સુરત : વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા, લોક ડાઉનનો કડક અમલ, બહાર નીકળેલા લોકોને દંડ કરવાનું શરૂ

0
16

સુરત : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના શહેરમાં વધુ બે કેસ સાથે 7 પોઝિટિવ નોંધાયા છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે. મૃતકના સંપર્કમાં આવેલા મહાવીર હોસ્પિટલના 3 કર્મચારીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. જોકે, તંત્ર દ્વારા 31મી સુધી લોક ડાઉન કરી દેવામાં આવ્યું હોવાથી ગત રોજ સુધી ઘરની બહાર નીકળતા લોકોને સમજાવવામાં આવતા હતા. જ્યારે આજે કડક અમલ શરૂ કરી દંડ અને  વાહન ડિટેઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

6ના સેમ્પલ લેવામાં આવ્યા છે

શહેરમાં સોમવારના રોજ મહાવીર હોસ્પિટલના 3 કર્મચારીઓ સહિત વધુ 9 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતા. જેમાં મહાવીર હોસ્પિટલમાં મૃતક દર્દીના સંપર્કમાં આવેલા નાનપુરાના 26 વર્ષીય હોસ્પિટલ કર્મચારી, સગરામપુરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય હોસ્પિટલ કર્મચારી, ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા 36 વર્ષીય હોસ્પિટલ કર્મચારી તેમજ પાર્લેપોઈન્ટ વિસ્તારમાં રહેતા અને હરિદ્વારથી પરત આવેલા 59 વર્ષીય આધેડ, લંબેહનુમાન રોડનાં 22 વર્ષીય યુવક, બમરોલીમાં રહેતી અમદાવાદથી પરત આવેલી 38 વર્ષીય અને 27 વર્ષીય મહિલા, પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા અને કલકત્તાથી પરત આવેલા 62 વર્ષીય વૃદ્ધ તેમજ ભટાર વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાને શંકાસ્પદ લક્ષણો જણાતા આ તમામને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા અને તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

39 શંકાસ્પદ નોંધાયા હતા

મહાવીર હોસ્પિટલના 3 કર્મચારીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે બાકીના 6 વ્યક્તિનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. આ સાથે અત્યાર સુધીમાં શહેરમાં કોરોનામાં કુલ 39 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી 5 દર્દી પોઝિટિવ નોંધાયા હતા. જેમાંથી 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. 28નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે 6 વ્યક્તિના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here