ભાજપમાં 6 મહાનગરપાલિકાના મેયર નક્કી કરવા પાર્લામેન્ટ્રી બેઠક મળશે, ત્રણ નામની પેનલો પૈકી એકને પસંદ કરીને નિયુક્ત કરાશે

0
14

ગુજરાતના છ મહાનગરોની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યા બાદ મેયરની પસંદગી પ્રક્રિયા શરૂ કરવા માટે આગામી બે દિવસમાં જ ભાજપની પ્રદેશ પાલર્મિેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં ત્રણ નામની પેનલો પૈકી એકને પસંદ કરીને મેયર પદે નિયુક્ત કરાશે. અનામતના નિયમ પ્રમાણે છ પૈકી પ્રથમ અઢી વર્ષ માટે ત્રણ શહેરોમાં મહિલા મેયર સત્તારૂઢ થશે. સામાન્ય રીતે ભાજપે ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી સમયે જ મેયર તરીકે કેટલાક નામોની ચર્ચા કરી લીધી જ હતી, હવે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં મેયરપદની પેનલ પર ચર્ચા કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવશે. જ્યાંથી નામ ફાઇનલ થયા બાદ આવતા અઠવાડિયામાં જે તે શહેરમાં પાર્ટીના મેયરની વરણી કરાશે. એવી જ રીતે મહાનગરના અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવશે.

મેયરની પસંદગી માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે

મેયરની પસંદગી માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે

અમદાવાદમાં પહેલી ટર્મમાં અનુસૂચિત જાતિ માટે મેયરનું પદ અનામત

વિધાનસભાની 2022ની ચૂંટણીને ધ્યાને લઇને મેયર અને અન્ય હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે. અમદાવાદમાં પહેલી ટર્મમાં અનુસૂચિત જાતિ માટે મેયરનું પદ અનામત છે અને બીજી ટર્મમાં મહિલા અનામત છે. અમદાવાદમાં ભાજપને 159 અને કોંગ્રેસને માત્ર 25 બેઠકો મળી છે. સુરતમાં પહેલાં મહિલા અને પછી જનરલ કેટેગરીના મેયર આવશે. સુરતમાં ભાજપને 93 અને આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી છે. વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં હશે. સુરતમાં મેયર પદ માટે પાટીદાર નેતાની પસંદગી કરવામાં આવે તેવી સંભાવના છે.

ભવ્ય જીત બાદ ખાનપુર કાર્યાલય પહોંચેલા ભાજપના કોર્પોરેટરો

ભવ્ય જીત બાદ ખાનપુર કાર્યાલય પહોંચેલા ભાજપના કોર્પોરેટરો

વડોદરામાં પહેલાં જનરલ ઉમેદવાર, બીજી ટર્મમાં મહિલા ઉમેદવાર છે

બીજી તરફ વડોદરામાં પહેલાં જનરલ ઉમેદવાર છે અને બીજી ટર્મમાં મહિલા ઉમેદવાર છે. વડોદરામાં ભાજપને 69 અને કોંગ્રેસને માત્ર સાત બેઠકો મળી છે. રાજકોટમાં પહેલાં OBC ઉમેદવાર અને બીજીવાર મહિલા ઉમેદવાર છે. રાજકોટમાં ભાજપ 68 અને કોંગ્રેસ માત્ર ચાર બેઠકોમાં છે. ભાવનગરમાં પહેલા મહિલા અને પછી OBC ઉમેદવાર રહેશે. આ શહેરમાં ભાજપને 44 અને કોંગ્રેસને આઠ બેઠકો મળી છે. જામનગરમાં પહેલા અઢી વર્ષ માટે મહિલા અને બીજા અઢી વર્ષ માટે શિડ્યુઅલ કાસ્ટના ઉમેદવારને મેયર બનવાની તક મળશે. આ શહેરમાં ભાજપને 50 અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે. રાજ્યના છ શહેરોમાં ટૂંક સમયમાં મેયર પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

હાઈકમાન્ડને લીસ્ટ મોકલાશે બાદમાં મેયર નક્કી થશે

હાઈકમાન્ડને લીસ્ટ મોકલાશે બાદમાં મેયર નક્કી થશે

સામાન્ય વ્યક્તિ ભાજપનો મેયર બની શકે તેવો સંદેશો આપી શકે

અમદાવાદમાં ભાજપના અગ્રણીઓ હાલ મોટી બહુમતી મળ્યા બાદ એક સામાન્ય વ્યક્તિ પણ મેયર પદ મેળવી શકે છે તેવો મેસેજ આપશે તેવું માનવામાં આવી રહ્યું છે. પાર્લામેન્ટરી બોર્ડ અને વરિષ્ટ નેતાઓ હવે અમદાવાદ મેયર માટે અલગ-અલગ સમીકરણ ચકાસી રહ્યા છે. જેમાં હાલ પૂર્વ વિસ્તારમાં એકદમ સામાન્ય ઘરમાં રહેતા કિરીટ પરમારનું નામ મેયરપદની રેસમાં ચાલી રહ્યુ છે. તેઓ 2 ટર્મ કોર્પોરેટર રહી ચુક્યા છે તેમજ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. સામાન્ય ગરીબ પરિવારમાં આજે પણ રહે છે. જેમને મેયર બનાવીને ભાજપ સામાન્ય વ્યક્તિ પણ ભજપનો મેયર બની શકે છે તેવો મેસેજ આપવા માંગે છે. બીજીતરફ RSSમાં ઘણા સમયથી સક્રિય રહેલા હિમાંશુ વાળા પણ આ સમયે મેયર તરીકે ચર્ચાતું નામ છે. તેઓ બેંકની નોકરી છોડીને સક્રિય રાજકારણમાં આવ્યા છે અને તેમનું પણ નામ હાલ ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ ડેપ્યુટી મેયર તરીકે સરસપુરના ભાસ્કર ભટ્ટ અને જતીન પટેલના નામ ચર્ચામાં છે. જેઓના નામની હાલ ઉચ્ચ લેવલે ધ્યાને લેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here