અમદાવાદ : સોલા વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતા બુટલેગરની ધરપકડ

0
14

ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં ખુલ્લેઆમ દારૂની રેલમ છેલ જોવા મળતી હોવાના આક્ષેપો વારંવાર ઉઠે છે એટલું જ નહીં પણ આ મામલે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ ઉપર પણ વારંવાર આંગળી ઉઠે છે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં રોજેરોજ દરોડા પાડવા છતાં વિદેશી કે ઈંગ્લીશ દારૂ ખુટતો નથી. દારૂબંધી છતાં દારૂની ભારે માંગ હોવાથી બુટલેગરો રાજ્યનાં ખુણે ખુણા સુધી દારૂ પહોંચાડી રહ્યાં છે. આ સ્થિતિમમાંથી અમદાવાદ શહેર પણ બાકાત નથી.

ત્યારે શહેરના સોલા, થલતેજ અને આસપાસના પોશ વિસ્તારમાં ઊંચી બ્રાન્ડના મોંઘા દારૂની હોમ ડિલિવરી કરતાં બુટલેગરની સોલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 4.45 લાખની મોંઘા દારૂની 120 બોટલો કબ્જે કરી હતી. આરોપીએ દારૂ મુકવા ગોતામાં મકાન ભાડે રાખ્યું હતું.

સોલા પોલીસને બાતમી મળી હતી કે, સોલા સાયન્સ સીટી રોડ પર રહેતો કમલેશ પટેલ દારૂની હોમ ડિલિવરી કરે છે અને ગોતામાં વીર સાવરકર હાઇટ્સના મકાનમાં દારૂ છુપાવ્યો છે જેના આધારે વોચ ગોઠવતા એક મોપેડ પર કમલેશ આવતા તેને ઝડપી લીધો હતો. પૂછપરછ કરતા મકાનમાં દારૂ છુપાવ્યો હોવાનું કહેતા પોલીસે મકાનમાં તપાસ કરી હતી. અલગ અલગ બ્રાન્ડની દારૂની એક બોટલની રૂ. 2000થી લઇ 5500 સુધીની કુલ 117 અને ડેકીમાંથી 3 બોટલ મળી કુલ 120 બોટલો રૂ. 4.45 લાખની મળી આવી હતી. સોલા અને આસપાસના વિસ્તારોમાં હોમ ડિલિવરી કરતો હતો. સોલા પોલીસે કુલ 4.83 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી કોને કોને દારૂ સપ્લાય કરતો હતો અને દારૂ ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here