ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સિનિયર નેતા કૈલાશ વિજયવર્ગીયનો દીકરો અને પહેલી વખત ધારાસભ્ય બનેલ આકાશ વિજયવર્ગીય એ બુધવારના રોજ કોર્પોરેશનના અધિકારીને જાહેરમાં બેરહેમીથી માર માર્યો. અધિકારી વિસ્તારમાં પોતાનું કામ કરી રહ્યો હતો જ્યારે આકાશ તેની સાથે ઝઘડી પડ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને આકાશે પોતાના વ્યવહાર માટે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.
રિપોર્ટસના મતે કોર્પોરેશનના કર્મચારી અતિક્રમણની વિરૂદ્ધ અભિયાન ચલાવી રહ્યા હતા. આ દરમ્યાન તેમના કામની વચ્ચે ઇન્દોરના ધારાસભ્ય આકાશ ત્યાં પહોંચ્યા. કહેવાય છે કે કર્મચારીઓ સાથે વિવાદની વચ્ચે તેમણે પોતાનો પિત્તો ગુમાવી દીધો અને ક્રિકેટ બેટથી જ અધિકારીને પીટવાનું શરૂ કરી દીધું.
આ ઘટના બાદ આકાશ વિજયવર્ગીય અને નગર નિગમના કર્મચારી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોત-પોતાનો પક્ષ મૂકયો. આકાશ વિજયવર્ગીય એ સ્પષ્ટ કહ્યું કે કર્મચારીઓ પર બેટ ચાલતું રહેશે. તેમણે કહ્યું કે આ તો શરૂઆત છે. અમે ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દીને ખત્મ કરીને રહીશું. અમારું લાઇન ઓફ એકશન છે – આવેદન, નિવેદન અને પછી દનાદન.
આ દરમ્યાન ત્યાં હાજર લોકો અને પોલીસકર્મી પણ તેમને રોકવાની કોશિષ કરતા રહ્યા પરંતુ આકાશ હાથ ચલાવતો રહ્યો. સૂત્રોના મતે કર્મચારીઓની તરફથી ફરિયાદ કરાઇ છે પરંતુ હજુ સુધી કેસ નોંધાયો નથી.
સંસ્કારોની નીકળી રહી છે અર્થી
નગર નિગમના અધિકારીની પિટાઇ પર એમપી કોંગ્રેસે આકાશ વિજયવર્ગીયને નિશાન પર લીધા છે. પિટાઇની વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરતા એમપી કોંગ્રેસે કહ્યું કે જેમણે ભાજપની ચાલ, ચરિત્ર અને ચહેરો સારો હોવાનો થોડોક પણ ભ્રમ હોય તો તેઓ આ વીડિયોને જોઇ પોતાની આંખો ખોલી શકે છે. સંસ્કારોની અર્થી નીકળી રહી છે.