અમદાવાદ : આજથી ફેરિયાઓ-દુકાનદારો માટે માસ્ક ફરજીયાત, AMCનું તમામ વોર્ડમાં ચેકિંગ, બોડકદેવનું અમૂલ પાર્લર સીલ

0
6

અમદાવાદ. શહેરમાં 29 એપ્રિલની સાંજથી 30 એપ્રિલની સાંજ સુધીમાં કોરોનાના 249 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 12ના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ દર્દી 3026 નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 149 થયો છે. આ ઉપરાંત અત્યાર સુધી કુલ 313 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આજથી શહેરમાં દુકાનદારો, ફેરિયાઓએ માસ્ક પહેરવું ફરજીયાત છે. જે દુકાનદારોએ માસ્ક ન પહેર્યું હોય તેને રૂ. 5000નો અને ફેરિયાઓને રૂ. 2000 સુધીનો દંડ ફટકારાશે. જ્યારે સુપરમાર્કેટ્સને રૂ.50 હજારનો દંડ ફટકારાશે. જેને પગલે AMCએ શહેરના 48 વોર્ડમાં ચેકિંગ હાથ ધર્યું છે. આ ચેકિંગ દરમિયાન બોડકદેવમાં આવેલા અમૂલ પાર્લરે દંડ ન ભરતા સીલ મારવામાં આવ્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સ નહિ જાળવે લાયસન્સ પણ રદ થશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા દુકાનદારોને માસ્ક પહેરવા અને જાગૃતિ લાવવા માટે લાઉડસ્પીકરથી જાહેરાત અને બેનરો લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જો દુકાનદાર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ નહિ જાળવે તો કોર્પોરેશન તેનું શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળનું લાયસન્સ પણ રદ કરી શકે છે. આજે સવારથી કોર્પોરેશનની ટીમો ચેકિંગમાં નીકળી છે. બોડકદેવ વિસ્તારમાં લાઉડસ્પીકરથી દુકાનદારોએ માસ્ક પહેરવાની જાહેરાત કરવામાં આવી રહી છે. દુકાનદાર, શાકભાજી, ફેરિયાઓએ માસ્ક નહિ પહેર્યું હોય તેને દંડ ફટકારશે.

અમદાવાદ જિલ્લામાં વધુ 4 કેસ નોંધાતા કુલ 37 કેસ

કોરોના વાઇરસનો ફેલાવો હવે જિલ્લામાં પણ પ્રસર્યો છે. ગુરુવારે અમદાવાદ જિલ્લામાં ચાર પોઝિટિવ કેસ બાદ આજે બોપલમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. બોપલમાં આવેલ કદંબ ફ્લેટમાં એક જ પરિવારના બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક મહિલાનો રિપોર્ટ બપોર બાદ આવશે. વધુ બે કેસ નોંધાતા બોપલમાં કુલ પાંચ કેસ થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં કુલ 37 કેસ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here