વડોદરા : ભાજપના MLA સીમાબેન મોહિલે સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા.

0
0

વડોદરા શહેરની અકોટા વિધાનસભા બેઠકના ભાજપના મહિલા ધારાસભ્ય સીમાબેન મોહિલે સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા છે. ધારાસભ્ય સીમાબેન મોહિલેના નામનું નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવનાર સામે સીમાબેન મોહિલેએ વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. ધારાસભ્ય સીમાબેન મોહિલે સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મને અમારા કાર્યકરોએ પૂછ્યુ હતું કે, શું તમે નવા એકાઉન્ટ બનાવ્યા છે, ત્યારે તપાસ કરતા ખબર પડી હતી કે, મારા નામના બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જેથી મે વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.

બોગસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર એકાઉન્ટ બનાવનાર સામે ફરિયાદ
છેલ્લા કેટલાક દિવસથી કાઉન્સિલર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે હવે વડોદરાના અકોટા વિધાનસભાના બેઠકના ધારાસભ્ય સીમાબેન મોહિલના નામથી છેલ્લા કેટલાક દિવસથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ટેલિગ્રામ પર નકલી એકાઉન્ટ ખુલ્યા હતા. જેની જાણ ધારાસભ્ય સીમાબેન મોહિલેને થતાં તેઓએ આ અંગે બોગસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર એકાઉન્ટ બનાવનાર વિરૂદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. ધારાસભ્યની ફરિયાદના આધારે વડોદરા ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

એકાઉન્ટનો કોઇ દુરૂપયોગ ન કરે તે માટે કાર્યવાહી કરવા માંગ કરી
ધારાસભ્ય સીમાબેન મોહિલેએ ક્રાઇમ બ્રાંચમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશનમાં મારા નામથી ખોટુ એકાઉન્ટ બનાવેલ હતુ. જે અમારા કાર્યકર્તાઓને ધ્યાનમાં આવતા તેઓએ મને સંપર્ક કરી આ બાબતે મારું ધ્યાન દોર્યું હતું. જેથી આ સંદર્ભે મારા નામનો સોશિયલ મીડિયામાં ગેરઉપયોગ ના થાય અને કોઇ ખોટુ કાર્ય ના થાય તે માટે આવુ ગેરકાયદે કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવા માટે મારી નમ્ર અરજ છે.

ધારાસભ્યોના સોશિયલ મીડિયા એકાઉન્ટ સેફ નથી, સામાન્ય જનતા સાવચેત રહે
લોકસેવક ગણાતા ધારાસભ્યો અને કાઉન્સિલરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ સુરક્ષિત રહ્યા નથી, ત્યારે સામાન્ય માણસે સોશિયલ મીડિયા પર ખુબ જ સતર્કતા રાખવી જરૂરી બની જાય છે. બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને ભેજાબાજો તેનો છેતરપિંડી કરવા માટે દુરૂપયોગ કરતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here