સ્થૂળતા સામે લડવા બ્રિટનનો નિર્ણય : જંક ફૂડની જાહેરાત ઓનલાઇન નહીં બતાવાય

0
0

લોકોમાં વધતી સ્થૂળતાને કાબૂમાં લેવા અનેક પ્રકારના પ્રયાસો કર્યા બાદ પણ સફળતા ન મળતાં બ્રિટન સરકારે એક મોટો નિર્ણય લીધો છે. તે હેઠળ 2023થી બ્રિટનમાં જંક ફૂડની જાહેરાત ઓનલાઈન નહીં બતાવી શકાય. ઉપરાંત ટીવી પર તેનું પ્રસારણ રાતના 9 વાગ્યાથી પહેલાં અને સવારના 5:30 વાગ્યા બાદ નહીં કરી શકાય. લાઇવ અને ઓન ડિમાન્ડ કાર્યક્રમમાં પણ આવી જાહેરાત પર પ્રતિબંધ રહેશેે. આ કવાયત આગામી વર્ષના અંત સુધી શરૂ થઈ જશે.

બ્રિટનના સ્વાસ્થ્ય અને સામાજિક દેખરેખ વિભાગે આ અંગે ગુરુવારે જાહેરાત કરી હતી. આ નિર્ણયની અસર ચોકલેટ, બર્ગર, કોલ્ડડ્રિંક્સ, કેક, પિત્ઝા અને આઈસક્રીમની જાહેરાતો પર થશે. ખરેખર બ્રિટનમાં સ્થૂળતાની સમસ્યા ઝડપથી વધી રહી છે. કોરોનાથી વધુ મૃત્યુનું એક કારણ પણ સ્થૂળતા છે એટલા માટે પીએમ બોરિસ જોનસને આ સમસ્યાને પ્રાથમિકતા આપી છે. આ કપરા પ્રતિબંધ પીએમની આગેવાનીમાં લવાયા છે. તે ખુદ પણ કોરોનાથી માંડ માંડ બચ્યા છે. એવી સ્થિતિમાં તેઓ સ્થૂળતા સામે લડવા માટે કમર કસી ચૂક્યા છે. તેમણે હોસ્પિટલોમાં મુશ્કેલ સમય પસાર કર્યા બાદ તેને પડકાર તરીકે લીધો હતો.

તે હેઠળ એપ્રિલ 2021થી જંક ફૂડ પર એક સાથે એક મફત ઓફર પર બેન લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ટીવી જાહેરાતોની વાત ત્યારથી જ તેમના મનમાં હતી. તાજેતરના નિર્ણય અંગે બ્રિટનના લોકસ્વાસ્થ્યમંત્રી જો ચર્ચિલ કહે છે કે કિશોર અને બાળકો જે કન્ટેન્ટ જુએ છે તેની અસર તેમના દ્વારા પસંદ કરાયેલા વિકલ્પો પર થાય છે.

હાલમાં તેઓ સૌથી વધુ સમય ઓનલાઇન પસાર કરે છે. એવામાં આપણી જવાબદારી છે કે તેમને સ્વાસ્થ્યને હાનિકારક જાહેરાતોથી બચાવીએ. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના સીઈઓ કાર્માઈન ગ્રિફિથ અનુસાર આ પ્રકારના પ્રતિબંધ બાળકોને જંક ફૂડની જાહેરાતોના પ્રભાવથી બચાવવાની દિશામાં સાહસિક અને અત્યંત સકારાત્મક પગલું છે.

બ્રિટનના ઓબેસિટી હેલ્થ એલાયન્સ દ્વારા આ વર્ષે હાથ ધરાયેલા વિશ્લેષણ અનુસાર આ પ્રકારની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાથી બાળકોની ખાણી-પીણીથી 15 કરોડ ચોકલેટ અને 4.1 કરોડ ચીઝબર્ગર હટાવવાનો ફાયદો મળી શકે છે.

હાલના સમયે બ્રિટિશ બાળકો સૌથી વધુ સ્થૂળ, તેમના સ્વાસ્થ્યને જોખમ
બ્રિટનના એનએચએસ અનુસાર દેશની 60% વયસ્ક વસતી સ્થૂળતા સામે ઝઝૂમી રહી છે. 3માંથી 1 બાળક પ્રાથમિક સ્કૂલ છોડતી વખતે ભારે સ્થૂળ થઈ ચૂક્યું હોય છે. હાલના સમયે બ્રિટનનાં બાળકોમાં સર્વાધિક સ્થૂળતા છે. 11 વર્ષનાં 5 બાળકોમાંથી એકનું વજન વધારે હોય છે. દેશમાં 1.11 લાખ બાળકો ગંભીર સ્થૂળતાની લપેટમાં છે. તેમને ડાયાબિટીસ, હાર્ટ અને સ્ટ્રૉક આવી શકે છે. આ સમસ્યાને કાબૂમાં લેવા 2018માં શુગર ટેક્સની શરૂઆત કરાઈ હતી. રોયલ કોલેજ પીડિયાટ્રિક્સના નિષ્ણાતો કહે છે કે હજુ પણ દૈનિક જરૂરિયાતની 70% ખાંડ નાસ્તાના એક બાઉલમાં હોય છે જેના પર નિયંત્રણ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here