રાજ્યસભા ચૂંટણી : ભાજપે ખેડબ્રહ્માના પૂર્વ MLA રમીલાબેનને ઉમેદવાર બનાવી આદિવાસી કાર્ડ ખેલ્યું

0
18

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે બુધવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ રમીલાબેન બારાનો પણ સમાવેશ કરાતાં સાબરકાંઠા જિલ્લા ભાજપમાં આશ્ચર્ય સાથે ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. રાજકિય જાણકારો મુજબ, અનુ.જાતિ નેતા શંભુનાથ ટૂંડીયા અને રમણલાલ વોરા જૂથની આંતરિક લડાઇમાં ભાજપે અનુ. જનજાતિના ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તો એક વર્ગ તાજેતરમાં આદિવાસી સમાજમાં ઊભા થયેલા આંદોલનને લઇને રમીલાબેનની પસંદગી કરાઇ હોવાનું પણ મનાય છે.

પ્રદેશ ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ અને ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન બારાની ગળથૂથીમાં રાજકારણનો અનુભવ છે. 1984માં રમીલાબેનના પિતા બેચરભાઇ બારા ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી વિજેતા બન્યા હતા. રમીલાબેન વિજયનગરની એમ.એચ. હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. જીપીએસસી સીલેક્ટ થયા બાદ વર્ષ 2001માં મહેસુલ વિભાગમાં નાયબ સચિવ તરીકે હતા, ત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ વિધાનસભા અને એક લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. ટ્રાયબલ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકેનો હવાલો પણ સંભાળ્યો છે.

વર્ષ 2004માં સાબરકાંઠા લોકસભા બેઠક પર મધુસુદન મિસ્ત્રી વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમનો પરાજય થયો હતો. નવેમ્બર 2004માં ખેડબ્રહ્મા બેઠક પર વૈશાલી અમરસિંહ ચૌધરી સામે પેટાચૂંટણીમાં 595 મતે વિજયી બન્યાં હતાં. ત્યાર બાદ વર્ષ 2007 અને 2017માં ખેડબ્રહ્મા બેઠક પર અશ્વિન કોટવાલ સામે હારી ગયાં હતાં.
રમીલાબેને વિસ્તારમાં સંગઠનની કામગીરી ચાલુ રાખી પક્ષને મજબૂત બનાવવા પ્રયત્નશીલ રહ્યાં હતાં. છેલ્લા દસ વર્ષથી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કામ કરી રહ્યાં છે. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમના પક્ષ પ્રત્યેના સમર્પણની કદર કરાઇ હોવાનુ કહેવાય છે. જાણકારો મુજબ, રાજ્યમાં આકાર લઇ રહેલા આદિવાસી આંદોલનોને શમાવવા અને રાજ્યસભાના સભ્ય શંભુનાથ ટૂંડીયાની ખાલી થયેલી બેઠક માટે શંભુનાથ અને રમણલાલ વોરા જૂથ વચ્ચેના ગજગ્રાહને થાળે પાડવા અનુ. જનજાતિનો ચહેરો પસંદ કરાયો છે.

પક્ષે કાર્યકર્તા તરીકેના કામની પસંદગી કરી છે

ખુશીની લાગણી અને ગૌરવ અનુભવું છું કે શીર્ષસ્થ નેતૃત્વએ આવડી મોટી જવાબદારીનું વહન કરવા મારી પસંદગી કરી. ભારતીય જનતા પાર્ટી એવો પક્ષ છે જ્યાં દરેક કાર્યકર્તાના કામની પસંદગી થાય છે. મારા જિલ્લાના જે કોઇ પણ પ્રશ્નો હશે તેનો અવાજ સરકાર સુધી પહોંચાડવા હું માધ્યમ બનીશ તેનો મને આનંદ છે. – રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય ખેડબ્રહ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here