Wednesday, January 19, 2022
Homeગુજરાતભુજ : ધોળાવીરા ટેન્ટ સિટી ઊભી થતાની સાથે જ વિવાદ

ભુજ : ધોળાવીરા ટેન્ટ સિટી ઊભી થતાની સાથે જ વિવાદ

સફેદ રણનો નજારો લોકો માણી શકે એ માટે ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગના સહકારથી ખાનગી પાર્ટી દ્વારા ધોરડો ખાતે ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે. દર વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ સફેદ રણ સાથે ટેન્ટ સિટી નિહાળવા ધોરડો ખાતે આવતા હોય છે ત્યારે આ વખતે ભચાઉ તાલુકાના ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત જાહેર કરાયા બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રથમ વખત તંબુનગરી ઊભી કરવામાં આવી છે, પરંતુ પ્રથમ વખત શરૂ થયેલી ટેન્ટ સિટી થોડા દિવસોમાં જ વિવાદમાં સપડાઇ ગઇ છે.

 

 

ધોળાવીરા ખાતે ભંજડોદાદાના મંદિરના સ્થાનકની બાજુમાં અને રણને અડીને ખાનગી પાર્ટી દ્વારા 30 જેટલા તંબુ તાણી ટેન્ટસિટી બનાવાઇ છે. ધોળાવીરા નિહાળવા આવતા સહેલાણીઓ રાતવાસો કરીને રણમાં આનંદ માણી શકે તે માટે ટેન્ટ સિટી ઊભી કરાઇ છે. રાતના સમયે અહીં પ્રવાસીઓની સવલત ખાતર સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ લાઇટ શો યોજવામાં આવતા હોય છે, પરંતુ રણ વિસ્તારમાં પાછળ અભયારણ્ય આવેલું હોવાથી વનવિભાગના કાયદાનો ભંગ થતા હરકતમાં આવેલા ફોરેસ્ટ તંત્રએ તંબુનગરીના સંચાલકને કાયદાનું ભાન કરાવ્યું હતું.

દરમિયાન સૂત્રોએ એવું જણાવ્યું કે, આ ટેન્ટ સિટી જંગલખાતાની જમીનમાં તંત્રની મંજૂરી વિના ઊભી કરાઇ છે. જેથી હકીકત જાણવા પૂર્વ કચ્છ વનવિભાગના ડીસીએફ હર્ષ ઠક્કરથી વાત કરતા તેમણે જણાવ્યું કે, 1986મા આ વિસ્તારની પાછળ અભ્યારણ્ય જાહેર કરાયું છે. જે પ્રમાણે છેલ્લા બે મહિનાથી સર્વે-સેટલમેન્ટની કામગીરી મહેસૂલી વિભાગ દ્વારા શરૂ કરી વાંધા અરજી મંગાવાઇ છે. જેથી જ્યાં સુધી સર્વે-સેટલમેન્ટની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી આ જમીન કયા તંત્રની તે કહી શકાય નહીં તેવું કહ્યું હતું. સાઉન્ડ સિસ્ટમ બાબતે પુછતા સપ્તાહ પૂર્વે તંબુનગરીમાં સ્પિકર બંધ કરાવાયા હોવાનું જણાવ્યું હતું.

વધુ વિગત માટે સ્થાનિક રાપર રેન્જના આરએફઓ ચેતન પટેલથી વાત કરતા તેમણે કહ્યું કે, ટેન્ટ સિટીમાં ઉંચા અવાજે સ્પિકર વગાડવામાં આવતા હતા. જેનાથી પાછળ અભ્યારણ્ય વિસ્તારમાં પશુ-પક્ષીઓને ખલેલ પડે તેમ હતી. તેમ જ લાઇટનો પ્રકાશ રણમાં જતો હોઇ પક્ષીઓમાં ખોટો ગભરાટ ન ફેલાય તે માટે જવાબદાર સંચાલકને સાઉન્ડ ધીમા અવાજે વગાડવામાં તેમજ રણમાં લાઇટ ન ફેકવા જણાવી તે નિયમની અમલવારી કરાવાઇ છે. જો અમલવારી ન થાય તો વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવા પણ જણાવી દેવાયું છે.

અભયારણ્યમાં પ્રવેશ રોક માટે વન વિભાગે ચોકીદારને રાખ્યો

ધોળાવીરા ટેન્ટ સિટીમાં આવતા પ્રવાસીઓ ભુલેચૂકે અભયારણ્ય વિસ્તારમાં ન પ્રવેશે તેમજ ફોરેસ્ટ એરિયામાં ગંદકી ન ફેલાવે તેની નિગરાની માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્થાનિકે ચોકીદારને રાખવામાં આવ્યો છે.

ટેન્ટ સિટી બનાવાઇ તેની બાજુમાં જ બીએસએફની ચોકી

જે સ્થળે તંબુનગરી ઊભી કરવામાં આવી છે તેની એકદમ નજીક બોર્ડર સિક્યુરિટી ફોર્સની આઉટ પોસ્ટ ચોકી આવેલી છે. સામાન્ય રીતે આવા સંવેદનશીલ વિસ્તારમાં લોકોનો પ્રવેશ પણ નિશેધ માનવામાં આવે છે ત્યારે સુરક્ષાની દૃષ્ટીએ પણ આ મુદ્દો ચગ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular