આણંદ તાલુકાના મોગરી ગામના રોડ ઉપર આવેલ હરિપૂજન સોસાયટી ખાતે રહેતો ૩૦ વર્ષીય મુલાયમ તુફાની યાદવ ગત તા. ૧૯મી માર્ચના રોજ રાત્રિના સુમારે સોજીત્રા કરમસદ રોડ ઉપર આવેલા બ્રિજ નજીકની એક કંપની પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો.
દરમિયાન અચાનક એક રખડતી ગાય રસ્તા ઉપર આવી ચડી હતી અને બાઈક ચાલક મુલાયમ યાદવને ગોથું મારતા તે બાઈક સાથે રોડ ઉપર પટકાયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. અકસ્માતમાં મુલાયમ યાદવને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને ૧૦૮ ઈમરજન્સી મોબાઈલ વાન મારફતે કરમસદ ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.