Wednesday, January 19, 2022
Homeગુજરાતભુજ : કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા પશ્ચિમ ભારતના બીજા નંબરના શ્રેષ્ઠ ગામ...

ભુજ : કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા પશ્ચિમ ભારતના બીજા નંબરના શ્રેષ્ઠ ગામ તરીકે પસંદગી

અબડાસા તાલુકામાં બે ટર્મથી મહિલાશાસિત સમરસ પંચાયત ધરાવતા છેવાડાના કનકપર ગામમાં સહિયારા પ્રયાસોથી પાણીની બચત સાથે જળસંચય માટે થયેલી શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા પશ્ચિમ ભારતના બીજા નંબરના શ્રેષ્ઠ ગામ તરીકે પસંદગી કરાઇ છે અને શ્રેષ્ઠ ગ્રામપંચાયતના અવૉર્ડની જાહેરાત કરાઇ છે. રાજ્યમાં સૌથી ઓછા વરસાદવાળા જિલ્લા કચ્છમાં પીવા અને સિંચાઇ માટે પાણીની ખપત વધુ છે, એમાં વળી અબડાસાના છેવાડાનાં ગામોમાં તો પાણીના એક-એક ટીપાની કિંમત વિશેષ હોય છે.

મહિલોઓ અને ખેડૂતો જ પાણીની કિંમત સમજી શકતા હોય છે ત્યારે અબડાસામાં સતત બે ટર્મથી સરપંચથી લઇને સમગ્ર બોડી મહિલા સમરસ ધરાવતા ગામ કનકપરમાં સહિયારા પ્રયાસોથી ભૂગર્ભ જળ રિચાર્જ, સ્વચ્છતા, પાણીનો કરકસરયુક્ત ઉપયોગ વગેરે ક્ષેત્રે સહિયારા પ્રયાસોથી થયેલી શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં અબડાસાના કનકપરને પશ્ચિમ ભારતના બીજા નંબરના શ્રેષ્ઠ ગામ તરીકે પસંદગી કરાઇ છે અને શ્રેષ્ઠ ગ્રામપંચાયતના અવૉર્ડની જાહેરાત કેન્દ્રીય જળશક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કરી છે.

 

ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે કરાયાં છે આ કામો

ગામના પ્રગતિશીલ ખેડૂત અગ્રણી વાડીલાલભાઇ પટેલે જણાવ્યું હતું કે પાણીની બચત માટે 2005થી 100 ટકા ડ્રિપ ઇરિગેશનથી સિંચાઇ કરાય છે. વધુમાં ગામના ખેડૂતો દ્વારા પોતાનાં ખેતર તથા વાડીમાં તૂટી ગયેલા બોરવેલ રિચાર્જ કરવાની કામગીરી 30 જેટલી અલગ અલગ જગ્યાએ વર્ષ 2019થી કરાય છે, જેમાં દર વર્ષે અબજો લિટર પાણી જમીનમાં સંગ્રહ થાય છે. વાસ્મો યોજના અંતર્ગત પીવાના પાણીની યોજના, ઊંચી ટાંકી વગેરે બનાવી ગામમાં 24 કલાક પાણી મળે છે. અને વાસ્મોના સહયોગથી ગટર યોજનાના તેમજ એસ.ટી.પી. (ગંદા પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ) બનાવાયું છે, જેની ખાસિયત એ છે કે ગટરનું પાણી શુદ્ધ કરી ખેડૂતોને ખેતી માટે વાપરવામાં આવે છે.

ઘરેઘરે વરસાદી પાણી સંગ્રહ અન્ડરગ્રાઉન્ડ ટાંકા તેમજ અગાસીથી ટાંકા સુધીની પાઇપલાઇનનું નેટવર્ક ગોઠવાયું છે, જેના દ્વારા વરસાદી પાણી સંગ્રહ કરી આખું વર્ષ વરસાદી પાણી પીવા માટે ઉપયોગમાં લેવાય છે, જે અદાજે 8 લાખ લીટર જેટલું પાણી 80 જેટલા ટાંકાઓમા સંગ્રહ કરાય છે આ કામગીરી વર્ષ 2019થી કરવામાં આવે છે. વધુમાં દાતાઓ અને ગ્રામજનોના સહકારથી ગામનાં ત્રણ તળાવો ઊંડાં કરવામાં આવ્યાં છે.

અગાઉ પણ ગામને મળી ચૂક્યા છે આ પુરસ્કાર

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હસ્તે નિર્મળ ગામનો પુરસ્કાર, સીડમની અવૉર્ડ, 2010-11માં તાલુકાની અને જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામપંચાયત, 100 ટકા ટપક સિંચાઇ, શ્રેષ્ઠ પાણી સમિતિ, ગૌચર જમીનના સંરક્ષણ અને વિકાસ માટે ગૌસેવા સમિતિને 2021નો આંતરરાષ્ટ્રીય અવૉર્ડ ઉપરાંત શિક્ષણ ક્ષેત્ર સહિત આ ગામને અનેક અવૉર્ડ મળી ચૂક્યા છે.

ગામમાં સંપૂર્ણ મહિલા સંચાલિત પાણી સમિતિ

વર્ષ 2011ની વસતિ ગણતરી મુજબ કુલ સંખ્યામાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યા કરતાં વધુ છે. પંચાયતીરાજ આવ્યા ત્યારથી માત્ર એક વખત વર્ષ 1985માં સરપંચની ચૂંટણી થઇ છે. ત્યાર બાદ ગ્રામપંચાયતના ઇતિહાસમાં ક્યારે પણ ચૂંટણી થઇ નથી, જે ગામની એકતાનું દર્શન કરાવે છે. તદુપરાંત કનકપર ગામની પાણી સમિતિ પણ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત પાણી સમિતિ છે. આ રીતે અત્યારના આધુનિક યુગમાં કનકપર ગામનું સઘળું સુકાન મહિલાઓના હાથમાં છે, જે ખૂબ મોટી વાત છે.

 

250 એકર ગૌચર જમીનમાં દેશી ઘાસનું વાવેતર કરાયું

ગામના વસંતભાઇ પટેલે જણાવ્યું હતું કે અગાઉ ગામમાં ગૌચર જમીન નીમ થયેલી ન હતી. ગામમાં 400 જેટલું પશુધન છે ત્યારે ગ્રામપંચાયતે દાખલો બેસાડતાં 250 એકર જમીન તા.31/8/12ના નીમ કરાવી છે, જે આખા અબડાસા તાલુકાનો એકમાત્ર કિસ્સો છે. વધુમાં, ગાયોને છાંયડો મળી રહે એ હેતુથી ગૌચર જમીનમાંથી 20 એકરમાં વનીકરણ કરાયું છે. ઉપરાંત 2017થી ગૌચર જમીનમાં કચ્છના દેશી ઘાસ, જેવા કે ઘામણ, જીજવો, કરળ, શનિયારનું વાવેતર કરાય છે. ઘાસવાળી 50 એકર જેટલી જગ્યાને ફેનસિંગ દ્વારા રક્ષિત કરાઇ છે. વધુમાં ગૌચર જમીનમાં તળાવનું નિર્માણ કરાયું છે.

ગામમાં ઘરેઘરે મીટર સાથે પાણી કનેક્શન

પટેલ અને અનુસૂચિત જાતિની વિશેષ વસતિ ધરાવતા ગામમાં પીવાના પાણી માટે ઘરેઘરે નળ કનેક્શન અપાયું છે અને 130 જેટલાં કનેક્શન સાથે એમાં મીટર પણ લગાવવામાં આવ્યાં છે.

20 એકરમાં ઊભું કરાયું સ્વર્ણિમ વન
ગામની 20 એકર જમીનમાં જંગલ ખાતાના સહયોગ લઇ “સ્વર્ણિમવન” પણ ઊભું કરવામાં આવ્યું છે. ઉપરાંત 2007માં “વડીલ વન ઉપવન” ઊભું કરાયું, જેની માવજત માત્ર ને માત્ર ગામના વડીલો દ્વારા કરવામાં આવી રહ્યા છે. પંચાયત દ્વારા 10% લોકફાળો ભરીને સરકારમાંથી 132 ડસ્ટબીન, 2 ટ્રાઇસિકલ વસાવી, દરેક ઘરમાંથી કચરો એકઠો કરી એનું કમ્પોસ્ટ ખાતર તરીકે ઉપયોગ કરાય છે.

અદાણી ફાઉન્ડેશનને CSR પ્રવૃત્તિ માટે અવૉર્ડ

કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા વિવિધ અવૉર્ડ પૈકી ગુજરાત અદાણી ફાઉન્ડેશનને બેસ્ટ ઇન્ડસ્ટ્રી ફોર સીએસઆર એક્ટિવિટી માટે પ્રથમ નંબરના અવૉર્ડની જાહેરાત કરાઇ છે. જળશક્તિ મંત્રાલય દ્વારા 11 વિવિધ શ્રેણીઓમાં રાજ્યો, સંસ્થાઓ અને વ્યક્તિઓ વગેરેને પુરસ્કાર અપાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular