દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં એક બ્રિટિશ મહિલા પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યાનુસાર, મહિપાલપુરમાં એક હોટલમાં એક બ્રિટિશ મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે અને બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, વસંત કુંજ પોલીસ આ મામલે કાર્યવાહી કરી, પીડિતા ઇંગ્લેન્ડની છે. તે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાતે આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કૈલાશ નામના છોકરા સાથે મિત્રતા કરી હતી. મહિલાએ કૈલાશને ફોન કરીને મળવા કહ્યું હતું. પરંતુ કૈલાશે મહારાષ્ટ્ર જવા માટે અસમર્થતા દર્શાવી અને પીડિતાને દિલ્હી આવવા કહ્યું. જે બાદ પીડિતા મંગળવારે સાંજે દિલ્હી પહોંચી. તે મહિપાલપુરની એક હોટલમાં રોકાઈ રહી હતી.
પીડિતાના ફોન પર, કૈલાશ તેના એક મિત્ર વસીમ સાથે હોટલ પહોંચ્યો, જ્યાં આરોપીએ દારૂના નશામાં યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ બુધવારે પોલીસને ઘટનાની જાણ કરી, ત્યારબાદ પોલીસે વસંત કુંજ ઉત્તર વિસ્તારમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી. દિલ્હી પોલીસે આ બાબતની જાણ બ્રિટિશ હાઈ કમિશનને પણ કરી છે. પોલીસના જણાવ્યાનુસાર, આરોપીની પ્રોફાઇલ ખૂબ જ શંકાસ્પદ છે. તે પીડિતા સાથે વાત કરવા માટે ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરી રહ્યો હતો. હાલમાં પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે.