BMCએ બોમ્બે હાઇકોર્ટને કહ્યું – પિટિશનર (સોનુ સૂદ) આદતથી ગુનેગાર છે અને ગેરકાયદેસર રીતે પૈસા કમાવવા ઈચ્છે છે

0
7

લોકડાઉન દરમ્યાન જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલા એક્ટર સોનુ સૂદ પ્રત્યે BMCનું કડક વલણ દેખાઈ રહ્યું છે. બોમ્બે હાઇકોર્ટમાં ફાઈલ થયેલા એફિડેવિટમાં BMCએ કહ્યું કે સોનુ સૂદ ટેવાયેલો ગુનેગાર છે, જે અગાઉની બે વખતની તોડફોડની કાર્યવાહી છતાં જુહુમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહે છે.

ગેરકાયદેસર બાંધકામથી પૈસા કમાવવા ઈચ્છે છે

BMCએ તેના એફિડેવિટમાં કહ્યું કે પિટિશનર (સોનુ સૂદ) આદતથી ગુનેગાર છે અને ગેરકાયદેસર રીતે પૈસા કમાવવા ઈચ્છે છે. તેમણે લાઇસન્સ વિભાગની અનુમતિ વગર ઘ્વસ્ત કરાયેલા ભાગનું ફરીવાર ગેરકાયદેસર રીતે નિર્માણ કરાવ્યું, જેથી આ હોટલ તરીકે યુઝ થઇ શકે.

શરદ પવારને મળ્યો સોનુ સૂદ

આ વિવાદ વચ્ચે મંગળવારે સાંજે સોનુ સૂદ NCPના પ્રમુખ શરદ પવારને મળ્યો હતો. બંને વચ્ચે અંદાજે અડધો કલાક સુધી વાતચીત થઇ. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનુએ પવારને કહ્યું કે તેણે કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી કર્યું. અમુક લોકો તેને બદનામ કરવા ઈચ્છે છે.

ગયા વર્ષે પહેલીવાર નોટિસ ફટકારવામાં આવી

BMCએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સોનુને નોટિસ આપી હતી. તેણે આ નોટિસને ડિસેમ્બરમાં કોર્ટમાં પડકારી હતી, પણ તેની યાચિકા રિજેક્ટ થઇ હતી. ત્યારબાદ તેણે બોમ્બે હાઇકોર્ટનો સહારો લીધો. આના પર હાઇકોર્ટે BMCને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું.

સોનુ પર રહેઠાણને હોટલમાં ફેરવવાનો આરોપ

BMC તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સૂદે મુંબઈમાં એ બી નાયર રોડ સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર હોટલ બનાવી દીધી છે. શક્તિ સાગર 6 માળની એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. આ મહારાષ્ટ્ર રિઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટના સેક્શન 7 હેઠળ દંડનીય અપરાધ છે. એવો પણ આરોપ છે કે સોનુ નોટિસ મળ્યા બાદ પણ બિલ્ડિંગમાં સતત ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહ્યો.