ભાવનગર:મહુવાની સેન્ટ થોમ્સ સ્કુલમાં અભ્યાસ કરતો વિધાર્થી ભણવામાં નબળો હોય કલાસ શિક્ષકે તેને ધોરણ-9 માં નાપાસ કરતા જે અંગેની દાઝ રાખી પિતા-પુત્રએ શિક્ષક પર હુમલો કરી મારમારી કરી હતી. આ સાથે જ ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સમગ્ર મામલે શિક્ષકે ફરજમાં રૂકાવટ સહીતની ફરીયાદ નોંધાવી છે.
પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મહુવા હાઇ-વે પર હનુમંત હોસ્પિટલ નજીક આવેલા સેન્ટ થોમ્સ સ્કુલમાં છેલ્લા 25થી વધુ વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ધોરણ-9ના કલાસ શિક્ષક તથા આ કામના ફરીયાદી પ્રહલાદભાઇ લાભ શંકરભાઇ દવે સવારે સ્કુલમાં ફરજ પર હતા.તે વખતે તેમના જ ક્લાસમાં અભ્યાસ કરતો વિધાર્થી રવિરાજસીંહ દેવેન્દ્રસિંહ ગોહિલ અભ્યાસમાં નબળો હોય અને પોતે તેના કલાસ શિક્ષક હોય, જેથી તેને ધોરણ-9 માં નાપાસ કરેલ. જે અંગેની દાઝ રાખી તેમના પિતા દેવેન્દ્રસીંહ ગોહિલ તથા રવિરાજસીંહ ગોહિલે પ્રહલાદભાઇ સાથે નાપાસ કરવા બાબતે ઝઘડો કરી ગાળો આપી મારામારી કરી હતી. આ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ફરજમાં રૂકાવટ કરતા આ અંગે શિક્ષક પ્રહલાદભઇ દવે એ ઉપરોકત પિતા-પુત્ર વિરૂધ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.