ભરૂચ : 8 પોલીસ સ્ટેશનમાં નબળી કામગીરી લઈને 43 પોલીસ કર્મીઓની બદલી

0
0

ભરૂચ જિલ્લાના 8 પોલીસ સ્ટેશનમાં નબળી કામગીરી અને વહીવટી કારણોસર જિલ્લા પોલીસ વડાએ 43 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેતા સોપો પડી ગયો છે.

જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા વચ્ચે LCB અને SOG પણ એક્શનમાં આવી એક બાદ એક ગુનાઓ અને કૌભાંડો ઉજાગર કરી રહી હતી. સ્ટેટ વિજિલન્સ દ્વારા કેમિકલ કૌભાંડ સહિત પ્રોહીબિશનના પાડેલા દરોડાઓમાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. સાથે જ હત્યા, લૂંટ, ચોરી સહિતના વધેલી ઘટનાઓને લઈ સ્થાનિક પોલીસની કામગીરી બેવડાઈ જવા સાથે અનેક સવાલો ઉભા થયા હતા.

સ્ટેટ વિજિલન્સના દરોડા બાદ SOG અને LCB સહિત સ્થાનિક પોલીસે પણ કેમિકલ, બાયોડિઝલ, હત્યા, લૂંટ સહિતના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. કાયદા-વ્યવસ્થાની સ્થિતિ ધ્યાને રાખી તેમજ નબળી કામગીરીને લઈ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ 8 પોલીસ સ્ટેશનના 43 પોલીસ જવાનોની તાત્કાલિક અસરથી પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરી દીધી છે.

સાગમટે હેડ ક્વાર્ટર ખાતે મૂકી દેવાયેલા પોલીસ કર્મચારીઓમાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના 13, અંકલેશ્વર રૂરલ અને બી ડિવિઝનના 9-9, નબીપુરના 4, કાવીના 3, ઉમલ્લા-રાજપારડીના 2-2 અને વેડચ પોલીસ સ્ટેશનના 1 કર્મીનો સમાવેશ થાય છે. બદલી કરાયેલા પોલીસ કર્મીઓમાં મોટા ભાગના જે તે પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના જવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here