ઇન્ટરનેટ યુઝર્સ પર ફરી એકવાર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ ધમકી ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજના બ્રાઉઝર એક્સટેન્શનનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે છે. ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજની મદદથી હેકર્સ તમારા કોમ્પ્યુટરમાં સેવ કરેલા સંવેદનશીલ ડેટા, બૅન્કિંગ વિગતો અને પાસવર્ડ સરળતાથી ચોરી શકે છે. સાયબર સિક્યોરિટી કંપની રીઝનલેબ્સના રિપોર્ટ અનુસાર, માલવેર ધરાવતા આ બ્રાઉઝર એક્સટેન્શન વર્ષ 2021થી યુઝર્સને શિકાર બનાવી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી આ હેકિંગથી દુનિયાભરમાં ઓછામાં ઓછા 3 લાખ ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજ યુઝર્સ પ્રભાવિત થયા છે.
કેમ જોખમી છે?
આ માલવેર એક્સ્ટેન્શન્સન અત્યંત જોખમી ગણાય છે. રિપોર્ટ અનુસાર, આ એક્સટેન્શન્સ એક સોફ્ટવેર પ્રોગ્રામ છે, જે યુઝર્સના બ્રાઉઝિંગ અનુભવને બહેતર બનાવવાનું કામ કરે છે. હેકર્સના માલવેર એક્સ્ટેન્શન વાસ્તવિક ટૂલ્સ જેવા દેખાય છે અને યુઝર્સ તેને કંઈપણ શંકા કર્યા વિના ઇન્સ્ટોલ કરે છે. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, આ એક્સ્ટેન્શન્સ હેકર્સને સિસ્ટમમાં પાસવર્ડ્સ, બ્રાઉઝિંગ ઇતિહાસ અને બૅન્ક વિગતો સહિત સંવેદનશીલ ડેટાની ઍક્સેસ આપે છે.
ચિંતાની વાત એ છે કે એક્સ્ટેન્શન ડિલિટ કર્યા પછી પણ માલવેર કોમ્પ્યુટરમાં છુપાયેલો રહે છે અને સિસ્ટમ ઓન થતાંની સાથે જ એક્ટીવેટ થઈ જાય છે. હેકર્સ આ માલવેર એક્સ્ટેન્શન્સ સાથે યુઝર્સને ફસાવવા માટે માલવર્ટાઇઝિંગ(માલવેર + જાહેરાત)નો ઉપયોગ કરે છે.
આ રીતે સિસ્ટમ તપાસો
તમારા કોમ્પ્યુટરમાં આ માલવેર છે કે નહીં તે તમે ચકાસી શકો છો. જો તમારી સિસ્ટમ આ માલવેરથી સંક્રમિત છે, તો તમારી સ્ક્રીનને Google Chrome અને Edge પરથી હેકરના સર્ચ પોર્ટલ પર રિડાયરેક્ટ કરવામાં આવશે. આ ઉપરાંત, તમે સિસ્ટમ ફોલ્ડરમાં ફાઇલોને ચેક કરીને પણ આ માલવેરને શોધી શકો છો.
રિજનલેબ્સ અનુસાર, આ માલવેરના એક્સ્ટેન્શન્સ દૂર કરવા માટે, યુઝર્સે સૌથી પહેલા શેડ્યુલ્ડ ટાસ્કને દૂર કરવા પડશે. બાદમાં, તમે રજિસ્ટ્રી કીને કાઢી નાખી આ માલવેરથી છૂટકારો મેળવી શકો છો. તેના સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ માટે તમે https://reasonlabs.com/research/new-widespread-extension-trojan-malware-campaignની મુલાકાત લઈ શકો છો.