મેચ ફિક્સીંગના આરોપી બુકી સંજીવ ચાવલાને ભારત લવાયો, હવે ફિક્સીગના નવા ફણગા ફૂટશે

0
12

ક્રિકેટમાં મેચ ફિક્સીંગ કાંડનો એક આરોપી એવો બુકી સંજીવ ચાવલાને બુધવારે અહીં ભારતને પ્રત્યાર્પિત કરી દેવાયો હતો અને ગુરૂવારે વહેલી સવારે દિલ્હી પોલીસની એક ટીમ તેને લંડનથી દિલ્હીના્ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લઇને આવી પહોંચી હતી. સંજીવ ચાવલા બહું ગાજેલા હેન્સી ક્રોનિયા મેચ ફિક્સીંગ રેકેટમાં સામેલ હતો. જેનો ભંડો દિલ્હી પોલીસે 2000માં ફોડ્યો હતો. મેચ ફિક્સીંગના આરોપ લાગ્યા બાદ સંજીવ ચાવલા લંડન ભાગી ગયો હતો અને દિલ્હી પોલીસના સતત પ્રયાસો અંતે સફળ થયા હતા અને તેને ભારત પાછો લાવવામાં તેમને સફળતા મળી હતી.

1990ના દશકમાં ડી કંપની માટે મુખ્ય બુકી બનેલા સંજીવ ચાવલાના પ્રત્યાર્પણથી 1992માં બંને દેશ વચ્ચે થયેલી પ્રત્યાર્પણ સંધીનો આ પહેલો હાઇ પ્રોફાઇલ કિસ્સો બનશે. સૂત્રોએ માહિતી આપી હતી રકે સંજીવ ચાવલાને એર ઇન્ડિયાના વિમાન દ્વારા ગુરૂવારે વહેલી સવારે દિલ્હી લવાશે. ચાવલાને હિરાસતમાં લેવા માટે દિલ્હી પોલીસના નાયબ કમિશનર રામ ગોપાલ નાઇક પોતાની ટીમ સાથે હાલમાં લંડનમાં જ છે અને ગૃહ વિભાગના આદેશની રાહ જોઇ રહ્યા છે. ચાવલા જામીન પર મુક્ત હતો અને ભારતીય સત્તાધીશોને તેની સોંપણી કરવાની હોવાથી તેને મેટ્રોપોલિટન પોલીસે તાત્કાલિક પોતાની કસ્ટડીમાં લઇ લીધો હતો.

2000માં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર ઇશ્વર સિંહે એક ટેલિફોનિક વાતચીતના રેકોર્ડીંગમાં હેન્સી ક્રોન્યે અને સંજીવ ચાવલા મેચ ફિક્સીંગ બાબતે વાચતીત કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. પ્રારંભે ક્રોનિયેએ તમામ આરોપ નકાર્યા હતા પણ પછીથી તેણે સ્વીકારી લીધું હતું કે તે મેચ ફિક્સીંગમાં સામેલ હતો. આ દરમિયાન ચાવલા લંડન ભાગી ગયો અને ત્યાં જઇને તેણે 2005માં લંડનનું નાગરિકત્વ લઇ લીધું અને ત્યાંથી તેણે પાસપોર્ટ પણ મેળવી લીધો હતો.