ભુજઃ ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા ગુરુવારે શહેરના બે બાંધકામ કે જે પૂર્વ મંજૂરી વિના થયેલ તેમને તોડી પાડવામાં આવ્યા હતા. લંઘા શેરીમાં સિટી ગેસ્ટ હાઉસ સામે તેમજ સ્ટેશન રોડ પર દિલીપ ઓટોની ઉપરની અલગ અલગ માલિકીની દુકાનોને પૂર્વ નોટિસ આપ્યા બાદ આજે તોડી પડાઈ હતી.
ભુજ કોટ વિસ્તારમાં લંઘા શેરીમાં બે વર્ષ અગાઉ એક ખાલી પ્લોટ પર બાંધકામ થયું હતું જેની વિરુદ્ધ શેરીના રહેવાસીઓએ રજૂઆત કરી હતી, ભાડા સમયાંતરે નોટિસ આપ્યા બાદ પણ માલિક રમઝાન અસગર ચાકીએ બાંધકામ દૂર ન કરતા આખરે કલેકટરની સૂચનાથી પ્લોટ ખુલ્લો કરાયો હતો. તો સ્ટેશન રોડ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામે દિલીપ ઓટોની ઉપર દુકાનો પણ નિયમ વિરુદ્ધ હોતા અગાઉ અનેક નોટિસ આપ્યા બાદ પણ સ્વયં ન ખસેડતા ભાડાએ ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો અગાઉ બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ કોઈ કારણસર છોડી દીધું હતું. આ બંને મિલકત થઈને કુલ્લ 3 હજાર ચોરસ ફૂટ બાંધકામ દૂર કરાયું હતું. ભાડાના જણાવ્યા મુજબ અન્ય એક બાંધકામ કે જે નિયમ વિરુધ્ધ છે તે દુકાન બંધ હોવાથી કાર્યવાહી નથી કરી, પરંતુ બે દિવસ રાહ જોયા બાદ પોલીસની ટીમ સાથે રાખી તોડવાની કામગીરી હાથ ધરાશે.
પાર્કિંગ પ્લોટ પણ ખુલ્લા થાય તે જરૂરી છે
ભાડાએ ઘણા સમય બાદ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા કામગીરી કરી છે, ત્યારે ભુજમાં હજુ પણ ઘણા સરકારી પ્લોટ તેમજ શહેરીજનો માટે પાર્કિંગ પ્લોટ અલગ ફાળવ્યા હતા તેના પર બાંધકામ થઈ ગયા છે. શહેરની વચ્ચે અને બહારના વિસ્તારમાં વાહનો પાર્ક કરવા બાબતે રોજિંદી સમસ્યા છે, તેના ઉકેલ માટે પાર્કિંગ પ્લોટ પણ ખુલ્લા થાય તો પાર્કિંગ માટે સગવડતા ઉભી થાય.