ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે 3 ભૂમાફિયાનાં નામ જાહેર કર્યાં : ગણેશ મેરેડિયન અને ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટ પર જમીન પચાવ્યાનો આક્ષેપ.

0
16

ગુજરાત સરકારે ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાયદાની જાહેરાત કરી છે, ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પણ ભૂમાફિયાઓનાં નામ જાહેર કરવાની જાહેરાત કરી હતી. હવે આજે પત્રકાર પરિષદ કરીને અલ્પેશ ઠાકોરે પુરાવા સાથે ત્રણ ભૂમાફિયાનાં નામની જાહેરાત કરી છે. આ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે જે દિવસે સરકારે ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટની જાહેરાત કરવામાં આવી હતી એ જ દિવસે મેં કહ્યું હતું કે રાજ્યમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને આગામી દિવસોમાં હું ભૂમાફિયાઓનાં નામ જાહેર કરીશ. અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યભરમાં ભૂમાફિયાઓએ ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડી છે. ત્યારે અમે પુરાવા સાથે આજે ત્રણ ભૂમાફિયાનાં નામ જાહેર કરીએ છીએ અને રાજ્ય સરકારને વિનંતી છે કે ગરીબ ખેડૂતોને ન્યાય અપાવે.

અલ્પેશ ઠાકોરની પત્રકાર પરિષદમાં જમીન ગુમાવનારા ખેડૂતો પણ હાજર રહ્યા.
અલ્પેશ ઠાકોરની પત્રકાર પરિષદમાં જમીન ગુમાવનારા ખેડૂતો પણ હાજર રહ્યા.

 

આ ગ્રુપ પર જમીન પચાવી પાડ્યાનો અલ્પેશ ઠાકોરે પ્રેસ-કોન્ફરન્સમાં આરોપ લગાવ્ચો

અલ્પેશ ઠાકોરની પ્રેસ-કોન્ફરન્સમાં અમદાવાદના મૂઠિયા હંસપુરા વિસ્તારમાં રહેતા અમરતજી ઠાકોરની અંદાજિત 250 કરોડ રૂપિયાની જમીન ગણેશ મેરેડિયન નામના કહેવાતા મોટા બિલ્ડરે ખોટાં લખાણો કરીને પચાવી પાડી છે. કલ્પેશ પટેલ નામની વ્યક્તિએ ખોટા માણસો, ખોટાં પેઢીનામાં અને ખોટી વારસાઈ બનાવી જમીન પચાવી પાડી છે. કલ્પેશ પટેલે જે વ્યક્તિનાં નામે ખોટી વારસાઈ કરાવી હતી તે ખેડૂતે કોર્ટમાં નિવેદન આપી કહ્યું હતું કે અમે ખોટા છીએ, ખેડૂતના આ નિવેદન છતાં કલ્પેશે જમીન પચાવી પાડી છે અને વિવાદ ઉકેલવાના કલ્પેશ જમીનની મૂળ કિંમતના 50 ટકા માગે છે.

અમદાવાદના મૂઠિયા હંસપુરા વિસ્તારમાં રહેતા રામજી બેચરજી ઠાકોરની અંદાજિત 400 કરોડની જમીન ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટ, હેમાંગ ભટ્ટ અને નિલેશ ભટ્ટે પચાવી પાડી છે અને તેના પર બાંધકામ પણ શરૂ કરી દીધું છે. ખેડૂત રામજી ઠાકોરે 2010માં પોતાને પૈસાની જરૂર હોવાને કારણે ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટ અને તેનાં પરિવારજનોને જમીન વહેંચવાનું નક્કી કર્યું હતું, પત્રકારોને જણાવતાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ઉદય ભટ્ટ દ્વારા આ ગરીબ ખેડૂત પાસે દસ્તાવેજ કરાવાયા અને દેખાવ પૂરતા પૈસા આપ્યા પણ દસ્તાવેજ થતાં જ ઉદય ભટ્ટે ખેડૂતને આપેલા તમામ પૈસા પોતાના અને પરિવારજનોનાં ખાતામાં એ જ દિવસે પરત લઈ તેમની કરોડોની જમીન પચાવી પાડી હતી.

ઉદય ભટ્ટે જે પૈસા પરત લઈ લીધેલા તેના બેંક સ્ટેટમેન્ટ પણ આજે આ ખેડૂત પાસે છે. આ મામલે ઉદય ભટ્ટ, હેમાંગ ભટ્ટ અને નિલેશ ભટ્ટ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે અને ચાર્જશીટ પણ થઈ ગઈ છતાં આજદિન સુધી ન્યાય નથી મળ્યો. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા વિનુભાઈ બાવાજી સોલંકીની વસ્ત્રાલમાં આવેલી 150 કરોડ રૂપિયાની જમીન ભાવિક દેસાઈ અને તેના સાગરીતો દ્વારા પચાવી પાડવામાં આવી. ભૂમાફિયા દ્વારા આ ખેડૂતની જમીન ખોટા આઈડી કાર્ડ બનાવી, ખોટું પાવરનામું કરી અને જમીનનું બાનાખત તૈયાર કરીને કરોડોની જમીન પચાવી પડાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here