બોલિવૂડ : 22 માર્ચના રોજ ફિલ્મના લેખક સાગર સરહદીનું 88 વર્ષની ઉંમરમાં નિધન

0
5

બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર તથા રાઈટર સાગર સરહદીનું અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતા. 22 માર્ચના રોજ તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને થોડાં દિવસ પહેલાં હૃદયની બીમારીને કારણે સાયન, મુંબઈની કાર્ડિયેક કેર હોસ્પિટલના ICUમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સરહદીએ સ્મિતા પાટિલ તથા નસીરુદ્દીન શાહની ફિલ્મ ‘બાઝાર’ને ડિરેક્ટ કરી હતી. ફારુખ શેખ, નસીરુદ્દીન તથા શબાનાની ફિલ્મ ‘લોરી’ પ્રોડ્યૂસ કરી હતી. રીતિક રોશન તથા અમીષા પટેલની ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ના સ્ક્રીનરાઈટર હતા.

અશોક પંડિતે માહિતી શૅર કરી
ફિલ્મમેકર અશોક પંડિતે સો.મીડિયામાં કહ્યું હતું, ‘હાર્ટ અટેકને કારણે જાણીતા લેખક, ડિરેક્ટર સાગર સરહદીજીનું અવસાન થયું. આ સમાચાર સાંભળીને ઘણું જ દુઃખ થયું. રાઈટર તરીકે તેમની જાણીતી ફિલ્મ ‘કભી કભી’, ‘નૂરી’, ‘ચાંદની’, ‘દૂસરા આદમી’, ‘સિલસિલા’ છે. તેમણે ‘બાઝાર’ને ડિરેક્ટ કરી હતી. તેમના જવાથી ઈન્ડસ્ટ્રીને ઘણું જ નુકસાન થયું છે. ઓમ શાંતિ.’

‘સિલસિલા’ ફિલ્મનો સ્ક્રીનપ્લે લખ્યો હતો
સરહદીને ખાસ કરીને સ્ક્રીનપ્લે તથા ડાયલોગ રાઈટર તરીકે ઓળખવામાં આવતા હતા. તેમણે હની ઈરાની તથા રવિ કપૂરની સાથે મળીને ‘કહોના પ્યાર હૈ’નો સ્ક્રીનપ્લે લખ્યો હતો. તે યશ ચોપરાની સાથે અમિતાભ બચ્ચન, શશિ કપૂર, રેખા તથા જયા બચ્ચનની ફિલ્મ ‘સિલસિલા’ના સ્ક્રીનરાઈટર હતા. આ ઉપરાંત તેમણે રિશી કપૂર, દિવ્યા ભારતી તથા શાહરુખની ફિલ્મ ‘દીવાના’ની સ્ક્રિપ્ટ પણ લખી હતી. ‘કભી કભી’, ‘નૂરી’ તથા ‘ચાંદની’ના સંવાદો સરહદીએ લખ્યા હતા.

સાચું નામ ગંગા સાગર તલવાર હતું
સરહદીનો જન્મ 1933માં થયો હતો. તેમના પેરેન્ટ્સે તેમનું નામ ગંગા સાગર તલવાર રાખ્યું હતું. પછી ફિલ્મમાં એન્ટ્રી લીધા તે પહેલાં તેમણે પોતાનું નામ બદલીને સાગર સરહદી કર્યું હતું. તેઓ ઉર્દૂ રાઈટર હતા અને તેમણે અનેક નાની વાર્તાઓ તથા પ્લે પણ લખ્યા હતા.

માનવામાં આવે છે કે ભારત તથા પાકિસ્તાનના ભાગલાએ તેમને લખવા માટે પ્રેરિત કર્યા હતા. સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ સરહદી મુંબઈ આવ્યા હતા. અહીંયા તેમના ભાઈ કાપડની દુકાન ચલાવતા હતા. કોલેજ પૂરી થયા બાદ તેમણે સિનેમામાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમને પહેલો બ્રેક ફિલ્મ ‘પત્ની’થી મળ્યો હતો. 1970માં રિલીઝ થયેલી આ ફિલ્મના ડિરેક્ટર વી આર નાયડુ હતા. ત્યારબાદ 1971માં બાસુ ભાટ્ટાચાર્યની ફિલ્મ ‘અનુભવ’ના સંવાદો લખ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here