ભાવનગર : આજથી બજારો ઘમધમી ઉઠ્યા, વેપારીઓને આંશિક રાહત મળી

0
4

સમગ્ર રાજયની સાથે ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જેને લઈને સરકાર દ્વારા આંશિક છૂટ છાટ આપીને વેપારીઓને સવારે 9 થી 3 વાગ્યા સુધી 28 મે સુધી વેપાર કરવાની છુટ આપી છે. જેમાં વેપારીઓ દ્વારા સરકારના નિર્ણયને આવકાર્યો છે. બજારોમાં ફરી ઘમઘમતી થઈ છે. જેને લઈ વેપારીઓને આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે.

આંશિક છુટછાટને લીધે વેપાર ધંધામાં રાહત થશે

વેપારીઓએ પોતાની દુકાનોના શટરો ઘણા લાંબા સમય બાદ ખુલતા વેપારીઓ ખુશ થયા હતા. પોતાની દુકાનો છેલ્લા ઘણા લાંબા સમય બાદ ખોલવામાં આવતા વેપારીઓ પોતાનો દુકાનોની સફાઈ કરતા જોવા મળી રહ્યાં છે. અને આવનારા દિવસોમાં વેપારીઓને વિશ્વાસ છે કે આ આંશિક છુટછાટને લીધે વેપાર ધંધામાં રાહત થશે.

હોમ ડિલિવરી સવારે 9 થી રાત્રે 8 સુધી ચાલુ રહેશે

ભાવનગર સહિત 36 શહેરોમાં રાત્રિ કરફયુ તા. 21 મેથી તા. 28 મે સુધી દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે. જેમાં મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે. રાજ્યમાં ચશ્માની દુકાનોને મેડીકલ સર્વિસ – આરોગ્યલક્ષી સેવા સંલગ્ન ગણીને તે પણ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે, કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ, રેસ્ટોરન્ટની આપતી સેવાઓ અને હોમ ડિલિવરી સવારે 9 થી રાત્રે 8 સુધી ચાલુ રહેશે.

વ્યાપારીક ગતિવિધિઓ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ચાલુ

ભાવનગરમાં દુકાનો-વાણિજયીક સંસ્થાઓ-રેસ્ટોરન્ટ-લારી ગલ્લાઓ-શોપીંગ કોમ્પ્લેક્ષ-માર્કેટીંગ યાર્ડ-હેર કટીંગ સલુન-બ્યુટીપાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિઓ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે. તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે.

સરકારના આ નિર્ણયથી વેપારીઓ ખુશ છે

આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સ્પા, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ બંધ રહેશે. ભાવનગર એમ.જી રોડના હર્ષિલભાઈ વેપારીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સવારે 9થી 3 વેપાર કરવાના સરકારનો આ નિર્ણય આવકાર્ય છે, 28 દિવસથી બંધ હતું જેના કારણે લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. સરકારના આ નિર્ણયથી વેપારીઓ ખુશ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here