અહેમદ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક મળશે ભાજપ ને…!!

0
20

ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાઈને ગયેલા અહેમદ પટેલના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બેઠકની ચૂંટણી ડિસેમ્બરમાં યોજવા ભાજપે કવાયત હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, બિહારમાંથી રાજ્યસભામાં ચૂટાયેલા કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાના નિધનથી ખાલી પડેલી બેેઠકની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાનાર છે. આની સાથે જ ગુજરાતમાં અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠકની ચૂંટણી યોજવા ભાજપે કેન્દ્રીય ચૂંટણીપંચનું ધ્યાન દોર્યુ છે.

ભાજપ પાસે હાલ વિધાનસભામાં 111 ધારાસભ્યો સાથેનું પૂર્ણ બહુમત છે. તેવા સંજોગોમાં ચૂંટણી આવતા જ આ બેઠક સીધી ભાજપને મળશે. કોઈ પણ તડજોડ વગર ભાજપ આ બેઠક જીતી જશે. આ પહેલા પણ વર્ષ 2016માં કોંગ્રેસના સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલના નિધનથી બેઠક ખાલી પડી હતી. જેમાં ભાજપે પોતાના દિગગજ નેતા પરસોત્તમ રૂપાલાને રાજ્યસભામાં મોકલ્યા હતાં. તે જ રીતે આ વખતે પણ ભાજપ કોઈ જુના જોગીને આ પેટાચૂંટણીમાં ઉતારી શકે છે. વર્ષ 2016 થી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ રસાકસીભરી બની રહી છે. ત્યારે આ વખતની પેટા ચૂંટણીની બેઠક કોઈપણ ઉતાર-ચઢાવ વગર ભાજપને મળી શકે છે.

ભાજપ ફરી બળવંતસિંહ રાજપૂત પર દાવ ખેલી શકે છે

વર્ષ 2017માં જ વિધાનસભા ચૂંટણીઓ પહેલા રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના અહમદ પટેલનો વિજય થયો હતો. તે વખતે તેમની સામે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને ભાજપે ટિકિટ આપી હતી. જો કે ચૂંટણી હાર્યા બાદ રાજપૂતે અહમદ પટેલની જીતને કોર્ટમાં પડકારી હતી અને હજુ પણ આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. તેવા સંજોગોમાં ભાજપ ફરી એકવાર બળવંતસિંહ રાજપૂતને બાકીની ટર્મ માટેની પેટાચૂંટણીમાં ઉતારી શકે છે.

તો બીજી તરફ, કોંગ્રેસ પાસે ફક્ત 65 ધારાસભ્યો છે, તેવા સંજોગોમાં કોંગ્રેસ આ બેઠક જાળવી શકે તેમ નથી. જો ભાજપ કોઈ ઉમેદવાર ન ઉતારે તો જ આ બેઠક કોંગ્રેસને મળે તેમ છે. પણ ભાજપની રાજ્યસભા બેઠકો માટેની રણનીતિ જોતા ભાજપ આસાનીથી મળી રહેલી આ બેઠક જવા દે તેવા કોઈ સંજોગો દેખાતા નથી.

ગુજરાતમાં ધારાસભ્યોની સભ્ય સંખ્યા જોતા, એક બેઠક માટે યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો નિશ્ચિત વિજય થશે. શક્ય હશે તો ભાજપમાંથી જે કોઈ ઉમેદવાર ઊભા રહેશે તે મોટાભાગે બિનહરીફ થઈ શકે છે.

ભાજપ પાસે રાજ્યસભામાં હાલ 93 બેઠકો છે અને સૌથી મોટો પક્ષ છે. ભાજપ એકલા હાથે રાજ્યસભામાં બહુમતી મેળવવા માંગે છે અને એટલે જ એક-એક બેઠક માટે એડીચોટીનું જોર લગાવે છે. રાજ્યસભામાં ભાજપને બહુમતી મળે તો અન્ય પક્ષો પરનો આધાર ઘટે અને પોતાના એજન્ડા, વચનો અનુસારના કાયદા પસાર કરાવવામાં સરળતા રહે.

આમ ગુજરાતની વધુ એક રાજ્યસભા બેઠક ભાજપને મળવાનું નિશ્ચિત છે. હાલ ગુજરાતની 11 બેઠકમાંથી ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 3 બેઠક છે. 1 બેઠક હાલ ખાલી છે. જેની ચૂંટણી થોડા દિવસોમાં જાહેર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here