વડોદરા : GSFCના નિવૃત્ત કર્મચારી પાસેથી ભેજાબાજોએ પોલિસીના રૂ. 27.87 લાખ અપાવવાની લાલચમાં 14.91 લાખ પડાવ્યા

0
9

વડોદરા શહેરના સમા-સાવલી રોડ ઉપર રહેતા અને GSFCમાંથી નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝને બંધ થઇ ગયેલી પોલિસીના રૂપિયા 27.87 લાખ લેવાની લાલચમાં રૂપિયા 14.91 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભેજાબાજ ટોળકીએ સિનિયર સિટીઝન પાસે GST અને CGSTના નામે રૂપિયા 14.91 લાખ પડાવ્યા હતા. વડોદરા તાલુકા પોલીસે ભેજાબાજ ટોળકી સામે ગુનોને નોંધી તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર રહેતા સિનિયર સિટીઝન જગદીશચંદ્ર મોબાઇલ ઉપર 19 જૂન-2020ના રોજ ફોન આવ્યો હતો. ફોનમાં જણાવ્યું હતું કે, તમારે બિરલા સનલાઇફ પોલિસીમાં રૂપિયા લેવાના નીકળે છે અને તમારે આશરે 91,000 રૂપિયા જેટલી રકમ મળવા પાત્ર છે. હું તમને NOC ફોર્મ મોકલી આપું છું. જેમાં વિગતો ભરીને મારા વોટ્સએપ ઉપર મોકલી આપજો. જગદીશચંદ્ર ત્રિવેદીએ ભેજાબાજે મોકલેલું ફોર્મ ભરીને મોકલી આપ્યું હતું.

દરમિયાન ભેજાબાજ ટોળકીના સાગરીતો રાજીવ શર્મા, આર.કે. ખંડેલવાલ, વસીમ અને અરોરાએ અલગ-અલગ નંબરથી જગદીશચંદ્રને ફોન કર્યો હતો. અને જણાવ્યું હતું કે, તમારી પોલિસી બંધ થઇ ગઇ છે, પરંતુ, તમારે GST અને CGSTના ચાર્જ ભરવા પડશે અને જો તમે ચાર્જ ભરશો તો તમારા ફંડમાં વધારો થઇને રપિયા 27,87,000 મળવા પાત્ર છે. ભેજાબાજોની માયાજાળમાં ફસાયેલા જગદીશચંદ્રએ 19 જૂન-2020થી 24 ઓગસ્ટ-2020 દરમિયાન જુદા-જુદા એકાઉન્ટ નંબરોમાં અલગ-અલગ તારીખોએ થોડા-થોડા રૂપિયા મળી કુલ 14,91,300 રૂપિયા જમા કરાવ્યા હતા.

ઠગ ટોળકીએ જણાવેલી રૂપિયા 27.87 લાખ જેટલી રકમ લેવાની લાલચમાં આવી ગયેલા જગદીશચંદ્રએ રૂપિયા 14.91 લાખ જેટલી રકમ ભર્યા પછી પણ ઠેગ ટોળકી વધુ નાણાં પડાવવા માટે ફોન કરતા હતા. અવાર-નવાર ફોન કરીને નાણાંની માંગણી કરી રહેલી ટોળકી અંગે જગદીશચંદ્રને શંકા જતા આખરે તેઓએ વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે ફરિયાદના આધારે ભેજાબાજ રાજીવ શર્મા, આર.કે. ખંડેલવાલ, વસીમ તથા અરોરા નામના વ્યક્તિઓ સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવની વધુ તપાસ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ડી.બી. વાળા કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here