ભુજ : કચ્છના 25 હજાર ખેડૂતોનો વીમો ચુકવવામાં કંપનીની આડોડાઇ

0
28

ભુજઃ એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા પ્રા. લી. દ્વારા ખેડૂતો બેંક લોન મેળવે ત્યારે ખેડૂત પાસેથી ફરજિયાત ધિરાણના 5 ટકા પાક વીમા પેટે કાપી લેવામાં આવે છે, પરંતુ કચ્છ જિલ્લાના ખેડૂતોને અછતની સ્થિતિમાં વીમાની રકમ ચૂકવવાનો વખત આવ્યો ત્યારે વીમા કંપનીએ કોપ કટિંગ યોગ્ય રીતે ન થયાનું કહીને અપીલ કરી છે, જેથી કચ્છમાં 25000 ખેડૂતોના મંજુર થયેલા પાકવીમા પેટે 71 કરોડ ચૂકવાયા નથી.

છેલ્લા ત્રણ વર્ષથી એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા પ્રા. લી. દ્વારા ખેડૂતો પાસેથી પાકવીમો લેવાય છે. ત્રણ વર્ષમાં પહેલી વખત ખેડૂતોનો પાક વીમો મંજુર થયો છે. રાજ્ય સરકારે મંજુર થયેલા વીમાની રકમના 25 ટકા દિવાળી સુધી ખેડૂતોના ખાતામાં જમા કરાવી દેવાની ખાતરી આપી હતી. પરંતુ વીમો ચૂકવવા કંપની આડોડાઈ કરે છે, જેથી જુલાઈ માસ સુધી રાજ્ય સરકારની ખાતરીનું પાલન થયું નથી એવું જિલ્લા પંચાયતના વિપક્ષીનેતા વી. કે. હુંબલ માધ્યમોને માહિતી આપતા જણાવ્યું હતું.

ક્રોપ કટિંગ યોગ્ય ન થયાના બહાના
પાકવીમાના ક્રોપ કટિંગ કાર્યવાહી સરકારી અને કંપનીના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે થતી હોય છે, જેમાં પાકનો ઉતારો ઓછો આવે તેના પ્રમાણમાં રકમ મંજુર કરવામાં આવતી હોય છે. ચાલુ સાલે કચ્છમાં દુષ્કાળ છે, જેથી ખેડૂતોને પાકવીમાની 100 ટકા રકમ મળવી જોઈએ. જેના બદલે 25થી 30 ટકા જેટલો જ પાકવીમો મંજુર થયો છે. આમ છતાં કંપનીએ ક્રોપ કટિંગ યોગ્ય રીતે ન થયાના બહાના આગળ ધરીને અપીલ કરી છે. જે ગંભીર બાબત છે.

ખેતીવાડી શાખાએ 14 પત્રો લખ્યા
મદદનીશ ખેતી નિયામકે વિપક્ષીનેતા પાસે કબૂલાત કરી હતી કે, કંપનીએ ખેડૂતોને વીમાની રકમ ચૂકવી નથી. ખેતીવાડી શાખાએ કંપનીને 14 પત્રો પણ લખ્યા છે.

દસમાંથી ત્રણ તાલુકાના ખેડૂતોને એકપણ રૂપિયો ન મળ્યો
કચ્છમાં દસેદસ તાલુકાના 25000 ખેડૂતોએ મગફળી, એરંડા, કપાસ, મગતલ જેવા પાકો ઉપર વીમો ભર્યો હતો, જેમાં 7 તાલુકાના ખેડૂતોને પ્રથમ હપ્તાના 25 ટકા લેખે મળ્યા છે, પરંતુ અંજાર, અબડાસા અને લખપત તાલુકાના 5000 ખેડૂતોના ખાતામાં એક પણ રૂપિયો જમા થયો નથી.

ખેડૂતોને સાથે રાખી આંદોલન કરાશે
ખેડૂતોના ખાતામાં પાકવીમાની રકમ સત્વરે જમા નહીં થાય તો કચ્છના ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની પણ ચિમકી અપાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here