Friday, March 29, 2024
Homeભરૂચ : નર્સ ચાર્મી - સળગતી પીપીઈ કિટ ફેંકીને મેં કૉલ કરી...
Array

ભરૂચ : નર્સ ચાર્મી – સળગતી પીપીઈ કિટ ફેંકીને મેં કૉલ કરી તત્કાળ મદદ માગી

- Advertisement -

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં શુક્રવારે મધરાતે 12.30 વાગ્યે આગ ફાટી નીકળતા 16 કોરોના દર્દી અને 2 નર્સ સહિત 18 લોકોના મોત નિપજ્યાં હતા. આ ઘટનામાં બચી ગયેલી નર્સ ચાર્મી ગોહિલ જણાવે છે કે, શુક્રવારે રાત્રે મારી સાથે 3 સ્ટુડન્ટસની ડયૂટી હતી. રાત્રે 12.30 વાગ્યાના અરસામાં વેન્ટિલેટરમાં સ્પાર્ક થયા બાદ સ્ટાફમાં દોડધામ મચી હતી. જેમાં ઓચિંતી આગ શરૂ થઇ જતાં સાથી નર્સ ફરીગા ખાતુનની પીપીઇ કિટ સળગવા માંડી હતી. હું બાજુમાં જ ઊભી હોવાથી હાથથી તેની કિટની આગ ઓલવવાનો પ્રયાસ કરતા મારી કિટ પણ સળગવા માંડી હતી. સળગતી પીપીઈ કિટ ફેંકીને મેં કૉલ કરી તત્કાળ મદદ માગી હતી.

તેણે વધુમાં જણાવ્યું કે, અમારા બંનેની કિટમાં આગ લાગેલી જોઇને અમારી ત્રીજી સાથી નર્સ માધવી દોડી આવી હતી. માધવી અને ફરીગા બંને વોશરૂમ તરફ દોડી હતી. જ્યાં આગ પ્રસરી ગઇ હતી. આગ લાગવા સાથે અંધારપટ છવાઇ જતાં શું કરવું તેની સમજણ પડતી ન હતી. મેં બચવા માટે બહાર નીકળવા દોટ મૂકી હતી. બહાર નીકળીને મેં સળગી રહેલી પીપીઇ કિટ કાઢીને ફેંકી દીધી. મેં વિલંબ કર્યા વિના મારા સરને કૉલ કરીને મદદ માગી હતી. એ રાત હું ભૂલી નહીં શકું, ભીષણ આગ, સાથી નર્સની બચવા માટેની દોડધામ, ધુમાડો, અંધારપટ વચ્ચેનું બિહામણુ દ્દશ્ય આંખ બંધ કરતા નજર સામે આવે છે. સંતોષ એ વાતનો છે કે અમે 3 સહેલીએ એકબીજાને બચાવવા છેક સુધી પ્રયાસ કર્યા અને અફસોસ એ છે કે મારી 2 સહેલીએ મને કાયમ માટે અલવિદા કરી દીધી.

સેનેટાઇઝર ઢોળાયું અને આગ ફેલાઈ
નાસભાગ વચ્ચે સેનિટાઇઝર ઢોળાઈ જતા આગ પ્રસરી હતી. આગની ઝપેટમાં ડ્યુટી પરની નર્સના પીપીઇ કિટ પણ આવી ગઈ હતી. જેના કારણે 2 નર્સના પણ કરુણ મોત થયાં હતાં. જોતજોતામાં ઘટનાસ્થળે 4 હજાર લોકો ઉમટી આવ્યા હતા. તથા બચાવ અભિયાન શરૂ કર્યું હતું. લોકોએ મળીને તત્કાળ 35 દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ દરમિયાન 11 દર્દી દઝાયા હતા. મૃતકોની હાલત એવી હતી કે તેમની ઓળખ કરતા 6 કલાકનો સમય લાગ્યો હતો.

35 દર્દીને બચાવી લેવાયા, 11 દર્દી દાઝી ગયા, સ્વજનોના આક્રંદ વચ્ચે બચાવ થયો
મધરાતે લાગેલી આગને પગલે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોએ ઓડિયો મેસેજ વાઇરલ કરતા જોતજોતામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા. 35 દર્દીઓને લોકોએ બચાવી લીધા હતા જે દરમિયાન 11 દર્દીને દાઝી જતા ઈજાઓ થઈ હતી. જો કે મૃતકોના સ્વજનો ધસી આવતા તેમણે આક્રંદ કરી મૂક્યું હતું. જે દરમિયાન બચાવ અભિયાન પણ જારી રહ્યું હતું.

પોલીસે કાચ તોડ્યા તો દર્દીએ બૂમ પાડી, ‘અમે કોરોનાવાળા છીએ’
આગ લાગી ત્યારે ભરૂચ પોલીસની એક ટીમ તુરંત ત્યાં પહોંચી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ.પરમારે જણાવ્યું હતું કે, અમે ચારથી પાંચ પોલીસે જીપમાંથી લાકડીઓ લાવી કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતા. અમે લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું તો દર્દીઓએ બૂમ પાડી કે અમે બધા કોરોનાવાળા છીએ. છતાં અમે બચાવ અભિયાન જારી રાખ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular