બોર્ડર વિવાદ – ચીન વિદેશ મંત્રાલયે કહ્યું- ગલવાન વેલી અમારી સીમામાં, ભારત અહીં બળજબરીથી રસ્તા અને પુલ બનાવી રહ્યું છે

0
6
આ તસવીર મનાલી-લેહ હાઇવેની છે. શુક્રવારે સેનાનો કાફલો સરહદ પર જતા જોવા મળ્યો હતો. ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ભારતે તેની તમામ સરહદોને એલર્ટ પર રાખી છે.
આ તસવીર મનાલી-લેહ હાઇવેની છે. શુક્રવારે સેનાનો કાફલો સરહદ પર જતા જોવા મળ્યો હતો. ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ભારતે તેની તમામ સરહદોને એલર્ટ પર
  • ચીને 4 દિવસમાં પાંચમી વાર ગલવાન ઘાટી ઉપર પોતાનો દાવો કર્યો
  • ભારતીય જવાનોએ LAC ક્રોસ કરી ચીની સૈનિકો પર હુમલો કર્યાનો રાગ આલાપ્યો

સીએન 24,ગુજરાત

બીજિંગ/નવી દિલ્હી. શુક્રવારે મોડી રાત્રે ચીને ફરીથી ગલવાન વેલીને તેની પોતાની ગણાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને જણાવ્યું હતું કે ગલવાન ઘાટી ચીનનો ભાગ છે અને લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ (LAC)થી અમારી તરફ છે. ભારતીય સૈનિકો અહીં બળજબરીથી રસ્તાઓ અને પુલો બનાવી રહ્યા છે. ચીનના અલગ અલગ અધિકારીઓએ ચાર દિવસમાં પાંચમી વખત જણાવ્યું હતું કે 15 જૂનની સાંજે ભારતીય સૈનિકોએ ઇરાદાપૂર્વક LACને પાર કરી હતી અને કરારને તોડતાં ચિની સૈનિકો પર હુમલો કર્યો હતો.

લિજિયને કહ્યું કે, 15 જૂનની ઘટના માટે ભારત જવાબદાર છે. તેમણે જણાવ્યું હતું કે ગલવાન વેલી LACના ચીની ભાગમાં પડે છે. ચીની ગાર્ડસ ઘણાં વર્ષોથી ત્યાં પેટ્રોલીંગ કરી રહ્યા છે અને તેમની ફરજો બજાવે છે.

મોદીએ કહ્યું- દેશની એક ઇંચ જમીન પણ કોઈ નજર નાખી શકશે નહીં
શુક્રવારે સરકારે ભારતીય સૈનિકોની શહાદત અને ગલવાનમાં ચીની સૈનિકો પરના હુમલા અંગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે અમારી સેનાઓને પગલા ભરવાની પૂર્ણ સ્વતંત્રતા આપી છે. આપણી એક ઇંચ જમીન પર પણ કોઈ નજર નહીં નાખી શકે. આપણી સરહદમાં કોઈએ ઘુસણખોરી કરી નહોતી કે ચીને આપણી  કોઈ પણ પોસ્ટ કબજે કરી નથી. આપણા 20 સૈનિકો શહીદ થયા હતા, પરંતુ ભારત માતાને પડકારનારા લોકો તેમને પાઠ ભણાવતા ગયા છે. આખો દેશ તેની વીરતાને યાદ કરશે. તેના બલિદાનથી બધાને દુઃખ થાય છે. આ ભાવના આ બેઠકમાં પણ સ્પષ્ટ થાય છે.

ચીનના પહેલાના ચાર નિવેદનો

  • ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને 19 જૂને કહ્યું હતું કે- શું સાચું છે અને શું ખોટું? તે ખૂબ સ્પષ્ટ છે. જે બન્યું તેની ભારતની સંપૂર્ણ જવાબદારી છે. ભારત-ચીન વાટાઘાટો કરી રહ્યા છે.
  • ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે 18 જૂને કહ્યું હતું કે- ભારતીય ફ્રન્ટ લાઇન સૈનિકોએ આ કરાર તોડ્યો હતો અને LACની લાઇનને પાર કરવાની ઉશ્કેરણી કરી અને અધિકારીઓ-સૈનિકો પર હુમલો કર્યો હતો. આ પછી જ અથડામણ થઈ અને જીવ ગુમાવ્યા. તેમણે કહ્યું હતું કે, ભારતે હાલની પરિસ્થિતિ અંગે ખોટો અભિપ્રાય ન બાંધવો જોઈએ અને પ્રાદેશિક સાર્વભૌમત્વની સુરક્ષા માટે ચીનની ઇચ્છાને નબળી ન માનવી જોઈએ.
  • જૂન 17ના રોજ, ઝાઓ લિજિયને કહ્યું કે ગલવાન ખીણની સાર્વભૌમત્વ હંમેશાં ચીનનો ભાગ રહ્યો છે. ભારતીય સેનાએ બોર્ડર પ્રોટોકોલ તોડ્યો. ભારતે ન માત્ર બોર્ડર મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યુ છે, પણ કમાન્ડર કક્ષાની વાટાઘાટોનું પણ ધ્યાન ન રાખ્યું.
  • આ પહેલા 16 જૂને બપોરે લગભગ 1 વાગ્યે હિંસક અથડામણના સમાચાર વિશ્વમાં આવ્યા હતા. ત્યારબાદ, ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ચીનના વિદેશ મંત્રાલયને ટાંકીને કહ્યું કે બંને દેશો વચ્ચે સરહદ પર સહમતી થઈ હતી, પરંતુ ભારતીય સૈનિકોએ તેને તોડીને સરહદ પાર કરી દીધી હતી.

ભારતના 20 જવાનો શહીદ થયા
સોમવારે રાત્રે ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. 40 ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. જેમાં યુનિટના કમાન્ડિંગ ઓફિસરનો સમાવેશ થાય છે. આ અધિકારી તે જ ચીની એકમનો હતો, જેની ભારતીય સૈનિકો સાથે હિંસક અથડામણ થઈ હતી.