ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર : ન નલિયામાં દુષ્કર્મ થયું, ન દીપેશ અને અભિષેકને આસારામે માર્યાં

0
50

ભૂજ: શુક્રવારે વિધાનસભામાં રજૂ કરાયેલા બે ચકચારી કેસના રિપોર્ટ પરથી એવું જણાય છે કે ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર. આસારામ આશ્રમમાં મૃત્યુ પામેલા દીપેશ-અભિષેક કાંડમાં રિપોર્ટમાં આસારામ અને તેના પુત્રને નિર્દોષ છોડાયા છે. આશ્રમ સંચાલકને જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે નલિયા દુષ્કર્મ કાંડના તપાસ સમિતિને પુરાવા જ મળ્યાં નથી.

દીપેશ અને અભિષેક હત્યા કેસ
11 વર્ષ પછી તપાસ રિપોર્ટ- ડૂબવાથી થયું દીપેશ-અભિષેકનું મોત, માતાએ કહ્યું- કુદરત ન્યાય કરશે

ગાંધીનગર: આસારામ આશ્રમનાં ચાલતા ગુરુકુળમાં ભણતાં બે બાળકો દીપેશ અને અભિષેક વાઘેલાના મૃત્યુ અંગે સરકારે નીમેલા તપાસ પંચનો અહેવાલ વિધાનસભાના મેજ પર મૂકીને જાહેર કરાયો છે. આ અહેવાલ પ્રમાણે આ બન્ને બાળકોના મૃત્યુ ડૂબી જવાને કારણે જ થયાં હોવાનું ફલિત થયું છે જ્યારે તેમના પર કોઇ તાંત્રિક વિધિ કરવામાં આવી હતી તે બાબતને પંચે નકારી કાઢી છે.તપાસપંચમાં વિવિધ પંચનો અને સાક્ષીઓ તથા સંબંધિત લોકોની પૂછપરછને આધારે તારણ કાઢવામાં આવ્યાં છે. 529 પાનના આ મુખ્ય અહેવાલ અને 750 પાનનાં બિડાણ આ અહેવાલમાં રજૂ થયાં છે.

સરકારના ઇશારે કામ
મારા માસૂમ ભૂલકાં દીપેશ અને અભિષેકના મૃત્યુના 11 વર્ષે પણ ન્યાય મળ્યો નથી. એક મા તરીકે એની વેદના 11 વર્ષથી હૃદયમાં સહન કરી રહી છું. જેણે પણ સત્ય છુપાવ્યું છે એ લોકોને બદદુઆ આપું છું કે, કુદરત કોઇને છોડશે નહીં. જેના બાળકો આ રીતે ફાની દુનિયાને અલવિદા કરી દે એને જ ખબર હોય કે મા-બાપની વેદના શું છે. રૂક્ષ્મણીબેને ભારે રોષ સાથે વધુમાં કહેલું કે, મારા નાના ભૂલકાંની યાદ ડગલે ને પગલે આવે છે. 11 વર્ષ થયા હજુ પણ તેમની યાદ વિસરાતી નથી. ન્યાય પર ભરોસો હતો પરંતુ જે રીતે તપાસ પંચે રિપોર્ટ આપ્યો અને તેમાં મારા ભૂલકાંના મોત ડૂબી જવાથી થયા છે તે સાંભળી સૂકાઇ ગયેલી આંખોમાંથી આંસુ નીકળતા રોકાતા નથી. અભિષેકના પિતા અને દીપેશના મોટા બાપુ શાંતિભાઇએ જણાવેલું કે, પોલીસ અને પંચ સહિતના સત્તાવાળાઓ સરકારના ઇશારે કામ કરે છે.

નલિયા દુષ્કર્મ કાંડ
નલિયામાં તપાસ સમિતિને દુષ્કર્મના પુરાવા જ ન મળ્યા

ગાંધીનગર: કચ્છના નલિયામાં 2017ના વર્ષમાં બહાર આવેલો કથિત બળાત્કારનો કિસ્સો બન્યો કે નહીં તેમ ચોક્કસ જણાવી શકાય નહીં તેવું તેની તપાસ માટે રચાયેલાં પંચે પોતાના અહેવાલમાં જણાવ્યું છે. 180 પાનાનો આ અહેવાલ ગુજરાત સરકારે શુક્રવારે વિધાનસભામાં મૂક્યો હતો. પંચે અહેવાલમાં ટાંક્યાં મુજબ પીડિતા પોતે જ પંચની સામે જુબાની આપવાનું ટાળી ગઇ હતી. ફરીયાદી મહિલાએ નલિયામાં તેના પર ભાજપના નેતાઓએ કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને અનેક મહિલાઓને ભાજપના વિવિધ નેતાઓ પાસે જાતીય શોષણ માટે મોકલવામાં આવતી હતી તેવાં આરોપ મૂક્યાં હતાં. આ મામલે ખાસ્સો હોબાળો થતાં ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ એએલ દવેના વડપણ હેઠળ તપાસપંચની રચના કરી હતી.

બળાત્કાર થયો કે નહીં?
પંચ કહે છે કે ચોક્કસપણે કહી શકાય નહીં કે મહિલા પર કોઇ બળાત્કાર થયો હતો કે નહીં. ફરિયાદી મહિલાએ પંચ સમક્ષ નહીં આવવાનું વલણ અપનાવ્યું અને જ્યારે ક્રિમિનલ ટ્રાયલની શરુઆત થઇ ત્યારે મહિલાએ તેની ફરિયાદમાં આપેલી જુબાનીથી તદ્દન ફરી ગઇ. તેણે તે અસ્વીકાર કર્યો કે તેના પર કોઇવાર દુષ્કર્મ કે સામૂહિક દુષ્કર્મ થયું હતું કે તેને આરોપીઓએ સેક્સરેકેટમાં ધકેલી દીધી હતી. જ્યારે ફરિયાદ પક્ષેથી ઉલટતપાસમાં તેની જુબાની લેવાની શરુ થઇ ત્યારે તે ફરી ગઇ. તેથી તેવું સાફ રીતે અને ચોક્કસપણે કહી શકાય નહીં કે ઓગસ્ટ 2015થી નવેમ્બર 2016 દરમિયાન કચ્ના નલિયામાં યુવતી પર થયેલો ગેંગરેપનો કિસ્સો ખરેખર બન્યો હતો કે નહીં. લોકોને પંચ સમક્ષ આ કિસ્સામાં જુબાની આપવા જણાવાયું હતું પણ કોઇ નક્કર સાબિતિ-સાહિત્ય વિગતો કે દસ્તાવેજ લઇને આવ્યું જ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here