ગાંધીધામ : વાગડના રસ્તા 3 મોત સાથે રક્તરંજીત, માતાના મઢ દર્શનાર્થે આવેલું દંપતિ ટ્રક અડફેટે ખંડિત થયું

0
46

ગાંધીધામઃ ભચાઉ નજીક અવાર નવાર જીવલેણ અકસ્માતોની ઘટના સર્જાતી જ રહે છે, જેમાં એક જ દિવસમાં જીવલેણ અકસ્માતોની ત્રણ ઘટનાઓ પોલીસ ચોપડે ચડી છે. સામખીયાળી પાસે ટ્રક અડફેટે સુરેન્દ્રનગરના કુકડી ગામથી માતાના મઢ દર્શન કરી પરત ફરી રહેલું દંપતિ ખંડિત થયું હતું જેમાં યુવાન પરિણીતાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, ચોપડવા પાસે પદયાત્રીકો માટેના સેવા કેમ્પમાં સેવા કરવા જઇ રહેલા યુવાનનું અજાણ્યા વાહન અડફેટે મોત નિપજ્યું છે તો આધોઇ પાસે બે બાઇક ટકરાતાં એક મહીલાનું મોત નિપજ્યું છે તો બે ઘાયલ થયા છે.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ માતાના મઢ દર્શન કરી પરત ફરી રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના કુકડા ગામના રહીશ 45 વર્ષીય ભરતભાઈ ઘાઘરેટીયા (પટેલ) પત્ની રંજનબેન અને 10 વર્ષના સંતાનને લઇ પોતાના જીજે-13-એસ-8244 નંબરના બાઇક પર માતાના મઢ દર્શનાર્થે ગયા હતા. ત્યા઼થી સુરેન્દ્રનગર પરત ફરી રહ્યા હતા ત્યારે સામખિયાળી ચાર રસ્તા પાસે પુરપાટ આવી રહેલા જીજે-37-ટી-6357 નંબરની ટ્રકના ચાલકે આ બાઇક સવાર દંપતિને અડફેટે લેતાં ભરતભાઇ ઉછળીને સાઇડમાં પડ્યા હતા પરંતુ તેમના 40 વર્ષીય પત્ની રંજનબેન પર ટ્રકનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું હતું. ભરતભાઇને પણ ઇજા પહોંચી હતી પણ 10 વર્ષીય પુત્રને કોઇ ઇજા પહોંચી ન હતી.

આ બાબતે ભચાઉ તાલુકા પંચાયતના સભ્ય હરીભાઇ હેઠવાડીયા એ રોષ સાથે જણાવ્યું હતું કે અવારનવાર અહી થતા અકસ્માતો બાબતે અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય પગલાં ન લેવાતા આવા અકસ્માતો રોજીંદા બન્યા છે ત્યારે અહી યોગ્ય પગલાં લઈ અહી બની ગયેલા અકસ્માત ઝોન ને અટકાવવા તાત્કાલિક અસરથી પગલાં લેવા માંગ કરી હતી. મુળ રાપરના અને હાલે ચોપડવા રહેતા અને શિવધારા પાણીના બોરમાં નોકરી કરતા 50 વર્ષીય લખમણભાઇ જગાભાઇ ભરવાડે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તેનો 40 વર્ષીય નાનો ભાઇ માવજી જે રાપરના થોરીયારી ખાતે રહે છે અને ત્રણ દિવસથી ચોપડવા તેમના ઘરે આવ્યો હતો.

તા.27/9ના વહેલી સવારે પાંચ વાગ્યાના આરસામાં તેઓ ઉઠી ગયા હતા અને છ વાગે તેમનો નાનો ભાઇ માવજી પણ ઉઠી ગયો હતો અને તેણે અંકુર સોલ્ટ પાસે માતાના મઢ જતા પદયાત્રિકો માટે થતા સેવા કેમ્પમાં જવાનું કહ્યું હતું અને ઘરેથી નિકળ્યો હતો. ત્યારબાદ ફરિયાદી પણ ખરીદી માટે ભચાઉ નિકળી ગયા હતા. સવારે 10 વાગ્યાના આરસામાં તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમના કૌટુંબિક ભત્રીજા લાખાભાઇએ તેમને જણાવ્યું હતું કે, ચોપડવાના બ્રીજ પાસે શ્રી રામ સોલ્ટ કંપનીની સામે સર્વિસ રોડ ઉપર તેમના નાના ભાઇ માવજીને કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં અકસ્માત થયો છે. ભચાઉના સરકારી હોસ્પિટલ જઇ ને જોયું તો માવજીનું માથું છૂંદાઇ જવાથી ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. ભચાઉ પોલીસે જીવલેણ અકસ્માત કરી નાસી જનાર અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તો આધોઇ પાસે રામપર સરદારનગર પાસે પુરપાટ જઇ રહેલા બે બાઇકો અથડાઇ જતાં એક બાઇક પર સવાર 34 વર્ષીય પુરીબેન ભીગાભાઇ કોલીને ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું મોત નિપજ્યું હતું, તો તેમના પતિ ભીગાભાઇને ઇજાઓ થતાં હાલ ભચાઉ ખાતે સારવાર માટે ખસેડાયા છે તો સામે ભટકાયેલી બાઇકના સવાર જગશી ગોવાભાઇ કોલીને પણ ગંભીર ઇજા પહોંચી હતી જેને વધુ સારવાર માટે ગાંધીધામ ખસેડાયો છે.

સામખીયાળીના અકસ્માતમાં માતાનું મોત, 10 વર્ષના બાળકનો બચાવ
સામખિયાળી ચાર રસ્તા પર સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં કુદરતી ચમત્કાર એ પણ હતો કે આ દંપતી સાથે રહેલા દશ વર્ષ ના બાળકને કુદરતે ખરોચ પણ પડવા ન દઈ ને ઈશ્વરીય શક્તિને સર્વોપરી ઠેરવી હતી અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો હાલે આ મહિલાને લાકડીયા હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડવામાં આવ્યા હતા તો ભરતભાઈ ને સારવાર માટે ભચાઉ ખસેડવામાં આવ્યા છે, સ્થાનિક પોલીસે ત્વરિત ટ્રાફિક હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here