અમેરિકામાં વાઇસ પ્રેસિડેન્શિયલ ડિબેટ : પેન્સે કહ્યું- બાઇડન ચીનના ચિયર લીડર, તેના પર પ્રતિબંધોનો વિરોધ કરે છે : હેરિસે કહ્યું……

0
4

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી વચ્ચે ગુરુવારે પહેલી અને એકમાત્ર વાઈસ પ્રેસિડેન્શિયલ ડિબેટ સાલ્ટ લેક સિટીમાં યોજાઈ. રિપબ્લિકન પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ અને ડેમોક્રેટ પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર કમલા હેરિસે આમા ભાગ લીધો હતો. હેરિસે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને કહ્યું કે કોરોનાના મુદ્દે ટ્રમ્પ સરકાર પૂરી રીતે નિષ્ફળ સાબિત થઈ છે, જેનાં હજારો ઉદાહરણો આપવામાં આવી શકે છે. જેની પર માઈક પેન્સે કહ્યું, અમે ચીનથી આવતા લોકો પર પ્રતિબંધ લગાવ્યો. હજારો અમેરિકન્સના જીવ બચાવ્યા. ચર્ચાને USA ટુડેની સુસાન પેજે મોડરેટ કરી હતી.

12 ફૂટનું અંતર
વાઈસ પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન બન્ને ઉમેદવાર સામે પ્રોટેક્શન ગ્લાસીસ એટલે કે કાચ લગાડવામાં આવ્યા હતા. 12 ફૂટનું અંતર પણ રાખવામાં આવ્યું હતું. પહેલાં એ 7 ફૂટ નક્કી કરવામાં આવ્યું હતું. પેન્સે પહેલાં કાચ લગાડવાનો વિરોધ કર્યો હતો. પછી એના માટે તૈયાર થઈ ગયા હતા.

કોરોના વાઇરસ
પેન્સે કહ્યું– તમે દરેક વાત માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગુનેગાર શા માટે ઠેરવો છો. તેમણે ચીનથી આવતા લોકો પર પ્રતિબંધ લગાવીને બતાવી દીધું છે કે તે કેટલા કડક નિર્ણય લઈ શકે છે. તેમણે હજારો લોકોના જીવ બચાવ્યા છે.

હેરિસઃ આ સરકાર બીજી વખત ચૂંટણી જીતવાલાયક નથી. તમે લોકોનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છો. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને મહામારીને સંતાડવાનો પ્રયાસ કર્યો. રાષ્ટ્રપતિ મહામારીને ફેક ગણાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ અને તમને 28 જાન્યુઆરીએ જ આ અંગે ખબર પડી ગઈ હતી, પણ સરકાર ચૂપચાપ તમાશો જોતી રહી.

મોડરેટર સુસાન પેજે પેન્સને પૂછ્યું કે શું તમે રાષ્ટ્રપતિને તેમનાં સંક્રમણ અને વધતી ઉંમર વિશે પૂછ્યું? શું તે રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારીઓ સંભાળવા માટે સક્ષમ છે. પેન્સે આ સવાલનો જવાબ ન આપ્યો. આ જ સવાલ પેજે કમલા હેરિસને બાઈડન વિશે પણ પૂછ્યો. બન્નેએ સ્પષ્ટ રીતે કંઈ જ ન કહ્યું.

કોરોના વેક્સિન
વેક્સિન સાથે જોડાયેલા સવાલ અંગે કમલાએ કહ્યું, વેક્સિન આવી જાય અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ એને લગાવવા માટે પણ કહે તોપણ હું નહીં લગાવું. હા, જો ડોક્ટર કહે છે કે વેક્સિન લગાવી શકાય છે તો હું સૌથી પહેલા આવું કરીશ, પણ ટ્રમ્પની વાત પર વિશ્વાસ ન કરી શકું.

આ અંગે પેન્સે કહ્યું, તમે વેક્સિનમુદ્દે પણ રાજકારણ કરી રહ્યા છો. આપણે લોકોને શું મેસેજ આપી રહ્યા છીએ. રાજકારણ બંધ કરો. આ લોકોનાં જીવન સાથે જોડાયેલો મામલો છે.

અર્થવ્યવસ્થા
હેરિસઃ બરાક ઓબામાના કાર્યકાળમાં અમે ઓબામા કેર બિલ લઈને આવ્યા હતા. આનાથી 2 કરોડ અમેરિકન્સને ફાયદો થયો હતો. હેલ્થ ઈન્ડેક્સ સારો થયો. રાષ્ટ્રપતિ અને તમારી સરકાર એની પર તાળું લગાવી રહી છે. આનાથી ઈકોનોમી પર ભારણ વધશે,જવાબદારી કોણ લેશે?

પેન્સઃ બાઈડનનો ઈકોનોમિક પ્લાન લાગુ કરવો તો ચીનની સામે સરેન્ડર કરવા જેવું હશે. તમે ચીન સામે ઘૂંટણિયે ટેકવવાનો પ્લાન આપી રહ્યા છો. ટ્રમ્પે કહ્યું, તે ટેક્સ ઓછો કરશે. 4 લોકોવાળા પરિવારની એવરેજ આવક 4 હજાર ડોલર વાર્ષિક થઈ ચૂકી છે. આ એટલા માટે શક્ય બની શક્યું, કારણ કે અમે ટેક્સ ઓછા કર્યા છે.

અમેરિકા-ચીન સંબંધ
પેન્સઃ ઘણાં વર્ષથી બાઈડન ચીનના ચિયર લીડર બન્યા છે. અમે જ્યારે ચીનના લોકો પર પ્રતિબંધ લગાવ્યા અને કડક કાર્યવાહી કરી તો તમારી પાર્ટી અને બાઈડને આનો વિરોધ શા માટે કર્યો. શું તમે નથી માનતા કે કોરોના વાઈરસ ફેલાવવાની પાછળ માત્ર ચીનનો હાથ છે.

હેરિસઃ આ દાવો તો તમે ન જ કરી શકો. તમારા સમયમાં અમેરિકા ચીન સાથે ટ્રેડવોર હારી ચૂક્યો છે. ખેડૂત દેવાદાર બની રહ્યા છે. મેન્યુફેક્ચરિંગ પ્રમાણે આપણે મંદીના સમયમાં પહોંચી ગયા છીએ. દેશમાં નોકરીઓ ઘટી ગઈ છે.

અમેરિકન લીડરશિપ

હેરિસે કહ્યું, અમારા સહયોગી હવે ટ્રમ્પથી વધુ ઈજ્જત શી જિનપિંગની કરે છે. આપણે વાયદા નિભાવવા જોઈએ. દોસ્તોને સાથ આપવો જોઈએ. ટ્રમ્પે મિત્રોને દગો આપ્યો. પુતિન જેવા તાનાશાહની મદદ કરી. પેન્સે કહ્યું, આ એકદમ ખોટું છે. ઈરાનમાં અમે જનરલ સુલેમાનીને ઠાર માર્યો. તે આપણા માટે જોખમી હતો. આપણે ISISને ખતમ કર્યું.

વંશવાદી હિંસા
હેરિસનો આરોપ- અશ્વેત સાથે ભેદભાવ કરે છે ટ્રમ્પ. તેમણે કોર્ટમાં 50 લોકોની નિમણૂક કરી, જેમાં એકપણ અશ્વેત કેમ નથી. જ્યોર્જ ફ્લોયડના મોત પછી હિંસા ભડકી. તેમની પર યોગ્ય પગલાં ન લેવાયાં.
પેન્સનો જવાબ, હિંસા કોઈ પર પ્રકારે ચલાવી લેવાશે નહીં. જે થયું એના માટે કોઈ બહાનું નહીં બનાવું, પરંતુ એ કહેવું છે કે કાયદાકીય એજન્સીઓ અશ્વેત સાથે ભેદભાવ કરે છે, આ કાયદા અને એવી એજન્સીઓનું અપમાન છે.

પાવર ટ્રાન્સફર અથવા સત્તા હસ્તાંતરણ
મોડરેટે પેન્સને પૂછ્યું- શું ચૂંટણી પછી ટ્રમ્પ શાંતિપૂર્ણ સત્તા હસ્તાંતરણ એટલે કે પાવર ટ્રાન્સફર કરશે. પેન્સનો જવાબ- સાડાત્રણ વર્ષથી ડેમોક્રેટ્સ માત્ર એક જ કામ કરી રહ્યા છે. તેમનો પ્રયાસ છે કે ગત ચૂંટણીનાં પરિણામ બદલવામાં આવે.

ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે પેન્સ મૌન
મોડરેટર સુસાન પેજને પેન્સ પૂછ્યું- શું અમેરિકાના લોકો રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય અંગે જાણી શકશે. આ સવાલનો જવાબ આપવા માટે પેન્સે ઈન્કાર કરી દીધો. તેમણે કહ્યું, આ અંગે ખોટી વાતો ફેલાવાઈ રહી છે. જો જરૂર પડશે તો માહિતી આપવામાં આવશે. પેન્સે કહ્યું કે હેરિસે વાઈસ પ્રેસિડેન્શિયલ ઉમેદવાર બનવા અંગે શુભેચ્છા પાઠવી. કહ્યું- આ સન્માન હાંસલ કરનારા તે પહેલાં અશ્વેત મહિલા છે.

હેરિસે કહ્યું, શુભેચ્છા માટે આભાર, પણ રાષ્ટ્રપતિ પોતાના સ્વાસ્થ્ય અંગે માહિતી કેમ નથી આપતા. આ વાત તમારે દેશ સામે લાવવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here