બ્રેકિંગ ન્યૂઝ : હવે 45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને કોરોનાની વેક્સિન અપાશે

0
2

દેશમાં કોરોનાના વધતા કેસની વચ્ચે વેક્સિનેશનને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. 1 એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિ વેક્સિન લગાવી શકશે. કેન્દ્ર સરકારે મંગળવારે આ નિર્ણય કર્યો છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાણકારી આપી છે.અત્યાર સુધી 45 થી 60 વર્ષ વચ્ચેના માત્ર ગંભીર બીમારીવાળા લોકોને જ વેક્સિન આપવામાં આવતી હતી.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યુ હતું કે દેશમાં વેક્સિનની કોઈ અછત નથી. લોકોએ ફ્ક્ત પોતાનું રજીસ્ટ્રેશન જ કરાવવાનું રહેશે અને તેમને સરકારી અને પ્રાઈવેટ સેન્ટર પર વેક્સિન આપવામાં આવશે.

અત્યાર સુધીમાં 4.85 કરોડ ડોઝ આપવામાં આવ્યા : જાવડેકર
જાવડેકરે કહ્યું કે આજ સુધીમાં દેશમાં 4. 85. કરોડ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. આમાંથી 80 લાખ લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ લગાવવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 32.54 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

સરકારી સેન્ટરો પર ફ્રી વેક્સિનેશન ચાલી રહ્યું
દેશમાં લગભગ 10 હજાર સરકારી સેન્ટરો અને હજારો પ્રાઈવેટ સેન્ટરો પર વેક્સિનેશન ચાલી રહ્યું છે. સરકારી સેન્ટરો પર વેક્સિન ફ્રી આપવામાં આવી રહી છે, જ્યારે પ્રાઈવેટ સેન્ટરો પર રુ. 250 પ્રતિ ડોઝના હિસાબે વેક્સિન લગાવવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 25 લાખ લોકો મહામારીની ઝપેટમાં, આ આંકડો દુનિયાના ટોપ-10 સંક્રમિત દેશો બાદ સૌથી વધુ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીંયા કોરોનાથી બેકાબૂ બનેલી પરિસ્થિતિનો અંદાજો તે વાતથી જ લગાવી શકાય છે કે દુનિયામાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત 10 દેશો બાદ મહારાષ્ટ્રનો જ નંબર આવે છે. રાજયમાં અત્યાર સુધીમાં 25.04 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે અને દેશમાં સૌથી વધુ સંક્રમણથી અસરગ્રસ્ત રાજ્ય છે.

ગત દિવસે 40,611 કેસ નોંધાયા
સોમવારે, દેશમાં 40,611 કોરોનાના કેસ નોંધાયા હતા, 29,735 સાજા થયા અને 197 મૃત્યુ પામ્યા. આના એક દિવસ પહેલા રવિવારે 47,009 કેસ નોંધાયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં પ્રથમ વખત નવા કેસમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આ પહેલા 14 માર્ચે 26,413 કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 24,437 દર્દીઓ મળી આવ્યા હતાં. 15 માર્ચથી તેમાં સતત વધારો થતો રહ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 10,676નો વધારો થયો છે. અત્યારે 3 લાખ 42 હજાર 344 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આજે આ સંખ્યા 3.50 લાખને પાર થઈ શકે છે. દેશમાં અત્યાર સુધી 1 કરોડ 16 લાખ 86 હજાર 330 લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 1 કરોડ 11 લાખ 79 હજાર 59 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 1.60 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

અપડેટ્સ

  • ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર આપી હતી. તેમણે લખ્યું. ‘મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઠીક છું અને મને કોઈ સમસ્યા નથી.ડોકટરોની દેખરેખમાં હું સ્વયં આઇસોલેટ થયો છું. જે લોકો મારા સંપર્કમાં આવેલા છે તેઓએ સાવધ રહેવું જોઈએ અને પોતાની તપાસ કરાવવી જોઈએ.
  • પંજાબના એસએએસ નગરમાં પ્રતિબંધો લંબાવાયા છે. અહીં ફરીથી નાઇટ કર્ફ્યુ લગાવી દીધો છે. 20 થી વધુ લોકો સાંસ્કૃતિક અથવા સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે નહીં.
  • સોમવારે મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કોરોનાના 145 નવા કેસ નોંધાયા છે. આમાં વિદ્યાર્થીઓ અને તેમની સાથે સંપર્કમાં રહેલા લોકો સામેલ છે. કેમ્પસમાં અત્યાર સુધીમાં કુલ 299 લોકોને સંક્રમણ લાગ્યું છે. કેમ્પસમાં હાલમાં 5800 વિદ્યાર્થીઓ ક્વોરેંટાઈન છે.

દરરોજ સૌથી વધુ કેસ નોંધાતા 11 રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર: 5 દિવસ બાદ કેસમાં ઘટાડો
અહીં સોમવારે કોરોનાના 24,645 કેસ નોંધાયા હતા. 5 દિવસમાં રાજ્યમાં દરરોજ આવતા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 19,463 દર્દીઓ સાજા થયા હતા અને 58 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 25.04 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 22.34 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 53,457 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 2.15 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

2. પંજાબ: સતત છઠ્ઠા દિવસે 2 હજારથી વધુ કેસ
અહીં સોમવારે 2,299 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 1,870 દર્દીઓ સાજા થયા હતા અને 58 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.15 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 1.90 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 6,382 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 18,628 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

3. ગુજરાત: સતત ત્રીજા દિવસે 1500થી વધુ કેસ
અહીં, સોમવારે સતત ત્રીજા દિવસે કોરોનાના 1,640 કેસ નોંધાયા હતા અને 1,110 દર્દીઓ સ્વસ્થ થયા હતા અને 4 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.88 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાંથી 2.76લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,454 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 7,847ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ : સતત પાંચમા દિવસે એક હજાર કે તેથી વધુ કેસ મળી આવ્યા.
સોમવારે અહીં 1,525 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 750 દર્દીઓ સાજા થયા હતા અને 12 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અહીં સતત પાંચમા દિવસે એક હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં 3.25 લાખ લોકોને સંક્રમણની ઝેપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 12.૨૨ લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 3,692 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં, 9,205 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

5. કર્ણાટક: એક્ટિવ કેસ 14 હજારને પાર
અહીં સોમવારે 1,445 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 661 દર્દીઓ સાજા થયા હતા અને 10 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.71 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. જેમાં 9.44 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 12,444 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 14,267 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. તામિલનાડુ: સાજા થનાર દર્દીઓ કરતાં લગભગ ડબલ કેસ આવ્યા
સોમવારે અહીં 1,385 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 659 દર્દીઓ સાજા થયા હતા અને 10 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.68 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. જેમાં 8.47 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 12,609 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં, 8,619 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

7. મધ્યપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં 1348થી વધુ કેસ આવ્યા
અહીં સોમવારે 1,348 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 754 દર્દીઓ સાજા થયા હતા અને 2 મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.77 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. જેમાંથી 2.64 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,908 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 8,908ની સારવાર ચાલી રહી છે.

9. દિલ્હી: 800થી વધુ નવા દર્દીઓ મળી આવ્યા
સોમવારે અહીંયા કોરોનાના 888 કેસ નોંધાયા હતા અને 565 દર્દીઓ સાજા થયા હતા અને 7 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 6.48 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 6.33 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે,જ્યારે 10,963 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 3,934ની સારવાર ચાલી રહી છે.

10. હરિયાણા: એક્ટિવ કેસ 5.5 હજારને પાર
સોમવારે અહીં કોરોનાના 865 કેસ નોંધાયા હતાં અને 519 દર્દીઓ સ્વસ્થ થયાં હતાં અને 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.80 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 2.71 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 3,101 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 5,698 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

11. રાજસ્થાન: નવા કેસ સાજા થનાર દર્દી કરતા વધુ
અહીં સોમવારે 602 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 176 દર્દીઓ સાજા થયા હતા. આ દરમિયાન 5 લોકોનાં મોત પણ થયાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.26 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. 3.19 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,803 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 4,006ની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here