વડોદરા : ભાજપના MLA મધુ શ્રીવાસ્તવે કોરોનાની ગાઇડલાઇનના ઉડાવ્યા લીરેલીરા, માસ્ક પહેર્યા વિના મંદિરમાં સમર્થકો સાથે ડાન્સ કર્યો

0
0

તાજેતરમાં જ કોરોના મુક્ત થયેલા વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગાજરાવાડી હનુમાન મંદિરમાં કોરોના ગાઇડલાઇના ધજાગરા ઉડાવ્યા હતા. મધુ શ્રીવાસ્તવે માસ્ક પહેર્યા વિના જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને મંદિરમાં ડાન્સ કર્યો હતો. શનિવારે મંદિરમાં ભજન ચાલતા હતા. ત્યારે ધારાસભ્ય ભાન ભૂલ્યા હતા અને તેમની સાથે તેમના સમર્થકો પણ માસ્ક પહેર્યા વિના જ ડાન્સ કરવા લાગ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મારા ઘરની પાસે આવેલુ હનુમાનજીનું મંદિર મે બનાવડાવેલુ છે. તો ઘરના મંદિરમાં માસ્ક પહેરવાની જરૂર રહેતી નથી. દર શનિવારે હું હનુમાન ચાલીસાના પાઠ કરૂં છું.

મધુ શ્રીવાસ્તવે માસ્ક ન પહેરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા

20 દિવસ પહેલા જ ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેઓ સાજા થઇને ઘરે પરત ફર્યાં હતા. તેઓ શનિવારે વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં દર્શન માટે ગયા હતા. જ્યાં ભજનનો કાર્યક્રમ હોવાથી મધુ શ્રીવાસ્તવ ડાન્સ કરવા લાગ્યા હતા. જોકે તાજેતરમાં જ કોરોના મુક્ત થયા હોવા છતાં તેઓએ માસ્ક ન પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

મધુ શ્રીવાસ્તવે સોશિયલ ડિસ્ટન્સ પણ ન જાળવ્યું
(મધુ શ્રીવાસ્તવે સોશિયલ ડિસ્ટન્સ પણ ન જાળવ્યું)

 

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મધુ શ્રીવાસ્તવનો વીડીયો વાઇરલ થયો હતો

3 સપ્ટેમ્બરે વાઇરલ થયેલા વીડિયોમાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મારા વાઘોડિયાના ભાઇઓ બહેનોને નમસ્કાર કરૂ છું. કોરોનાની મહામારીની મને અસર થઇ હતી. જે અસર અડધી જતી રહી છે. અડધી બાકી છે. હું આપનો સેવક છું અને સેવક રહેવાનો છું. જ્યાં સુધી મારા શ્વાસ ચાલુ છે, ત્યાં સુધી તમારી સેવા કરવા માટે તત્પર રહીશ. તેવી જ રીતે મારા વડોદરા શહેરના મારા ભાઇઓ બહેનો, મારા કાર્યકરો, મારા પરિવારના લોકો કોઇ ચિંતા કરવાની જરૂર નથી. હું બાહુબલી છું અને બાહુબલી રહેવાનો છું. ચિંતા કરતા નહીં. કોરોનાથી તો લડતો આવ્યો છું અને લડતો રહેવાનો છું. તમારે પણ લડવાનું છે. બધા ભાઇઓ બહેનોએ લડવાનું છે. કોરોનો કશું જ છે નહીં. ખાલી નામનો કોરોના છે. તેની સામે લડતા રહો. તમને ચોક્કસ જીતશો અને હું તો વિજય છું અને વિજય રહેવાનો છું. તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ વીડિયો વાઇરલ કર્યો હતો
(હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ વીડિયો વાઇરલ કર્યો હતો)

 

મધુ શ્રીવાસ્તવ પોઝિટિવ આવ્યા પહેલા તેમના પી.એ.નું મૃત્યુ થયું હતું

ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોના સંક્રમિત થયા તે પહેલા જ તેમના પી.એ. વિજય પરમારનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અત્યાર સુધીમાં વડોદરા જિલ્લાના બે ધારાસભ્યો અને ત્રણ પૂર્વ ધારાસભ્યો કોરોનાને માત આપી ચુક્યા છે.

ગાજરાવાડી હનુમાન મંદિરમાં મધુ શ્રીવાસ્તવ
(ગાજરાવાડી હનુમાન મંદિરમાં મધુ શ્રીવાસ્તવ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here