Saturday, September 18, 2021
Homeગુજરાતભાવનગર : અકસ્માત : સત્સંગ મંડળની 4 બહેનોના મોત, 5 ઈજાગ્રસ્ત

ભાવનગર : અકસ્માત : સત્સંગ મંડળની 4 બહેનોના મોત, 5 ઈજાગ્રસ્ત

‘ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે ?…’ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત મહંત સ્વામી મહારાજજીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદથી સાળંગપુર આવી રહેલા સત્સંગ મંડળના બહેનોને ધંધુકા-બગોદરા હાઈવે પર હરીપુરના પાટિયા નજીક ગોઝારો અકસ્માત નડતા ચાર બહેનોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. જ્યારે ચાર મહિલા અને ઈકોના ચાલકને નાની-મોટી ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી ઈકો કાર નં.જીજે.૦૧.કેયુ.૯૭૩૮માં મધરાત્રિના બે કલાકે સત્સંગ મંડળના આઠ બહેનો મહંત સ્વામી મહારાજના જન્મદિવસના અવસર નિમિત્તે સાળંગપુર ખાતે આવવા નીકળ્યા હતા. ત્યારે ભાંગતી રાત્રે ૪-૩0 કલાકના અરસામાં ઈકો ગાડી ધંધુકા-બોગદરા હાઈવે પર હરીપુરના પાટિયા પાસે પહોંચતા ઈકોના ચાલક ચંદ્રકાંત બાબુભાઈ રાઠોડએ પૂરપાટ અને ગફતભરી રીતે ગાડી ચલાવી રોડની સાઈડમાં બંધ હાલતમાં પડેલા ટ્રક નં.જીજે.૧૭.વાય.૯૭૦૪ની પાછળ ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જે બનાવમાં ઈકો કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં ચાર હરિભક્ત મહિલાઓ શિલ્પાબેન દિનેશભાઈ રાઠોડ, પાયલબેન જીજ્ઞોશભાઈ પટેલ, ચેતનાબેન રાજેશકુમાર મોદી (રહે, ત્રણેય ઘાટલોડિયા, અમદાવાદ) અને ભાવનાબેન બીપીનભાઈ ગજ્જર (રહે, ગાંધીનગર)ને ગંભીર ઈજા થતાં ચારેય બહેનોનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. જ્યારે ઈકોના ચાલક ચંદ્રકાંત રાઠોડ અને અન્ય ચાર બહેનો અવનીબેન, ભાવનાબેન રાઠોડ, સુહાશબેન બારોટ અને કોકીલાબેન પટેલને નાની-મોટી ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પરોઢિયાના સમયે બનેલી ગોઝારી દુર્ઘટનાને ચીચિયારીથી રસ્તો ગૂંજી ઉઠયો હતો. ચાર બહેનોના મોતને લઈ પરિવારો અને સત્સંગ મંડળમાં ભારે અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનાને લઈ રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

બનાવને લઈ દિનેશભાઈ જયંતીભાઈ પટેલ (રહે, સી-૧0૧, શિલ્પગ્રામ એપાર્ટમેન્ટ, જ્ઞાાનંદા ગર્લ્સ સ્કૂલની બાજુમાં, કે.કે.નગર, ઘાટલોડિયા, અમદાવાદ)એ ઈકોના ચાલક ચંદ્રકાંત બાબુભાઈ રાઠોડ (રહે, ઘાટલોડિયા, સંસ્કૃત ફ્લેટ, અમદાવાદ) વિરૂધ્ધ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી ૨૭૯, ૩0૪ (અ), ૩૩૭, ૩૩૮ અને એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મૃતદેહોને બહાર કાઢવા પતરા કાપવા પડયાં

અમદાવાદથી સાળંગપુર આવી રહેલા સત્સંગ મંડળના બહેનોની ઈકો ગાડી વરસાદી વાતાવરણ અને ચાલકને બેદરકારીને કારણે ધડાકાભેર ટ્રકની ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, ઈકોની અંદર ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે પતરા કાપવા પડયાં હતા. આ દ્રશ્યો જોઈ પ્રત્યક્ષદર્શીઓના કાળજા કાંપી ઉઠયાં હતા.

એક સપ્તાહ પૂર્વે અકસ્માતમાં 35 જણ ઈજાગ્રસ્ત થયા હતા

ધંધુકા-બગોદરા હાઈવે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ આજે વહેલી સવારના સુમારે સર્જાયેલી ઘટનામાં ચાર બહેનો કાળનો કોળિયો બન્યા હતા. આ અગાઉ એક સપ્તાહ પૂર્વે પણ ધંધુકા-બગોદરા હાઈવે પરના ખડોળના પાટિયા પાસે ખાનગી બસ પલટી મારી ગઈ હતી. જે બનાવમાં ૩૫ જણ ઈજાગ્રસ્ત થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments