Thursday, October 28, 2021
Homeભરૂચ : POPની ગણેશજીની પ્રતિમા પર તંત્રના પ્રતિબંધથી ગણેશ યુવક મંડળો અસમંજસમાં
Array

ભરૂચ : POPની ગણેશજીની પ્રતિમા પર તંત્રના પ્રતિબંધથી ગણેશ યુવક મંડળો અસમંજસમાં

ભરૂચ: ભરૂચ શહેરમાં ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે તેવામાં વહીવટીતંત્રએ પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી પ્રતિમાઓ પર પ્રતિબંધ ફરમાવી દેતાં આયોજકો અસમંજસમાં મુકાઇ ગયાં છે. 9 ફૂટથી વધારે ઉંચાઇની ગણેશ પ્રતિમાની સ્થાપના કરતાં યુવક મંડળોએ તો 6 મહિના પહેલા જ પીઓપીની પ્રતિમાઓ બનાવવા માટે મૂર્તિકારોને ઓર્ડર પણ આપી દીધાં છે.દર વર્ષે જાહેરનામુ બહાર પાડવામાં આવે છે પણ તેની અમલવારી થતી નહિ હોવાથી મોટાભાગના ગણેશ યુવક મંડળો પીઓપીની બનેલી શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરતાં હોય છે.

બીજી તરફ નર્મદા નદીમાં પાણી ઓછા હોવાથી છેલ્લા ચાર વર્ષથી ગણેશ પ્રતિમાઓનું નર્મદા નદીના બદલે કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવાની ફરજ પડી રહી છે. તારીખ 2 સપ્ટેમ્બરના રોજથી ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થશે અને વિવિધ યુવક મંડળો દ્વારા ગણેશજીની કલાત્મક પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. ગણેશ મહોત્સવના બે મહિના પહેલા વહીવટીતંત્રએ પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી પ્રતિમાઓ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડયું છે. તંત્રનું જાહેરનામુ હોવા છતાં ગણેશ યુવક મંડળોએ 6 મહિના પહેલા જ પીઓપીની પ્રતિમાઓ બનાવવા માટે મુર્તિકારોને ઓર્ડર આપી દીધાં છે.

પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવાતી પ્રતિમાઓમાં કેમિકલયુકત રંગનો ઉપયોગ થતો હોવાથી આ પ્રતિમાને જળમાં વિસર્જીત કરવાથી પર્યાવરણની સમસ્યા ઉદ્દભવતી હોવાથી દર વર્ષે જાહેરનામુ બહાર પાડવામાં આવે છે પણ તેનો અમલ થતો નથી પરિણામે ગણેશ યુવક મંડળો પીઓપીની પ્રતિમાઓની સ્થાપના કરે છે. ગણેશ વિસર્જનના દિવસે પીઓપીની પ્રતિમાના વિસર્જનમાં સમસ્યાઓ નડતી હોય છે. નર્મદા નદીના જળસ્તર ઘટી ગયા હોવાથી છેલ્લા ચાર વર્ષથી પ્રતિમાઓને કુત્રિમ કુંડમાં વિસર્જન કરવાની ફરજ પડી રહી છે. હાલ તો ગણેશ મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચુકી છે તેવામાં તંત્રના જાહેરનામાના પગલે આયોજક અસમંજસમાં મુકાયાં છે.

પીઓપી કે માટીની મૂર્તિ ખરીદવી તેની ચર્ચા કરીશું
ગણેશ મહોત્સવ આડે દોઢ મહિનાનો સમય બાકી છે. પીઓપીની પ્રતિમા પર પ્રતિબંધ હોવાની અમને જાણ થઇ છે. જાહેરનામાનો અમલ કરવા માટે માટીની મૂર્તિ ખરીદવા વિચારણા કરાશે. પ્રતિમા અંગેનો અંતિમ નિર્ણય અન્ય આયોજકો અને સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે. – નિમેષ રાણા, આયોજક , અયોધ્યાનગર ગણેશ યુવક મંડળ, ભરૂચ

6 મહિના પહેલા જાહેરનામું બહાર પાડવું જોઈએ
પ્રસાશન દ્વારા ગણેશ મહોત્સવના બે મહિના બાકી હોય છે ત્યારે જાહેરનામું બહાર પાડવામાં આવે છે.જો છ મહિના પહેલા આવા જાહેરનામાં બહાર પાડવામાં આવે તો વેપારીઓને માલ લાવવાની અને ગણેશ મંડળોના ઓર્ડર લેવાની સમજ પડે.માટીની એક મૂર્તિ નિર્માણમાં એક સપ્તાહનો સમય જાય છે જ્યારે પી.ઓ.પી. મૂર્તિ સપ્તાહમાં ચારથી વધુ બનાવી શકાય છે. – રાજેશ વખારકર, મૂર્તિકાર, ભરૂચ

જાહેરનામાના અમલ અંગે સંબંધિત વિભાગોને રજૂઆત કરાશે
નર્મદા નદીમાં પાણી ઓછુ હોવાથી ગણેશ પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવાની ફરજ પડે છે. દર વર્ષે તંત્ર જાહેરનામુ બહાર પાડે છે પણ તેનો અમલ થતો નથી. પર્યાવરણની જાળવણી માટે દરેક ગણેશ યુવક મંડળોએ આગળ આવી માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓની સ્થાપના કરવી જોઇએ. એક વખત જાહેરનામાનો કડક અમલ થશે તો પર્યાવરણને બચાવવામાં મદદ મળી રહેશે. આ વર્ષે જાહેરનામાનો અમલ થાય તે માટે સંબંધિત વિભાગોને રજૂઆત કરાશે. અમે ધાર્મિકતાની વિરોધમાં નથી પણ પર્યાવરણની જાળવણી દરેક નાગરિકની ફરજ છે. – પ્રકાશ મોદી, પ્રમુખ, ભરૂચ શહેર ગણેશ ઉત્સવ સમિતિ
પાલિકાની હદમાં પીઓપીની પ્રતિમા વેચવા નહીં દઇએ

નગરપાલિકાની હદ વિસ્તારમાં પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી શ્રીજી પ્રતિમાઓનું વેચાણ કરવા દેવામાં આવશે નહિ. નગરપાલિકાની ટીમો ચેકીંગ કરશે અને કોઇ પણ સ્થળે પીઓપીની પ્રતિમાનું વેચાણ થતું જણાશે તો મૂર્તિઓ જપ્ત કરવામાં આવશે. દરેક ગણેશ યુવક મંડળોને પણ પીઓપીની પ્રતિમાની સ્થાપના નહિ કરવા માટે સમજ આપવામાં આવશે.- સંજય સોની, મુખ્ય અધિકારી, નગરપાલિકા, ભરૂચ

જાહેરનામામાં કયાં નિયમોનું પાલન કરવા જણાવાયું છે
* પ્રતિમાઓની બનાવટમાં કુદરતી તથા પ્રણાલીગત ચીકણી માટીનો ઉપયોગ કરવો
* ભઠ્ઠીમાં શેકેલી માટી તથા પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરવો નહી
* પ્રતિમાઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા બિનઝેરી કલર વાપરવા
* ઝેરી કે હલકી કક્ષાના રસાયણોથી મૂર્તિઓને કલર કરવો નહી
* ઘાસ, લાકડા, બાંબુ જેવી કુદરતી વસ્તુઓનો વપરાશ કરવો
* મુર્તીઓની ઉંચાઇ બેઠક સહિત 9 ફૂટથી વધારે હોવી જોઇએ નહિ
* મૂર્તિકારોએ મૂર્તિના વેચાણના સ્થળે ગંદકી ફેલાવવી નહી
* તહેવાર બાદ વધેલી ખંડિત મૂર્તીઓને બિનવારસી હાલતમાં છોડવી નહી
* અન્ય ધર્મની લાગણી દુભાઇ તેવા નિશાનો કે ચિહનો રાખવા નહિ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments