ભારત બાયોટેકે દિલ્હીને કોવેક્સિન આપવાની ના પાડતા કેન્દ્ર બંધ કરવા પડ્યા

0
2

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બુધવારની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફરી એક વખત કેન્દ્ર પર વેક્સિન સપ્લાયમાં અડચણરૂપ બનવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ફરી એક વખત ભાર આપીને કહ્યું હતું કે, કયા રાજ્યને કેટલી વેક્સિન આપવામાં આવશે તે હજુ પણ કેન્દ્ર સરકાર જ નક્કી કરી રહી છે. કોવેક્સિનનો પુરવઠો ન મળવાના કારણે દિલ્હીમાં અનેક કેન્દ્ર બંધ કરવા પડ્યા છે.

મનીષ સિસોદિયાના કહેવા પ્રમાણે દિલ્હી પાસેનો કોવેક્સિનનો સ્ટોક સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. આ કારણે તેમણે 17 શાળામાં રહેલા કોવેક્સિનના 100થી વધારે સેન્ટર બંધ કરવા પડ્યા છે. કોવેક્સિનની કંપનીએ તેમને ચિઠ્ઠી લખીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેમને કેન્દ્ર સરકારના નિર્દેશ પર વેક્સિન આપવાની છે માટે તેઓ વધુ વેક્સિન નહીં આપી શકે. દિલ્હીએ 67 લાખ વેક્સિનનો ઓર્ડર કર્યો હતો પરંતુ હાલ દિલ્હીને કોવેક્સિનનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે.

મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, દિલ્હીના તમામ લોકોને વેક્સિન લગાવવા માટે તેમણે 1.34 કરોડ વેક્સિન ડોઝ મંગાવ્યા હતા. તેમાં 67 લાખ કોવિશીલ્ડ અને 67 લાખ કોવેક્સિન મંગાવવામાં આવી હતી પરંતુ કોવેક્સિને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે. તેમણે ગુસ્સામાં એવું પણ કહ્યું હતું કે જો સરકાર 6.5 કરોડ વેક્સિન એક્સપોર્ટ ન કરેત તો દિલ્હી અને મુંબઈના પ્રત્યેક નાગરિકને વેક્સિનના બંને ડોઝ આપી શકાત.

સિસોદિયાએ ભાર આપીને કહ્યું હતું કે, તેઓ ફરી કેન્દ્રને આગ્રહ કરે છે કે, તે એક રાષ્ટ્રની સરકારની ભૂમિકા ભજવે. રાજ્ય આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જઈને ટેન્ડર કાઢે તે યોગ્ય નથી. પરંતુ જો તમે નહીં કરો તો આ કામ રાજ્યએ કરવું પડશે. કેન્દ્રની ભૂમિકા મહત્વની છે. તે એક્સપોર્ટ બંધ કરે અને વેક્સિન કંપનીઓ પાસેથી ફોર્મ્યુલા લઈને અન્ય કંપનીઓેને પણ વેક્સિન બનાવવાની છૂટ આપે જેથી વેક્સિનનું નિર્માણ મોટા પાયે કરી શકાય.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here