નાગરિકતા કાનૂન સામે બિહાર બંધ હિંસક: ટ્રેનો અટકાવાઈ

0
11

પટણા તા.21
નાગરિકતા કાયદા સામે દેશના કેટલાંક રાજયોમાં હિંસક ઘટનાક્રમો વચ્ચે આજે બિહાર બંધનું એલાન રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી) દ્વારા આપવામાં આવ્યું છે. જેની સવારથી જ વ્યાપક અસર છે અને ટ્રેન રોકો સહિતની હિંસક ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

આરજેડીના રાજયવ્યાપી બંધના એલાનની અસર સવારથી જ દેખાવા લાગી છે. પાર્ટી કાર્યકર્તાઓ સવારથી શેરીઓમાં ઉતરી આવ્યા હતા અને બળજબરીપૂર્વક બંધ કરાવ્યુ હતું. હાજીપુરમાં નેશનલ હાઈવે પર ભેંસ જેવા પશુઓ સાથે દેખાવો કરીને હાઈવે ચકકાજામ કરવામાં આવ્યો હતો. ભેંસ પર ‘કાલા કાનૂન નહીં ચલેગા’ ના પોસ્ટર મારવામાં આવ્યા હતા. હાઈવે પર ઠેકઠેકાણે ટાયરો સળગાવવામાં આવ્યા હતા. આરજેડી નેતા તેજસ્વી યાદવે સ્પષ્ટ કર્યુ હતું કે પાર્ટી દ્વારા શાંતિપૂર્ણ બંધ જ પડાવવામાં આવશે. સાથોસાથ સરકારીતંત્રને એવી ચેતવણી આપી હતી કે પોલીસ કાર્યકર્તાઓ સામે બળપ્રયોગ કે કાર્યવાહી કરશે તો પરિસ્થિતિ કાબુ બહાર જશે. લોકશાહીમાં વિરોધ કરવાનો તમામને અધિકાર છે. પરિસ્થિતિ સામાન્ય રાખવાની વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી સરકારની છે. નાગરિકતા કાયદો ગેરબંધારણીય તથા માનવતાની વિરુદ્ધ છે. ભાજપનો એજન્ડા વિભાજન સર્જવાનો છે.

બિહારમાં બંધના એલાન દરમ્યાન માર્ગો પર ઉતરી ગયેલા કાર્યકરોએ ઠેકઠેકાણે ચકકાજામ સર્જયા હતા. રેલવે સ્ટેશનોએ ધસી જઈને ટ્રેનો અટકાવી હતી એટલે રેલ વ્યવહાર વેરવિખેર બન્યો હતો.

ભાગલપુરમાં દેખાવો વચ્ચે તોડફોડ પણ કરવામાં આવી હતી. દરભંગામાં અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરવામાં આવ્યા હતા. બંધના એલાનને ધ્યાને રાખીને રાજય સરકાર દ્વારા સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here