અમદાવાદ : સ્કૂટર પર સેનિટાઈઝિંગ સર્વિસ લખેલું બોર્ડ લઈને ફરતાં બેને પોલીસે રોક્યા તો ડીકીમાંથી 65 હજારનો દેશી દારૂ પકડાયો

0
71

અમદાવાદ: કોરોનાવાયરસના પગલે અમદાવાદ સહિત દેશભરમાં લૉકડાઉનનો અમલ ચાલી રહ્યો છે. જોકે લોકોને જીવન જરૂરી વસ્તુઓ મેળવવામાં કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર અને પોલીસે કેટલીક છૂટછાટો પણ આપી છે. જોકે કેટલાક ભેજાબાજ આ છૂટછાટનો દુરુપયોગ કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. સરકારે આવશ્યક ચીજવસ્તુની હેરફેરને મંજૂરી આપી છે. આ છૂટનો ગેરલાભ ઊઠાવી બહેરામપુરામાં સેનિટાઈઝિંગ સર્વિસ પૂરી પાડવાના બહાના હેઠળ બે વ્યક્તિ એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતા ઝડપાઇ ગઈ હતી.

Rs. 65 thousands liquor found from the two wheeler at Ahmedabad during lock down

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લાૅકડાઉન છતાં ઘણા બધા લોકો કોઈ ને કોઈ બહાને  બહાર આવી જતાં હોવાથી પોલીસે શહેરભરમાં મુખ્ય રોડ પર પોઈન્ટ ગોઠવી દીધા છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બહેરામપુરા પોલીસચોકી ચાર રસ્તા પાસે ફરજ બજાવી રહેલા પીએસઆઇ પી. કે. ગોહિલ અને સ્ટાફના માણસો વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ વખતે લાલ કલરના એક એક્ટિવા પર સેનિટાઈઝિંગ સર્વિસ, ગવર્મેન્ટ એપ્રુવ્ડ લખેલું કાગળ ચીપકાવી બે વ્યક્તિ આવતી હતી. પોલીસે તેમને અટકાવી પૂછપરછ કરતા બંને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે એક્ટિવાની ડેકીમાં તપાસ કરતા તેમાંથી દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી. પોલીસે સેનિટાઈઝિંગ સર્વિસના નામે દેશી દારૂની હેરાફેરી કરતા બે વ્યક્તિઓ કિશન ગામો મનોજ સોલંકી (ઉ. 22, એહમદ કસાઈની ચાલી બહેરામપુરા) તથા  પ્રકાશ ઉફેઁ બાબુ હરિભાઈ પરમાર (ઉં.24, બળિયાદેવના છાપરા બહેરામપુરા) ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૬૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દેશી દારૂનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાનો છે તે અંગે પોલીસે પૂછપરછ પણ શરૂ કરી છે. આમાં કોઈ બુટલેગરનો હાથ હોવાની શંકા છે.

સેવાના નામે હેરાફેરીથી પોલીસને આશ્ચર્ય

પોલીસ સૂત્રોએ કહ્યું કે, સેવાના નામે દારૂની હેરાફેરીનું આ કૃત્ય પકડાતાં પોલીસ બેડામાં પણ ભારે આશ્ચર્ય થયું છે. સરકાર કે પોલીસ તંત્ર જ્યારે લોકોને હાલાકી ન પહોંચે તે માટે જરૂરી છૂટછાટ આપતી હોય ત્યારે તેનો દુરુપયોગ કરનારા સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગોમતીપુરમાં દારૂના પૈસા ન આપનારના હાથ પર મિત્રે બચકાં ભર્યાં

દારૂ અંગેની અન્ય એક ફરિયાદ અનુસાર ગોમતીપુરમાં યુવકને તેના મિત્રએ  દારૂ પીવાના પૈસા માંગ્યા હતા, જોકે યુવકે  તેને દારૂ પીવાના પૈસા ના આપતા નારાજ બનેલા મિત્રે યુવક  સાથે ઝઘડો કરી ડાબાહાથના કાંડા પર  બચકું ભરી લીધું હતું. જેથી ઈજાગ્રસ્ત યુવકે તેના મિત્રના વિરુદ્ધમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોમતીપુરમાં  ભીખાભાઈ જીવાભાઈની ચાલીમાં રહેતા દીપક શર્મા ગુરુવારે ઘરનો કરિયાણાનો સામાન લેવા માટે ઘરની બહાર નીકળ્યો હતો ત્યારે તેની ચાલીમાં રહેતો સોનુ ઉર્ફે સોનડા ગોસ્વામી મળ્યો હતો. સોનુએ દીપકભાઈ પાસે જઈને જણાવ્યું હતું કે, ‘મારે દારૂ પીવા જવું છે અને મારે માત્ર રૂ.300 ની જરૂર છે મને ઉછીના આપ,’, આથી દીપકે પૈસા નથી તેમ જણાવતાં સોનુ નારાજ થયો હતો અને તેની સાથે બોલચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો.  ત્યારબાદ સોનુ ગાળો બોલવા લાગ્યો જેથી દીપક ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા સોનુએ ઝપાઝપી શરૂ કરીને દીપકના ડાબાહાથના કાંડા પર બચકું ભરી લીધું હતું,  આ ઘટના જોઈ આસપાસના લોકો ભેગા થઈ જતા સોનુ ત્યાંથી નાસી ગયો હતો. ત્યારબાદ દીપકભાઈ ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે સોનુ  ગોસ્વામીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here