારાષ્ટ્રમાં ફેમસ થિયેટર એક્ટર અને ક્લાસિકલ સિંગર દિનાનાથ મંગેશકરના ઘરે થયો હતો. તેમણે માત્ર 10 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું.

જ્યારે આશા 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું. ત્યારબાદ પરિવારની મદદ કરવા માટે તેમણે મોટા બહેન લતા મંગેશકર સાથે મળીને ગાવાનું શરૂ કરી દીધું. આશા ભોસલેએ 20 ભાષાઓમાં 12 હજારથી પણ વધુ સોન્ગ ગાયા છે અને એક હજારથી પણ વધુ ફિલ્મોમાં તેમનો અવાજ આપ્યો છે. ભારત સરકારે તેમને વર્ષ 2000માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને 2008માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

15 વર્ષ મોટા વ્યક્તિ સાથે પહેલા લગ્ન કર્યાં હતાં

આશા તાઈ જ્યારે 16 વર્ષના હતા ત્યારે તેમણે તેમના 31 વર્ષીય સેક્રેટરી ગણપતરાવ ભોસલે સાથે ઘરવાળાની વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા હતા. પરંતુ તે લગ્ન 11 વર્ષ પછી તૂટી ગયા. 1960માં સાસરા પક્ષના ખરાબ વર્તનથી હેરાન થઈને આશા પતિનું ઘર છોડીને તેમના બંને બાળકો સાથે પિયર આવી ગયા. તે સમયે તેઓ ગર્ભવતી પણ હતા.

શરૂઆતમાં મોટા સિંગર્સે છોડી દીધેલા સોન્ગ ગાયા

60ના દશકમાં લતા, શમશાદ બેગમ અને ગીતા દત્તએ મૂકી દીધેલા ગીત મોટેભાગે આશા જ ગાતા હતા. આ સોન્ગ નેગેટિવ રોલ અને વેમ્પ્સ પર પિક્ચરાઇઝ હતા. આશાને 1952માં આવેલી ફિલ્મ સંગદિલથી સૌથી વધુ ઓળખ મળી હતી. જોકે આશાએ સૌથી પહેલું સોન્ગ 1943માં આવેલી મરાઠી ફિલ્મ ‘માઝા બલ’માં ગાયું હતું.

47 વર્ષની ઉંમરે બીજા લગ્ન

20 વર્ષ એકલા રહ્યા બાદ 1980માં તેમણે પોતાનાથી 6 વર્ષ નાના ફેમસ મ્યુઝિશિયન રાહુલ દેવ બર્મન (પંચમ દા) સાથે બીજા લગ્ન કર્યા. તે સમયે આશા 47 વર્ષના હતા અને પંચમ દા 41 વર્ષના હતા. તે પંચમ દાના પણ બીજા લગ્ન હતાં. તેમના પહેલા લગ્ન રીતા પટેલ સાથે થયાં હતાં. લગ્નના 14 વર્ષ બાદ તેમનું નિધન થયું અને આશા ફરી એકવાર એકલા થઇ ગયા.

લતા- આશાની સ્ટોરી પર ફિલ્મ બની

ગણપત રાવ સાથે ભાગીને લગ્ન કરવાને કારણે લતા મંગેશકર તેમની નાની બહેનથી ઘણા નારાજ હતા. તે કારણે તેઓ આશાના વિરોધી હતા. બંનેના આ કિસ્સાને લઈને ‘સાઝ’ નામની ફિલ્મ પણ બની હતી. તેમાં ફેમસ તબલા વાદક ઝાકીર હુસૈને મ્યુઝિક આપ્યું હતું.

‘માઇ’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું

આશા ભોસલેએ વર્ષ 2013માં આવેલી ફિલ્મ ‘માઇ’થી એક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું. આ ફિલ્મમાં તેમની સાથે પદ્મિની કોલ્હાપુરે પણ હતા, જે તેમની દીકરીના રોલમાં હતા. રામ કપૂર ફિલ્મમાં આશાના જમાઈ બન્યા હતા. ફિલ્મની સ્ટોરી અલ્ઝાઇમરની બીમારી પર આધારિત હતી.

દીકરીએ આત્મહત્યા કરી, કેન્સરથી દીકરાનું મૃત્યુ

પહેલા લગ્નથી આશાને ત્રણ બાળકો હતા. બે દીકરા અને એક દીકરી. સૌથી મોટા દીકરાનું નામ હેમંત હતું અને દીકરીનું નામ વર્ષા હતું. વર્ષાએ સ્પોર્ટ્સ રાઇટર હેમંત કેંકરે સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ 1998માં ડિવોર્સ થઇ ગયા. ત્યારબાદ વર્ષા તેની માતા સાથે મુંબઈમાં રહેવા લાગી. તેમણે ઓક્ટોબર 2012માં 56 વર્ષની ઉંમરે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. સૌથી મોટા દીકરા હેમંતનું મૃત્યુ 66 વર્ષની ઉંમરે કેન્સરને કારણે વર્ષ 2015માં થયું હતું.

ફિલ્મોથી દૂર રહેવાનું કારણ જણાવ્યું હતું

થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં આશાએ બોલિવૂડથી ડિસ્ટન્સ રાખવાનું કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું, ‘મેં હાલમાં જ એક મરાઠી પ્રોજેક્ટમાં કામ કર્યું. હું ‘મેરી ઝોપડી જલ ગઈ’ જેવા શબ્દોવાળા સોન્ગ ન ગાઈ શકું. આ સિવાય મને લાગે છે કે આજકાલ જે સોન્ગ બની રહ્યા છે તે મારા લાયક નથી. આવા ગીતમાં મહિલાઓ માટે ઘણી ઓછી લાઈન હોય છે.’ તેમણે કહ્યું હતું કે જો કોઈ સારું ગીત મળશે તો તેઓ જરૂર કામ કરશે.

પૈસાની જરૂર નથી, ફેમનો મોહ નથી

આશાએ જણાવ્યું હતું કે, ‘આજકાલ લોકો પાસે વિચારવા માટે વધુ સમય નથી કારણકે તેમનો મોટાભાગનો સમય ફોન પર જ પસાર થાય છે. કોઈપણ સારા સોન્ગ નથી લખી રહ્યું.’ આશાના જણાવ્યા મુજબ ‘ફેવિકોલ સે’ અને શીલા કી જવાની’ જેવા સોન્ગ ખરેખર આવવા જ ન જોઈએ. બોલિવૂડથી અંતર રાખવાના સવાલ પર કહ્યું કે, ‘ન તો મને પૈસાની જરૂર છે અને ન તો મને કોઈ ફેમનો મોહ. મેં ઇન્ડસ્ટ્રીમાં મારું નામ બનાવ્યું છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here