રાજ્યસભા ચૂંટણી : કોંગ્રેસના બે ઉમેદવાર સામે ભાજપનું પાટીદાર કાર્ડ, નરહરિ અમીન BJPના ત્રીજા ઉમેદવાર

0
126

અમદાવાદઃ આ વખતે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી રસાકસીભરી બની રહેશે. ભાજપ તરફથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની ઉમેદવાર તરીકે જાહેરાત કર્યા બાદ નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. નોંધનીય છેકે કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાને ઉતારતા ભાજપે તેમની સામે પાટીદાર ધારાસભ્યોને આકર્ષવા નરહરિ અમીનને મેદાને ઉતાર્યા છે. ભાજપના ત્રણેય ઉમેદવાર આજે(શુક્રવારે) બપોરે 12:39 મિનિટે ઉમેદવારીપત્ર ભરવા જશે.

ભાજપ પહેલા જ કહી ચૂક્યું હતું કે ત્રણ ઉમેદવાર ઉતરાશે
ભાજપના ખૂબ મોટા ગજાના નેતાઓ પણ સાવ સંકોચ રાખ્યા વગર કહી રહ્યા હતા કે ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપ ત્રણ ઉમેદવારને મેદાને ઉતારશે. આ માટે જોઇતી તમામ તૈયારી થઇ ગઇ હોવાનો વિશ્વાસ આમાં દેખાઇ રહ્યો છે. બુધવારે મોડી સાંજે જ મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક યોજાઇ હતી અને તેમાં કયા નેતાને મેદાને ઉતારવા તેનો વ્યૂહ ઘડાઇ ચૂક્યો હતો. આખરે નરહરિ અમીન પર પસંદગી ઉતારી હતી.

રાજીવ શુક્લા અને શક્તિસિંહ ગોહિલનું નામ આવતા જ કોંગ્રેસમાં ભડકો
કોંગ્રેસ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર રાજીવ શુક્લા અને શક્તિસિંહ ગોહિલને ઉમેદવાર બનાવી રહી છે તેવી ચર્ચા શરૂ થતાં જ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થયો હતો. કોંગ્રેસના નારાજ ધારાસભ્યોએ આ માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરી હતી. રાજ્યમાં ચૂંટણી પૂર્વે જ પક્ષમાં માહોલ ગરમાતા પ્રદેશ પ્રમુખે મવડી મંડળને આ અંગે જાણ કરી હતી. આખરે અસંતુષ્ટ કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યસભામાં કોઇ ખેલ ન બગાડે એ માટે રાજીવ શુક્લાના સ્થાને ભરતસિંહ સોલંકીને કોંગ્રેસ તરફથી ટિકિટ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here