Tuesday, March 25, 2025
Homeવર્લ્ડબિપરજોય વાવાજોડું : પાકિસ્તાનના કરાચીમાં વાદળ ફાટવાની આશંકા

બિપરજોય વાવાજોડું : પાકિસ્તાનના કરાચીમાં વાદળ ફાટવાની આશંકા

- Advertisement -

પાકિસ્તાનમાં ચક્રવાત બિપરજોય ભારે વિનાશ સર્જી શકે છે. ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ 15 જૂને ગુજરાત અને કરાચીના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. પાકિસ્તાનના હવામાન વિભાગે કરાચીમાં વાદળ ફાટવા જેવી ઘટનાઓની શક્યતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં સિંધમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અહીં સેના તૈનાત કરવામાં આવી છે અને લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

પાકિસ્તાનના હવામાન વિભાગે બિપરજોયને ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન ગણાવ્યું છે. ચક્રવાત અરબી સમુદ્રમાં પાકિસ્તાન અને ભારતના કિનારા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે જણાવ્યું કે, રાજ્યમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અમે લોકોને અપીલ નથી કરી રહ્યા, પરંતુ તેમના ઘર ખાલી કરવા માટે કહી રહ્યા છીએ. અમે સોશિયલ મીડિયા, મસ્જિદો અને રેડિયો સ્ટેશન દ્વારા એલર્ટ જાહેર કર્યું છે.

સિંધના CMએ કહ્યું કે, લોકોને બહાર કાઢવા માટે પાકિસ્તાની નેવીની મદદ લેવામાં આવી રહી છે. અત્યાર સુધી થટ્ટામાં 500 ગ્રામજનોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે 1500 લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ચાલુ છે.  શાહ બંદરથી 2000 લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવ્યા છે. કરાચીમાં ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી (DHA) એ દરિયા કિનારે રહેતા લોકોને 13 જૂન સુધીમાં સ્વૈચ્છિક રીતે ઘર ખાલી કરવા માટે અપીલ કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચક્રવાત છેલ્લા 12 કલાકથી ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે કરાચીથી લગભગ 550 કિમી દક્ષિણે, થટ્ટાથી 530 કિમી દક્ષિણે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત દરમિયાન સપાટી પરના પવનની ઝડપ 140-150 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે. જ્યારે કેન્દ્રની આસપાસ 170 કિમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. એટલું જ નહીં દરિયામાં 35-40 ફૂટની ઉંચાઈ સુધી મોજા ઉછળી શકે છે. હવામાન વિભાગ કરાચીમાં સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે. બલૂચિસ્તાનમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તમામ સંબંધિત વિભાગોના કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે, હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. સુજાવલ, બદીન, થરપારકર અને ઉમરકોટ જિલ્લામાં 13-17 જૂન દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. એટલું જ નહીં, આ જિલ્લાઓમાં 80-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આશંકા છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય 15 જૂનની બપોર સુધીમાં કચ્છના દરિયાકાંઠાને પાર કરશે. જેની સ્પીડ 125-135 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓ 14-15 જૂનના રોજ ચક્રવાતની ઝપેટમાં આવશે.

  • 16 જૂને ચક્રવાત ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના વિસ્તારો તરફ આગળ વધશે.
  • રાજસ્થાનમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
  • ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં લગભગ 100 ટ્રેનો રદ કરવામાં આવી છે.
  • બિપરજોયના કારણે ભારતના ઉત્તર પૂર્વ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન, ગોવા અને મહારાષ્ટ્રના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. કેરળ અને કર્ણાટકમાં પણ વરસાદનું એલર્ટ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular