ભાજપમાં ફરી ભરતીમેળો યોજાઈ શકે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના પેરાશૂટને ભાજપનો ખેશ પહેરાવવાનો પ્લાન

0
8

ગુજરાતમાં આવનારા બે-ત્રણ મહિનામાં કોર્પોરેશન તથા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, એ પૂર્વે ભાજપ દ્વારા એડવાન્સ એકશન પ્લાન તૈયાર કરી શહેર અને જિલ્લાના મજબૂત શક્તિશાળી વિરોધપક્ષના ચૂંટાયેલા સભ્યો અને આગેવાનો પર નજર દોડાવવાનું શરૂ કરાયું છે. વિધાનસભાવાળી કરવાને બદલે ચૂંટણી પૂર્વે જ નેતાઓને વંડી ઠેકવા માટેનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે, કેમ કે 2015ની ચૂંટણીમાં ભાજપ માટે જીત મુશ્કેલ હતી, ખાસ કરીને પંચાયત અને પાલિકામાં એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં કૉંગ્રેસને વધુ બેઠકો મળી હતી.

કોંગ્રેસના સભ્યો પણ ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં જોવા મળી શકે છે…
ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ કોંગ્રેસ ફરી એકવાર તૂટવાનાં એંધાણ છે. કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓ ભાજપ તરફ વળી રહ્યા છે અને ટિકિટ માટેની ગોઠવણ પણ કરી રહ્યાં છે. બીજી તરફ, કોંગ્રેસના જે સભ્યો ચૂંટણી જીતી શકે છે તેઓ થોડા સમયમાં ભાજપમાં જોવા મળી શકે છે.

પંચાયતોની વર્તમાન બોડીની ટર્મ પણ પૂર્ણ થઈ રહી છે…
કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્યમાં કોર્પોરેશનો તથા પંચાયતોની ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલવામાં આવી હતી. પંચાયતોની વર્તમાન બોડીની ટર્મ પણ પૂર્ણ થઇ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં વહીવટદારોની નિમણૂક પણ શરૂ કરી દેવામાં આવી છે, એટલે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર રાજ્ય સરકારનો જ સીધો અંકુશ રહેવાનો છે. આ પ્રકારની વહીવટી સ્થિતિ વચ્ચે ભાજપ દ્વારા રાજકીય નિશાન પણ તાકવામાં આવ્યું છે, જે અંતર્ગત ખાસ કરીને પંચાયતો અને તાલુકા-ગ્રામ્ય સ્તરના કૉંગ્રેસના મજબૂત આગેવાનોને ભાજપમાં ભેળવી દેવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

કોંગ્રેસને અનેક પંચાયતોમાં સત્તા મળી હતી…
ભાજપનાં જ સૂત્રોએ એવી માહિતી આપી છે કે છેલ્લી પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો દેખાવ સારો ન હતો. અનેક પંચાયતોમાં કોંગ્રેસને સત્તા મળી હતી. ગ્રામ્ય સ્તરે ભાજપવિરોધી માનસ નડી ગયું હતું. આ વખતે ગામડાં બહુ ખરાબ નથી, પરંતુ નવા કૃષિ કાયદા સામે દિલ્હીમાં ચાલતા આંદોલનના પ્રત્યાઘાત પડવાની આશંકાને ધ્યાને રાખીને ભાજપ કોઇ ચાન્સ લેવા માગતો નથી. તાલુકા ગ્રામ્ય સ્તરના શક્તિશાળી આગેવાનોનો કેસરિયો ખેસ પહેરીને રાજકીય ચિત્ર મજબૂત બનાવવાનો ઇરાદો છે. એક વખત ચૂંટણી થઇ જાય અને કદાચ સત્તા ન મળે અને તોડફોડના રાજકારણની ફરજ પડે એને બદલે અત્યારથી જ ફુલપ્રૂફ રણનીતિ તૈયાર કરી લેવાનો વ્યૂહ છે.

તાલુકા-ગ્રામ્ય સ્તરે મજબૂત આગેવાનોનો ભરતીમેળો શરૂ કરવાની રણનીતિ…
કોર્પોરેશન-પંચાયતોની ચૂંટણીને જ હવે ભાજપે મિશન બનાવ્યું છે. પ્રદેશ-પ્રમુખ દ્વારા શ્રેણીબદ્ધ બેઠકો દ્વારા ગામડાંથી માંડીને શહેરોમાં આગેવાનોને એક્ટિવ કરી દેવાયા છે. પેજ પ્રમુખથી માંડીને લગભગ તમામ સંગઠનાત્મક કાર્યવાહી પૂર્ણ કરી લેવાયા બાદ તાલુકા-ગ્રામ્ય સ્તરે મજબૂત આગેવાનોનો ભરતીમેળો શરૂ કરવાની રણનીતિ છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પંચાયતના નેતા જનક તળાપિયાને કેસરિયો ખેસ પહેરાવયો એ આ વ્યૂહનો જ ભાગ છે. કોંગ્રેસના સિનિયર નેતા પરેશ ધાનાણીના ગઢથી જ તેની શરૂઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here