અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો એક પરિવાર કે જે તેમના દીકરાની વહુને આણું તેડવા ભાવનગર આવી રહ્યો હતો ત્યારે ભાવનગરની ભાગોળે આખલોલ વિસ્તારમાં તેમના પર આફત આવી પડી હતી. આખલોલ નજીક ડાયવર્ઝનમાં વરસાદી પૂરમાં કાર પસાર કરતા કાર પુલથી નીચે ખાબકી હતી અને જેમાં કારમાં સવાર એક જ પરિવારનાં ૭ લોકો તણાઈ ગયા હતા. જે પૈકી ૩ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે ૪ લોકો લાપતા થયા હતા જે પૈકી પુત્ર-પુત્રવધુની લાશ મળી આવી છે જયારે બાકીને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને બાંધકામ સાથે સંકળાયેલા દિનેશભાઈ ભગવાનભાઈ ઉમડીયા આજે તેના પુરા પરિવાર સાથે તેમના બીજા પુત્રની વહુ કે જે ભાવનગર આણું આવ્યા હતા તેને તેડવા ભાવનગર આવવા નીકળ્યા હતા. ભાવનગરની ભાગોળે પહોચતા આ પરિવાર પર વરસાદી આફત ઉતરી આવી હતી. ભાવનગર અને આજુ-બાજુ વિસ્તારમાં પડી રહેલા વરસાદનાં કારણે આખલોલ વિસ્તારમાં રહેલી નદીમાં પુર આવ્યું હતુ, ત્યાં નવા બની રહેલા પુલનાં કારણે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતુ અને જેમાં ડાયવર્ઝનનાં રોડ પર પાણી હોવાના કારણે એક કાર ચાલકે તેમની કાર આ પાણીનાં પ્રવાહમાંથી બહાર કાઢતા અને ઇક્કો કારને પાણીનાં પ્રવાહમાં પસાર થતા સમયે ડાયવર્ઝનનો રોડ સાઈડમાંથી ધોવાય જતા કાર રસ્તા ઉપરથી નીચે પાણીનાં પ્રવાહમાં ખાબકી હતી અને કારમાં રહેલા તમામ લોકો પૂરમાં તણાવા લાગ્યા હતા.
જે પૈકી દિનેશભાઈ, તેમનો પુત્ર ચેતન અને પુત્રી નેહા આ પાણીનાં પુરમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા જયારે અન્ય ચાર લોકો જેમાં દિનેશભાઈના પત્ની લતાબેન, પુત્ર કેયુર, કેયુરની પત્ની રીટા અને અઢી વર્ષની પુત્રી આધ્યા પાણીનાં વહેણમાં તણાઈ જતા તેમની શોધખોળ હાથ ધરી છે. જયારે બચી ગયેલા ત્રણ પૈકી બે ને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવનાં પગલે તંત્ર અને પોલીસ કાફલો તેમજ ફાયર વિભાગ સહિતનો કાફલો અને તરવૈયાઓ ત્યાં પહોચ્યા હતા અને ચારેયની શોધખોળ હાથ ધરી હતી જેમાં પુત્ર કેયુર અને પુત્રવધુ રીટાબેનની લાશ મળી આવી હતી. જયારે દિનેશભાઈનાં પત્ની લતાબેન અને પૌત્રી આધ્યા હજુ લાપતા હોય જેને શોધવાની કામગીરી હાલ ચાલી રહી છે.
કાર પાણીમાં ખાબકતા સમયે અનેક લોકો ત્યાં હાજર હતા અને આ ઘટના તેમણે નજરે નિહાળી હતી. પરંતુ ડૂબતા તમામ લોકોને આ ધસમસતા પ્રવાહમાં બચાવવામાં તે લોકો પણ સફળ ન થયા. જયારે તંત્ર કે બચાવ દળ પાસે પણ લાઈટ સહિતનાં અપૂરતા સાધનો હોય તે પણ લાચાર બની ગયા હતા. જો કે એન.ડી.આર.એફની ટૂકડી ત્યાં પહોચી હતી અને લાપતાની શોધખોળમાં જોડાઇ ગઇ હતી.